1990 થી નવસારી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહ્યો છે, ત્યારે પહેલી વખત આ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જંગ જામશે. આ પહેલાં પણ ક્યારેય નવસારી બેઠક પર કોઇ બે પક્ષ વચ્ચે સીધી ટક્કર થઇ નથી. પરંતુ પહેલી વખત રાજ્ય સ્તરે એક મજબુત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ જંગમાં ઉતરવાનું નક્કી કરતાં નવસારી બેઠક પર પણ પરંપરાગત પ્રતિસ્પર્ધી ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસ વચ્ચેની સ્પર્ધામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે.
એમ તો નવસારી બેઠક પર પણ સૌરાષ્ટ્રવાસી તથા કોળી પટેલોના મત વધુ હોવા છતાં નવસારી બેઠક સામાન્ય જાહેર થઇ ત્યારથી તેના પર ઉજળિયાતોને ટિકિટ ફાળવણી કરવાનું ભાજપે મુનાસિબ માન્યું છે. જો કે ગઇ ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા કોળી ઉમેદવારને નવસારીની બેઠક પર ઊભા રાખ્યા હતા. પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. આ વખતે ભાજપ અને કોંગ્રેસે બંનેએ નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આપનો ચહેરો અને પક્ષ બંને નવા જ ગણાય. એ ખરૂં કે નવસારીમાં સૌરાષ્ટ્રવાસીઓના મત પણ છે, એ મતને આપ છીનવી જાય તો ભાજપ માટે એ ખોટ જરૂર પડશે. બીજી તરફ કોંગ્રેસે દીપક બારોટને ટિકિટ આપી છે, પરંતુ તેમનો કોઇ મોટો સમાજ મતદાર નથી, એ સંજોગોમાં તેમને માટે જીતવું મુશ્કેલ છે.
સ્વાભાવિક છે કે કોળી અને બીજા સમાજ જેટલું પ્રભુત્વ નવસારીમાં બારોટ સમાજનું નથી, ત્યારે તેમને માટે કપરાં ચઢાણ છે.
પિયૂષ દેસાઇ નરમ સ્વભાવના હોવાને કારણે ભાજપને તેમનો ડર નથી. કોઇ દબંગ નેતાની ટિકિટ કપાઇ હોત તો ભાજપ માટે મુશ્કેલી પેદા થઇ શકી હોત. કોંગ્રેસ એક સમયે એક વિદેશમાં એમબીએ ભણેલા દેસાઇ યુવાન ઉપર પસંદગીનો કળશ ઢોળે એ માટે પ્રયાસ થયા હતા. જો એ પસંદગી થઇ હોત તો નવસારી બેઠક પર રસાકસીનો જંગ જરૂર જામ્યો હોત. પરંતુ હવે જ્યારે તમામ ચહેરા નવા હોય ત્યારે હવે કોનું પ્રભુત્વ રહેશે, એ તો તમામના અંગત સબંધો કેવા છે, તેના પર પણ આધાર રાખશે. નવસારી ભાજપમાં પણ અનેક જૂથ ચાલે છે.ઉમેદવારી કરવા સમયે પણ કેટલાક કાર્યકરોની ગેરહાજરી તથા પડી ગયેલા મોં લઇને આવેલા નેતાઓ કેટલીક મહેનત કરશે, તેના પર પણ રાકેશ દેસાઇની જીત હારનો આધાર રહેશે.
એમ છતાં નવસારી બેઠક 1990 થી ભાજપનો ગઢ રહી છે. પિયૂષ દેસાઇ 61.57 ટકા મત સાથે 100060 મતો મેળવી ગયા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાવના પટેલને 33.21 ટકા મત સાથે 53965 મત મેળવી ગયા હતા, તેનો સીધો અર્થ એ થાય કે ભાજપને 60 ટકાથી વધુ મત મળ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવારને હરાવવો મુશ્કેલ છે.
નવસારીની મોં ફાડીને ઊભી પાણીની સમસ્યા સૌથી મોટી
નવસારી અને વિજલપોર પાલિકા વિસ્તારમાં પીવાના મીઠા પાણીની સમસ્યા સૌથી મોટી છે. એ ખરૂં કે પિયૂષ દેસાઇના પ્રયાસથી નવસારીમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ માટેની સુવિધા શરૂ થશે. પરંતુ 1990 થી ભારતીય જનતા પાર્ટી આ બેઠક પર જીતતું હોવા છતાં પીવાના પાણીની સમસ્યા ઉકેલી શક્યું નથી. એ માટેના લાખ્ખોના પાઇપ પણ ક્યાં ગાયબ થઇ ગયા, તેની તપાસ થાય તો પણ કારભાર બહાર આવે એમ છે. લગભગ બે દાયકા પહેલાં ભાજપના મોટા નેતાએ પૂર્ણા નદી પર ડેમ બાંધવાનું સપનું પણ દેખાડ્યું હતું, છતાં એ સપનું બબ્બે દાયકા વીતી જવા છતાં સાકાર થયું નથી. ચૂંટણી નજીક આવતાં સળવળાટ જરૂર થયો છે. પરંતુ એ ચૂંટણી પૂરી થયા પછી સાકાર ક્યારે થશે એ તો સમય જ કહેશે. રોજગારીનો પણ પ્રશ્ન છે. એ ખરૂં કે સુરત નજીક હોવાને કારણે રોજગારીની તક ત્યાં વધુ ઉપલબ્ધ છે, તેથી મોટા ભાગના યુવાનો સુરત નોકરી કરવા જાય છે. એ સંજોગોમાં ભાજપે સુરત અને નવસારીને ટ્વીન સિટી તરીકે વિકસાવવાનું ગાજર લટકાવ્યું હતું, એ પણ હજુ કાર્યન્વિત થયું નથી. હા, આભવાથી ઉભરાટ સુધીનો સીધો માર્ગ બનશે, તેને કારણે નવસારી જિલ્લાના ઉભરાટનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે અને ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો લાભ પણ રોજગારી ઊભી કરવા મળશે એવી તો અત્યારે આશા બંધાઇ છે. એસટી ડેપો પણ વર્ષોથી કામ ચાલતું હોવા છતાં હજુ શરૂ થઇ શક્યો નથી, એ પ્રશ્ન પણ ઉકેલવાનો રહેશે.
મહિલાઓને ક્યારે તક મળશે ?
વિધાનસભાની નવસારી બેઠક પર 1990 થી ભાજપનો કબ્જો છે, તો એ પહેલાં કોંગ્રેસ એ બેઠક પર જીતતી હતી. પરંતુ અત્યાર સુધીમાં 2017ની ચૂંટણીમાં પહેલી વખત નવસારી બેઠક પર મહિલાએ ચૂંટણી લડી હતી. કોંગ્રેસના ભાવના પટેલે ભાજપના પિયૂષ દેસાઇ સામે ઉમેદવારી નોંધાવી હતી. જો કે ભાવના પટેલનો પરાજય થયો હતો. એ સિવાય એક પણ રાજકિય પક્ષે મહિલાને મેદાનમાં ઉતારવાની હિંમત કરી નથી. ભાજપ પણ મહિલા સશક્તિકરણની વાત કરતો હોવા છતાં તે પણ અત્યાર સુધીમાં એક પણ મહિલાને ઉમેદવાર તરીકે આગળ કરી શક્યો નથી.
અત્યાર સુધીના પરિણામ
- વર્ષ વિજેતા ઉમેદવાર પરાજિત ઉમેદવાર સરસાઇ
- 2017 પિયૂષ દેસાઇ ( ભાજપ ) ભાવના પટેલ ( કોંગ્રેસ) 46,095
- 2012 પિયૂષ દેસાઇ અરવિંદભાઈ દુર્લભભાઈ પટેલ 15,981
- 2007 મંગુભાઇ પટેલ ( ભાજપ) રાજુ રાઠોડ (કોંગ્રેસ) 12083
- 2002 મંગુભાઇ પટેલ ભાસ્કરભાઇ રાઠોડ (કોંગ્રેસ) 3838
- 1998 મંગુભાઇ પટેલ ડૉ. દીનેશ પટેલ (કોંગ્રેસ) 14112
- 1995 મંગુભાઇ પટેલ કાનજીભાઇ તલાવિયા ( ભાજપ) 14462
- 1990 મંગુભાઇ પટેલ મોહનભાઇ પટેલ ( કોંગ્રેસ) 6344
- 1985 મોહનભાઇ તલાવિયા ( કોંગ્રેસ ) મંગુભાઇ પટેલ ( ભાજપ) 23942
કઈ જ્ઞાતિના કેટલા મતદાર?
જાતિનું નામ અને સંખ્યા
- કોળી પટેલ 32,558
- અનાવિલ 17,963
- સૌરાષ્ટ્ર પટેલ 10,104
- રાણા 2,240
- આહીર 6,336
- જૈન-શાહ 11,227
- સિંધી 2400
- માછીમાર 5712
- ગાંધી-મોદી 4480
- હરિજન 10,102
- ખત્રી 1395
- મુસ્લિમ 17,963
- બ્રાહ્મણ 5,051
- પારસી 2,245
- લુહાર-મિસ્ત્રી,લાડ,સુથાર 4,480
- દરજી 5,613
- એસ.ટી. 69,608
- અન્ય 18,321
- કુલ 2,27,798
ભાજપના રાકેશ દેસાઇ
મૂળ આટ ગામના રાકેશ દેસાઇ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ છે. રાકેશભાઈ દેસાઈ મૂળ આટ ગામના રહેવાસી છે. જોકે રાકેશભાઈ ઘણા વર્ષોથી ભાજપ પાર્ટીમાં વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચુક્યા છે. તેમનો અભ્યાસ ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ છે, તો તેઓ વ્યવસાયે વીમા કંપની સવેઁયર છે. આટના હોવાને કારણે આ વખતે જલાલપોર અને નવસારી બેઠક ઉપર ભાજપના બંને ઉમેદવાર મૂળ એક જ ગામના છે. રાકેશ દેસાઇ ભાજપના સંગઠનમાં કામ કરી ચુક્યા હોવાને કારણે તેમને માટે આ ચૂંટણીમાં તમામ કાર્યકરોને સાથે લઇને ચાલવામાં જરાય મુશ્કેલી નહીં પડે.
આપના ઉપેશ પટેલ
નવસારી બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉપેશ પટેલ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેઓ યુવાન છે અને ઘોરણ બારમી સુધીનો તેમણે અભ્યાસ કર્યો છે. વ્યવસાયે તેઓ ખેડૂત છે. પરંતુ નવસારી વિસ્તારમાં આપનું નબળું નેટવર્ક તેમના માટે મુશ્કેલી પેદા કરશે. નવસારી ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે તેઓ કોના મત તોડે અને કોને કેટલું નુકશાન કરશે એ જોવું રહ્યું.
કોંગ્રેસના દીપક બારોટ
દીપક બારોટ એક રીક્ષા ચાલકથી લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચુક્યા છે. જો કે તેમનો માઇનસ પોઇન્ટ એ છે કે સામાજિક સ્તરે એનબ્લોક મત ધરાવતા સમાજમાંથી આવતા ન હોવાને કારણે તેઓ કોંગ્રેસના પરંપરાગત મત સિવાય બીજા કેટલા મત મળી શકે એ જોવું રહ્યું અને તેના પર જ તેમની હારજીતનો ફેંસલો થશે. ભાજપનો ચહેરો પણ નવો જ છે, છતાં રાકેશ દેસાઇને મજબુત પક્ષના નેટવર્કનો લાભ મળશે, જેની સામે દીપક બારોટ પક્ષના નેટવર્કને કેટલું મજબુત બનાવી શકશે તેના ઉપર પણ નજર રાખવી પડશે.