Dakshin Gujarat

નલિયા અને ડીસા કરતા વધુ ઠંડી નવસારીમાં, રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું

નવસારી (Navsari) : સામાન્ય રીતે ડીસા અને નલિયા રાજ્યમાં સૌથી ઠંડા શહેર રહેતા હોય છે પરંતુ આશ્ચર્યની વચ્ચે નવસારીમાં સમગ્ર રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે. નવસારીમાં ઠંડીનો (Cold) પારો વધુ 4.5 ડિગ્રી ગગડીને 8 ડિગ્રી નોંધાતા હાડ થીજવતી ઠંડી પડી હતી. જેથી આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે.

  • નલિયા અને ડીસા કરતાં પણ 3 ડિગ્રી ઓછુ તાપમાન નોંધાતા આશ્ચર્ય
  • સુરતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 14.6 ડિગ્રી નોંધાયું

આજનો દિવસ સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. સાથે જ મહત્તમ તાપમાન અડધો ડીગ્રી ગગડતા 29 ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 26 ટકાએ રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 2.6 કિ.મી. ની ઝડપે પવન ફૂંકાયા હતા.

ઉત્તર ભારતના ગાઢ ધુમ્મસ સાથે ઠંડી વધવાની સાથે ગુજરાતમાં પણ ઠંડી વધી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો નવસારી બાદ કચ્છ, વડોદરા અને ડીસામાં 11 ડિગ્રી સેલ્સિયશ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ સુરતની વાત કરીએ તો ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે બે દિવસથી ઉત્તરના પવન ફુંકાતા છેલ્લા 48 કલાકમાં રાતનું તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું છે. આજે મહત્તમ તાપમાનમાં પણ 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સુરતમાં આજે આજે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સિઝનનું સૌથી નીચું તાપમાન ગયા અઠવાડિયે 14 ડિગ્રી નોંધાયું છે. આજે ફરી પારો 14 ડિગ્રી નજીક પહોંચતા શહેરીજનોએ કડકડતી ઠંડી અનુભવી હતી. મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતા તાપમાનન 29.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 36 ટકા ભેજની સાથે 4 કિમીની ઝડપે ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.

રાજ્યના જુદા જુદા શહેરના તાપમાન
અમદાવાદમાં 12 ડિ.સે. ગાંધીનગરમાં 12 ડિ.સે., કેશોદમાં 12 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 13 ડિ.સે., અમરેલીમાં 13 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 13 ડિ.સે., ભાવનગરમાં 14 ડિ.સે. , રાજકોટમાં 14 ડિ.સે., સુરતમાં 15 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., કંડલા પોર્ટ 15 ડિ.સે., વ્યારા 13 ડિગ્રી જ્યારે ભરૂચ 17 ડિગ્રી અને વલસાડ 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Most Popular

To Top