નવસારી : નવસારી જિલ્લામાં કોરોનાનો ફેલાવો ધારવા કરતાં વધુ હોય એવી શંકા પેદા થઇ રહી છે. ખાનગી હોસ્પિટલમાં થતા ટેસ્ટ કે સારવાર અંગે સરકારી ચોપડે આંકડા નોંધાતા નહી હોવાને કારણે ખરેખર જિલ્લામાં કેટલા કોરોનાના કેસ છે કે કેટલા લોકો કોરોનાને કારણે મૃત્યુ પામે છે, તે સંખ્યા વાસ્તવિક સંખ્યાથી સાવ ઓછી હોય એવી આશંકા બળવત્તર બની રહી છે, ત્યારે હવે 1લી એપ્રિલથી 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને રસીકરણ આપવાનું હોય સ્વાસ્થ્ય કેન્દ્ર કે આંગણવાડી ખાતે લોકોનો ઘસારો થાય એવી સ્થિતિ છે, ત્યારે આરોગ્ય વિભાગે ઘરે ઘરે જ કોરોનાનું રસીકરણ કરવું જોઇએ તો જ સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાયેલી રહેશે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી મેહુલ ડેલીવાલાએ ‘ગુજરાતમિત્ર’ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં થતા ટેસ્ટ, સારવાર તથા કોરોનાના મૃતકોના આંકડાનો સરકારી આંકડામાં સમાવેશ થતો નથી. એ જોતાં વાસ્તવિક રીતે કોરોના જિલ્લામાં કેવો કેર મચાવી રહ્યો છે, એ ચિત્ર સાચુ બહાર આવતું જ નથી. વેરાવળમાં દરરોજ બે મૃતદેહો બેગમાં પેક થઇને આવે છે, ત્યારે જિલ્લામાં અન્ય સ્મશાન ગૃહોમાં આ રીતે આવતા મૃતદેહોની સંખ્યા ધ્યાનમાં લઇએ તો કોરોનાને કારણે કે શંકાસ્પદ કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ભયભીત કરી દે એવી હોય તો નવાઇ પામવા જેવું નથી. આ સંજોગોમાં ફક્ત સરકારી આંકડાને આધારે લખાતા સમાચાર જોઇને નવસારી જિલ્લામાં સબ સલામત છે, એમ માની લેવાની જરૂર નથી. એ સંજોગોમાં લોકોએ માસ્કનો ઉપયોગ કરવો પડશે કે સામાજિક અંતર પણ રાખવું જરૂરી છે. ખરેખર જ્યારે વાસ્તિવક સંક્રમણ કેટલું છે, તેની જાણ નહી હોય ત્યારે સાવચેતી રાખવી જરૂરી થઇ પડે એમ છે.
ઘરે ઘરે ફરીને રસીકરણ થાય તો કોરોનાના વિસ્ફોટનું જોખમ રહે નહીં
આ સંજોગોમાં રસીકરણ કરવા માટે વોર્ડ પ્રમાણે કે આંગણવાડીમાં રસીકરણ માટે લોકોને એકત્ર કરવા જોખમી બની રહે એમ છે. ખાસ કરીને 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસીકરણ કરવાના છે, ત્યારે અનેક લોકો એ માટે ધસારો કરે એમ છે, એ સંજોગોમાં ટોળું ભેગું થઇ જાય તો એ કોરોનાના વિસ્ફોટ માટે જોખમ છે. આ સંજોગોમાં આરોગ્ય વિભાગે હાલમાં પણ ઘરે ઘરે ફરીને સરવે કરાયા જ છે, એ રીતે દરેક ઘરે ઘરે ફરીને રસીકરણ કરવામાં આવે તો કોરોનાના વિસ્ફોટનું જોખમ રહે નહીં. સાથે ઘરે ઘરે જ ટેસ્ટિંગ પણ થઇ જવું જોઇએ, જેથી સાચો આંકડો આવે એમ છે.
ગણદેવીમાં પણ સ્થિતિ ભયાનક : પરિવારના તમામ સભ્યો પોઝિટિવ
ગણદેવીમાં પણ અનેક લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હોવાનું જણાય છે. જો કે મોટા ભાગના કોરોના પોઝિટિવ હોમ ક્વોરન્ટાઇન હોવાને કારણે લોકોને ખ્યાલ આવતો નથી. સરકારી ચોપડે તો ગણદેવીમાં હજુ તો એક જ કેસ નોંધાયેલો છે. આ સંજોગોમાં ટેસ્ટિંગ વધે એ જરૂરી છે. કેટલાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે નગરમાં સાવચેતીના પગલાં ભરાવા જરૂર છે. ખાસ કરીન બજારમાં ભીડ ન થાય એ જરૂરી છે. માસ્ક તથા સોશિલ ડિસ્ટન્સ જળવાય એ જરૂરી છે.
ગણદેવીમાં આંગણવાડીમાં રસીકરણ હાથ ધરાય છે. પરંતુ અગાઉથી એ રસીકરણના કાર્યક્રમની જાણ થતી નહી હોવાથી ઘણા લોકો રસીકરણ કરાવવા માંગતા હોવા છતાં કરી શકતા નથી. ખાસ કરીને સીનિયર સીટીઝનો તેમાંથી બાકાત રહી જાય છે. ખરેખર તો ઘરે ઘરે ફરીને રસીકરણ થાય એ જરૂરી છે, એમ નહી થાય તો પણ મહોલ્લા પ્રમાણે સમય ફાળવીને આંગણવાડી ખાતે રસીકરણ માટે કાર્યક્રમ ઘડી એ કાર્યક્રમ અગાઉથી જાહેર કરવાની જરૂર છે. અનેક લોકો સુરત કે વાપી સુધી નોકરી કરવા જાય છે, ત્યારે અગાઉથી જાણકારી મળે તો તેઓ રજા લઇને રસીકરણ કરાવી શકે એમ છે.