નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ (Patient) માટે માત્ર 8 બેડની સુવિધા સામે શરૂ કરાયેલા વોર્ડમાં એકપણ દર્દી સારવાર લઈ રહ્યા નહીં હોવાથી મ્યુકરમાઇકોસિસનો વોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે. નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 28 દર્દી નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના કેસો સાથે મ્યુકરમાઇકોસિસ રોગ પણ માથું ઉંચકી રહ્યો હતો. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં તે માટે વોર્ડ શરૂ કરવામાં આવ્યો ન હતો. જેથી મ્યુકરમાઇકોસિસના દર્દીઓ સુરત અને વલસાડ જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર (Hospital Treatment) લઈ રહ્યા છે. જોકે ત્યારબાદ નવસારી સિવિલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે વોર્ડ તૈયાર કરાયો હતો. પરંતુ તે પણ માત્ર 8 બેડની સુવિધા સાથે સરકારે 75 ઇન્જેક્શનો ફાળવ્યા હતા. વોર્ડ શરૂ કરાયો તે પહેલા જ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ અન્ય હોસ્પિટલોમાં તેમનો ઈલાજ કરાવી રહ્યા છે. 2 કે 3 દર્દીઓ તો નવસારીની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે શરૂ કરાયેલો મ્યુકરમાઇકોસિસ વોર્ડ શોભાના ગાંઠિયા સમાન છે.
જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો હતો. ત્યારે સરકારે તમામ ડોક્ટરોને કોરોના દર્દીઓની સારવાર કરવા માટે જણાવ્યું હતું. જેથી ડોકટરો સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. પરંતુ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે સર્જન ડોકટરની જરૂર હોય છે. ત્યારે લોકો લાખોના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોના સર્જનની ફી પણ લાખ્ખો રૂપિયા હોય છે. આ મ્યુકરમાઇકોસિસ રોગ કોરોના થયેલા દર્દીઓમાં વધુ જોવા મળે છે. જેથી કોરોના દર્દીઓ પહેલા કોરોનાથી બચવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચી સાજા થયા હતા. ત્યારે હવે મ્યુકરમાઇકોસિસના રોગ સામે લડવા માટે પણ દર્દીઓ લાખ્ખો રૂપિયા ખર્ચી રહ્યા છે.
જેથી હમણાં દર્દીઓની હાલત દાઝેલા પર મીઠું ચોપડવા જેવી છે. જોકે આ મ્યુકરમાઇકોસિસની સારવાર લાંબો સમય સુધી કરાવવી પડતી હોવાથી મધ્યમ વર્ગના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનું વિચારી પણ શકતા ન હોય.
બીજી તરફ નવસારી સિવિલમાં સર્જન પણ નહીં હોવાથી ખાનગી સર્જન ડોકટરો સિવિલમાં દર્દીઓની મુલાકાત લેવા જાય છે. ત્યારે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે વિચારી રહ્યા છે. ગુજરાત સરકારે નવસારી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓનો વોર્ડ મોટો કરી વધુ બેડની સુવિધા કરે સાથે જ સર્જનની પણ નિમણુંક કરે એ જરૂરી છે.
બહારથી સર્જનો વિઝીટ કરવા આવે છે : આરએમઓ
નવસારી સિવિલ હોસ્પિટલના આરએમઓ કિરણ શાહે જણાવ્યું હતું કે, નવસારી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસનો એકપણ દર્દી દાખલ નથી. જોકે બહારથી સર્જનો આવી દર્દીઓની વિઝીટ કરતા હોય છે.