નવસારી: (Navsari) વિદેશોમાં હાલ હીરાની માંગ વધતા નવસારીમાં હીરા ઉદ્યોગમાં (Diamond Industries) તેજી આવી છે. તો બીજી તરફ કોરોના કાળમાં વતન ગયેલા રત્નકલાકારો (Diamond Workers) પરત નહીં આવતા કારીગરોની ઘટ વર્તાઈ રહી છે. જોકે હવે કારખાનેદારો નવા-શિખાઉ લોકોને હીરા બનાવવા માટે તૈયાર કરી રહ્યા છે.
સુરતની જેમ નવસારીમાં પણ હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વધ્યો છે. નવસારીમાં હીરાના નાના-મોટા કારખાનાઓ આવેલા છે. આ કારખાનામાં મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી આવી નવસારીમાં વસેલા લોકો વધુ કામ કરે છે. એક સમયે નવસારીમાં હીરા ઉદ્યોગની બોલબાલા હતી. લોકો નોકરી માટે હીરા ઉદ્યોગને પ્રાથમિકતા આપતા હતા. પરંતુ ત્યારબાદ હિરા ઉદ્યોગમાં મંદીનો માહોલ આવ્યો હતો. જેથી હિરાના વેપારીઓએ હીરાનું પ્રોડક્શન (Production) ઘટાડી દેતા કારીગરોની કમાણી (Income) અડધી થઈ હતી. જેના પગલે લોકોએ આ ઉદ્યોગ છોડી અન્ય કોઈ વ્યવસાયમાં જોડાયા હતા.
છેલ્લા 2-3 વર્ષોથી નવસારીમાં હીરા ઉધોગમાં ફરી તેજી આવી હતી. જેથી હીરાના કારીગરોની કમાણીમાં વધારો થતા ફરી લોકો હિરા ઉદ્યોગમાં જોડાયા હતા. દરમિયાન ગત વર્ષે કોરોનાની મહામારી શરૂ થતા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેના પગલે વેપાર-ધંધાની ગાડી અટકી ગઈ હતી. હીરાના કારખાનામાં કામ કરતા લોકો મહારાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમના વતન ચાલ્યા ગયા હતા. જોકે ધીમેધીમે અનલોક થતા વેપાર-ધંધાની ગાડી શરૂ થઈ હતી કે ફરી નવસારીમાં કોરોનાના કેસો વધતા લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેથી હીરાના કારીગરો તેમના વતનમાં ખેતીમાં જોડાયા હતા તો કેટલાક લોકો અન્ય વ્યવસાયમાં જોડાયા હતા. હાલ ઘણા સમયથી કોરોનાના કેસો ઘટી જતા વેપાર-ધંધાની ગાડી પાટે ચઢી છે.
વેપારીઓ નવા કારીગરોને હીરાનું કામ શીખવી રહ્યા છે
બીજી તરફ હાલ હીરાની માંગ વિદેશોમાં વધી રહી છે. જે માંગને લઈ હીરા ઉદ્યોગને ગતિ મળી છે. નવસારીમાં પણ હીરા ઉદ્યોગમાં હીરાના પ્રોડક્શનમાં પણ વધારો થયો છે. જેથી હીરાના કારીગરોની રોજગારીમાં વધારો થયો છે. છતાં પણ કોરોના કાળમાં વતન જતા રહેલા કારીગરો ફરી નવસારી આવ્યા નથી જેથી નવસારી હીરા ઉદ્યોગમાં 20 થી 30 ટકા કારીગરીની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હીરાના વેપારીઓ નવા લોકોને રોજગાર આપી હીરા બનાવવાનું શીખવી રહ્યા છે.