નવસારી: (Navsari) બિપરજોય વાવાઝોડાની અસરને પગલે નવસારી જિલ્લાના દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો છે. વાવાઝોડાને કારણે નવસારી જિલ્લા તંત્રએ દરિયા કિનારે (Beach) જવા માટે મનાઈ હુકમ ફરમાવ્યો છે, છતાં પણ દરિયા કિનારે સહેલાણીઓ (Tourist) જોવા મળ્યા હતા.
- વાવાઝોડાની અસર : નવસારીના દરિયામાં કરન્ટ શરૂ, છતાં કિનારે સહેલાણીઓનો અડીંગો
- અનિચ્છનીય ઘટના ટાળવા કલેક્ટરનું જાહેરનામુ
- માછીમારોને પરત બોલાવ્યા પરંતુ સહેલાણીઓને દરિયામાં મોજ-મસ્તી કરતાં રોકનારૂં કોઈ નહીં!
ગુજરાતના દરિયામાં બિપરજોય વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. નવસારી જિલ્લામાં 52 કિમીનો દરિયો કિનારો છે. દાંડી અને ઉભરાટના દરિયા કિનારા છે. જેથી નવસારી જિલ્લામાં પણ વાવાઝોડાનું સંકટ આવવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. જેને પગલે નવસારી જીલ્લા તંત્ર પણ એલર્ટ થઈ અગમચેતીના પગલા ભર્યા છે. તો તંત્રએ માછીમારોને દરિયો ખેડવા ન જવાની અપીલ કરી દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લીધા હતા. બીજી તરફ સહેલાણીઓ પણ દરિયા કિનારે મજા માણવા જઈ રહ્યા હતા. જેથી નવસારી અધિક કલેકટરે નવસારી જિલ્લાના દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરવાનો હુકમ કર્યો હતો.
સાથે જ નવસારી જિલ્લા પોલીસ વડાને દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની સુચના આપી હતી, તે છતાં પણ દરિયા કિનારે સહેલાણીઓ જઈ રહ્યા છે. જો કે હાલમાં વાવાઝોડાની અસર જીલ્લાના દરિયામાં જોવા મળ્યો છે. દાંડી અને ઉભરાટ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. આવા સમયે પણ સહેલાણીઓ દરિયા કિનારે સેલ્ફી ફોટો પાડી મજા માણતા જોવા મળ્યા હતા. ત્યારે કલેક્ટરના હુકમના લીરેલીરે ઉડ્યાં હતા. સહેલાણીઓને દરિયા કિનારાથી દુર રાખવા માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો જરૂરી છે.
નવસારી જિલ્લામાં 5 દિવસ વાવાઝોડાની અસર વર્તાશે
નવસારી : નવસારી જીલ્લામાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. જેમાં હવામાન વિભાગે 10મી જુનથી વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવના દર્શાવી છે. 10મી જુને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની વધારે શક્યતા છે. 11મી જુને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ, 12મી જુને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ, 13મી જુને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને 14મી જુન કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે.