Dakshin Gujarat Main

આખરે બે આદિવાસી યુવકોના શંકાસ્પદ મોતમાં આરોપી પીઆઇ, કોન્સ્ટેબલની ધરપકડ

નવસારી, ઘેજ : ચીખલી પોલીસ મથક (Police station)માં વઘઇના બે આદિવાસી યુવકો (tribal youth)ના શંકાસ્પદ મોત (mysterious death)માં હત્યા (murder)ના આરોપી તત્કાલિન પીઆઇ (PI) અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ (police constable) શક્તિસિંહ ઝાલા, કોન્સ્ટેબલ રામજી ગયા પ્રસાદ આખરે બનાવના બે મહિના બાદ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને નવસારીથી મળી આવતા ધરપકડ કરી કોરોના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં 21 જુલાઇના રોજ વહેલી સવારે ડાંગ જિલ્લાના વઘઇના શ્રમજીવી પરિવારના બે યુવાનો 19 વર્ષીય રવિભાઇ જાદવ અને સુનિલભાઇ પવાર એક જ પંખા નીચે શંકાસ્પદ સ્થિતિમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેમાં શરૂઆતથી જ બનાવને અકસ્માત મોતમાં ખપાવી જવાબદાર પીઆઇ સહિતનાને બચાવવાના મરણીયા પ્રયાસ શરૂ કરી રીતસરના હવાતિયા મરાઇ રહ્યા હતા. બાદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની દરમ્યાનગીરી અને બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ, બીટીએસના મહામંત્રી પંકજ પટેલ, ખાંભડાના રમેશભાઇ સહિતના આગેવાનોએ આવેદનપત્ર, રેલી યોજી દેખાવો કરતા ચારે તરફથી દબાણ વધતા આખરે બનાવના સાત દિવસ બાદ 28 જુલાઇના રોજ તત્કાલિન પીઆઇ અજીતસિંહ વાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રામજી ગયા પ્રસાદ, રવિન્દ્ર રાઠોડ સહિતના સામે હત્યા, અપહરણ, એટ્રોસીટી એક્ટની જોગવાઇ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ હતી.

બંને આદિવાસી યુવાનોને જે તે સમયે સ્ટેશન ડાયરીમાં નોંધ કર્યા વિના ગેરકાયદેસર રીતે ગોંધી રાખી વાળા સહિતના આરોપીઓએ ઢોર માર-મારી મારી નાંખી એક જ પંખા નીચે બંનેને લટકાવી દીધા હોવા સહિતના ગંભીર આક્ષેપો થયા હતા. પોલીસ દ્વારા ગુનો નોંધ્યા બાદ આરોપીઓની ધરપકડ કરાતી ન હતી અને બચાવવા માટેની તક અપાતી હોય તેમ લાગી રહ્યું હતું. આ દરમ્યાન સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા આરોપીઓની ધરપકડ માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રજૂઆત કરી હતી. જ્યારે બીજી તરફ ધારાસભ્ય અનંત પટેલ ઉપરાંત આદિવાસી સંગઠનના નેતાઓ દ્વારા પોલીસ મથકનો ઘેરાવો કરવા સહિતની ચીમકી આપી ઉગ્ર આંદોલન શરૂ કરી આક્રમકતા દાખવતા આજે શુક્રવારના રોજ રેંજ આઇજીએ તેડું મોકલાવી બેઠક યોજી હતી. અને જેમાં પણ આરોપીઓની ધરપકડની માહિતી આપવામાં આવી હતી.

આરોપી પોલીસવાળાની જેલમાં મહેમાનગતિ કરાશે કે કેમ તે જોવું રહ્યું
આમ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસે આરોપી તત્કાલિન પીઆઇ અજીતસિંહવાળા, કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, રામજી ગયા પ્રસાદને નવસારીથી ડીટેઇન કર્યા હતા. જોકે ડીટેઇન કર્યા કે આરોપીઓ પૂર્વ ગોઠવણના ભાગરૂપે શરણે આવ્યા હતા. પરંતુ આખરે બે મહિના બાદ પોલીસને આરોપી પોલીસો મળ્યા ખરા. આરોપીઓના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી રિપોર્ટ બાદ ધરપકડ કરાશે. ત્યારે બીજા આરોપીઓની જેમ જેલના સળિયા પાછળ રખાશે કે પછી મહેમાનગતિ કરાશે. તે જોવું રહ્યું. બનાવની તપાસ ડીવાયએસપી બીએસ મોરી કરી રહ્યા છે.

Most Popular

To Top