નવસારી: (Navsari) નવસારીમાં ચાલુ બાઈક (Bike) પર વાતચીત કરવાનો પ્રયાસ કરતા બંને બાઈક અથડાતા મહિલાને ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
- નવસારીમાં ચાલુ બાઈક પર વાતચીત કરવાના પ્રયાસમાં બે બાઈક અથડાતા મહિલાનું મોત
- સંજયભાઈ વહીદાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા બંને બાઈક અથડાઈ
મળતી માહિતી મુજબ, નવસારી પાંચ હાટડીમાં અમિતા એપાર્ટમેન્ટ વહીદાબેન સઈદભાઈ તાઈ (ઉ.વ. 40) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 10મીએ વહીદાબેન મેહુલભાઈ નાનજીભાઈ રાઠોડ સાથે બાઈક (નં. જીજે-19-એન-7392) પર બેસીને નવસારી ગોલ્ડન ગેટ હોટેલ ઉપર જમવા જતા હતા. ત્યારે વહીદાબેનના મિત્ર સંજયભાઈ તેમની બાઈક (નં. જીજે-21-બીએમ-8144) બાજુમાં ચલાવી રહ્યા હતા. ત્યારે સંજયભાઈ વહીદાબેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા બંને બાઈક અથડાઈ હતી. જેના પગલે સંજયભાઈને પગના ભાગે નાની-મોટી ઈજાઓ થઈ હતી.
જ્યારે વહીદાબેનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પુત્રી અફીફાબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે સંજયભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી. રાવલે હાથ ધરી છે.
કામરેજ નવાગામમાં કાર અડફેટે શ્રમજીવી પરિવારના પાંચ વર્ષીય બાળકનું મોત
કામરેજ: દાદા ભગવાન મંદિરની સામે રમતા પાંચ વર્ષના બાળકને ફોર વ્હીલ કારના ચાલકે અડફેટે લીધો હતો. બાળકના શરીર પરથી કાર ફરી વળતાં બાળકનું મોત નીપજ્યું હતું.
મુળ પાટણ જિલ્લાના સિધ્ધપુર ચોકડી ખાતે શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને હાલ કામરેજના નવાગામ ખાતે આવેલા દાદા ભગવાન મંદિરની સામે રહેતા સંજય પરબતભાઈ વાસફોડાનો મોટો પુત્ર યુવરાજ (ઉ.વ.5) તેમજ અન્ય બાળકો દાદા ભગવાન મંદિરથી નનસાડ જતાં રોડની સાઈડમાં ઢળતી સાંજે રમી રહ્યાં હતાં. ત્યારે સાંજે 6.45 કલાકે મહિન્દ્ર ઝાયલો ફોર વ્હીલ કાર નંબર જીજે 26 એ 2386ના ચાલકે પાંચ વર્ષના યુવરાજને અડફેટે લઈ તેના ઉપર કાર ચઢાવી દીધી હતી. અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતાં અને બુમાબુમ કરી હતી. જો કે કાર નીચે આવી જતાં શરીરે તથા માંથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવરાજને સારવાર માટે ખોલવડની દીનબંધુ હોસ્પીટલમાં લઈ જવાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. કારનો ચાલક નરેશ (રહે.કતારગામ) હોવાનું જાણવા મળતાં કામરેજ પોલીસ મથકે કારના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.