Dakshin Gujarat Main

ખેરગામ 3, ચીખલી-નવસારીમાં અઢી ઇંચ વરસાદ, લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી

નવસારી: (Navsari) નવસારીમાં ગત સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવતા વરસાદ (Rain) શરૂ થયો હતો. જે વરસાદ 2 દિવસ સુધી પડતા નવસારી જિલ્લામાં લોકો સ્વેટરની જગ્યાએ રેઇનકોટ પહેરી બહાર નીકળ્યા હતા. જ્યારે આજે લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 20.5 ડિગ્રી નોંધાયું હતું. જેથી નવસારી જિલ્લો કાશ્મીર જેવું હિલ સ્ટેશન (Hill Station) બન્યું હતું. જિલ્લામાં વરસાદ સાથે ઠંડી પડતા દિવસ દરમિયાન લોકો ઠુંઠવાયા હતા. શિયાળાની સીઝનમાં સવારથી ચોમાસાની જેમ વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેથી લોકો સ્વેટરની જગ્યાએ રેઇનકોટ પહેરી બહાર નીકળ્યા હતા.

આજે બુધવારે સવારે પણ વરસાદ યથાવત રહ્યો હતો. સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાન ગગડતા નવસારી જિલ્લો કાશ્મીરની જેમ હિલ સ્ટેશન બન્યું હોય તેમ ઠંડુગાર બન્યું હતું. જેથી લોકોએ ઠંડીથી બચવા ઘરમાં પંખા બંધ રાખ્યા હતા, જ્યારે બહાર કેટલાકે લોકો તાપણું કરી ગરમાટો લેતા હતા. નવસારી જિલ્લામાં ગત મંગળવારે સાંજે 6 વાગ્યેથી બુધવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં, ખેરગામ તાલુકામાં 78 મી.મી. (3.2 ઇંચ), નવસારી તાલુકામાં 68 મી.મી. (2.8 ઇંચ), ચીખલી તાલુકામાં 66 મી.મી. (2.7 ઇંચ), જલાલપોર તાલુકામાં 59 મી.મી. (2.4 ઇંચ), ગણદેવી તાલુકામાં 55 મી.મી. (2.2 ઇંચ) અને વાંસદા તાલુકામાં 54 મી.મી. (2.2 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

  • નવસારી જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ
  • ખેરગામ 3.2 ઇંચ
  • નવસારી 2.8 ઇંચ
  • ચીખલી 2.7 ઇંચ
  • જલાલપોર 2.4 ઇંચ
  • ગણદેવી 2.2 ઇંચ
  • વાંસદા 2.2 ઇંચ

ચીખલીમાં સૂરજદાદાના દર્શન દુર્લભ બનવા સાથે દિવસભર ઠંડીનું પ્રમાણ યથાવત રહ્યું
ઘેજ: ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન પવનના સૂસવાટા સાથે વરસાદનું જોર વધતા 74 મી.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે વહેલી સવારથી વરસાદે વિરામ લીધા બાદ દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે શીતલહેર યથાવત રહેવા પામી હતી.
બુધવારના રોજ ઘનઘોર વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયા બાદ દિવસભર ધીમી ગતિએ વરસાદ ચાલુ રહ્યો હતો અને સાંજે છ વાગ્યા સુધીમાં 8 મી.મી. જેટલો જ વરસાદ નોંધાયો હતો. જો કે ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમ્યાન પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. બાદમાં રાત્રિ દરમ્યાન તેજ ગતિના પવન સાથે વરસાદનું જોર વધ્યું હતું અને સવારે છ વાગ્યા સુધીમાં 66 મી.મી. જેટલો વરસાદ વરસતા 22 કલાકમાં 74 મી.મી. એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રાત્રિ દરમ્યાન ઠંડો પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. બાદમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ સવારથી જ સૂરજદાદાના દર્શન દુર્લભ બનવા સાથે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું પ્રમાણ યથાવત રહેવા પામ્યું હતું. દિવસભર ઠંડીથી રક્ષણ મેળવવા સ્વેટર-જેકેટનો લોકોએ સહારો લેવો પડયો હતો.
મૂશળધાર કમોસમી વરસાદથી શાકભાજી અને બાગાયતી પાકોને વિપરિત અસર થવા પામી હતી. બીજી તરફ અનેક લગ્નોના રંગમાં ભંગ પડ્યો હતો. લગ્નના આયોજકોની મુશ્કેલી વધી હતી. વધુમાં ખુલ્લા આકાશ નીચે સામાન્ય તંબુમાં વસવાટ કરતા અન્ય જિલ્લા-તાલુકામાંથી શેરડી કાપવા સહિત મજુરી કામ અર્થે આવેલા શ્રમજીવી પરિવારોની હાલાકીનો પાર રહ્યો ન હતો. તાલુકામાં અનેક વિકાસના કામો પર પણ બ્રેક લાગી જવા પામી હતી.

બીલીમોરામાં બે દિવસમાં 2 ઇંચ કમોસમી વરસાદ, પવન ફૂંકાતા લોકો ઠુઠવાયા
બીલીમોરા : બીલીમોરામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે 55 મીમી કમોસમી વરસાદ સાથે મોસમનો 1901 મીમી(76 ઇંચ) વરસાદ નોંધાયો હતો. સતત વરસાદી માહોલ વચ્ચે ફૂંકાતા પવનને પગલે ઠંડક પ્રસરતા લોકો ઠુઠવાયા હતા.
બીલીમોરામાં બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે 55 મીમી ઝરમર વરસાદ નોંધાયો હતો. સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે રિમઝીમ વરસાદી હેલીને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. તલોધ જલારામ કોમ્પલેક્ષ નજીક માર્ગ ઉપર ગુરુવાર સાંજ સુધી પાણીનો ભરાવો જોવાયો હતો. તો એમ.જી રોડ પર બનતા ઓવરબ્રિજ નીચે પાણીનો જમાવડો થયો હતો. ભરશિયાળે લોકોને રેઇનકોટ પહેરવાની ફરજ પડી હતી. કાદવ કીચડનાં સામ્રાજ્ય વચ્ચે ઠેર ઠેર લગ્નો માંડીને બેઠેલા પરિવારોએ હલાકીનો સામનો કરવો પડ્યો હતા. તો બીજી તરફ ખેતરોમાં રવિ પાક ડાંગર પુરેટિયા પલળી જતા જગતનો તાત રઘવાયો બન્યો હતો. ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં પલટાને કારણે ભરશિયાળે એક જ દિવસમાં બે ઋતુનો એહસાસ થઈ રહ્યો છે. ફળ પાકો અને શાકભાજીમાં ફુલોનું ખરણ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જોકે વિપરીત વાતાવરણ વચ્ચે કોઈ અનહોની નહીં બનતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top