Dakshin Gujarat

નવસારી જિલ્લાની 4 વિધાનસભાના 18 ઉમેદવારનું ગુરુવારના રોજ ભાવિ ઘડાશે

નવસારી : નવસારી જિલ્લામાં ગત 1લી ડિસેમ્બરે મતદાન થયું હતું. જેમાં નવસારી જિલ્લાની જલાલપોર, નવસારી, ગણદેવી અને વાંસદા વિધાનસભા બેઠક પર 10,78,552 મતદારો નોંધાયા હતા. જે પૈકી ચારેય વિધાનસભા બેઠક પર 7,66,825 મતદારોએ મતદાન કરતા જિલ્લામાં 71.10 ટકા મતદાન નોંધાયું હતું. ચારેય વિધાનસભામાં સૌથી વધુ મતદાન વાંસદા બેઠકનું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન નવસારી વિધાનસભા બેઠકનું હતું.

  • મત ગણતરી કેન્દ્ર પર રિટર્નિગ ઓફિસર સ્ટાફ, પોલીસ બંદોબસ્ત અને સીઆરપીએફની ટીમ તૈનાત
  • 200 થી વધુ સ્ટાફ મતગણતરીમાં જોડાશે
  • ચારેય વિધાનસભામાં સૌથી વધુ મતદાન વાંસદા બેઠકનું, સૌથી ઓછું મતદાન નવસારી વિધાનસભા બેઠકનું હતું

ત્યારે હવે ચૂંટણી પરિણામનો દિવસ આવી ગયો છે. જલાલપોર વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારો, નવસારી વિધાનસભા બેઠક પર 6 ઉમેદવારો, ગણદેવી વિધાનસભા બેઠક પર 3 ઉમેદવારો અને વાંસદા વિધાનસભા બેઠક 5 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જલાલપોરની ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી યોજાશે. આ મતગણતરીમાં 14 ટેબલ ઉપર 200 લોકોનો સ્ટાફ ફરજ બજાવશે.

કઇ બેઠક પર કેટલા રાઉન્ડ
જલાલપોર વિધાનસભાના 253 બુથનું 18 રાઉન્ડમાં, નવસારી વિધાનસભાના 253 બુથનું 18 રાઉન્ડમાં, ગણદેવી વિધાનસભાના 311 બુથનું 23 રાઉન્ડમાં અને વાંસદા વિધાનસભા બેઠકના 330 બુથનું 24 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે. આ સિવાય મતગણતરી કેન્દ્ર પર રિટર્નિંગ ઓફિસર, પોલીસ અને સીઆરપીએફના જવાનોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

ગુરુવારે વિધાનસભા ચૂંટણીનું પરિણામ: બારડોલીના 5 ઉમેદવારના રાજકીય કિસ્મતનો ફેંસલો
બારડોલી: બારડોલી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુરુવારના રોજ સુરત ખાતે આવેલી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગત પહેલી ડિસેમ્બરના રોજ યોજાયેલી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બારડોલી વિધાનસભામાં પણ મતદાન યોજાયું હતું. અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર કુલ પાંચ ઉમેદવાર મેદાનમાં હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી ઈશ્વરભાઈ પરમાર, કોંગ્રેસમાંથી પન્નાબેન પટેલ, આમ આદમી પાર્ટીમાંથી રાજેન્દ્ર સોલંકી તેમજ એક બીએસપી અને એક અપક્ષ ઉમેદવાર મેદાનમાં હતા. મતદાન પૂર્ણ થયા બાદ બારડોલી વિધાનસભાનાં તમામ ઇવીએમ મશીન સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં લાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા હતા. હવે આ ઇવીએમ મશીનો આજે ખૂલશે. આપના ઉમેદવાર કોંગ્રેસ કે ભાજપ કોને નુકસાન કરે છે તે ગુરુવારે સ્પષ્ટ થઈ જશે.

Most Popular

To Top