નવસારી : નવસારીના અંબાડા ગામમાં (Navsari Ambada Village Cholera Cases) 39 કેસ કોલેરા પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. જેમાં 18 કોલેરા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેથી જિલ્લા કલેક્ટરે અંબાડા ગામને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો હતો. નવસારી જિલ્લામાં કોરોનાનો રાજ ચાલી રહ્યો હતો. જોકે ઘણા સમયથી કોરોના કાબુમાં રહ્યો છે. જોકે હવે ફરી કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે કોલેરા રોગે માથું ઉચક્યું છે.
નવસારી તાલુકાના અંબાડા ગામના તળાવ ફળિયામાં કોલેરા પોઝિટિવ કેસો નોંધાયા છે. ગત 4થીએ 12 કેસ કોલેરા પોઝિટિવ નોંધાતા નવસારી જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અને કોલેરા કેસ નોંધવાનું કારણ જાણવા માટે પીવાના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે પાણી દુષિત થવાને લીધે કોલેરાના કેસો નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. ગત 5મીએ વધુ 27 કેસ કોલેરા પોઝિટિવ નોંધાયા હતા. જેથી અંબાડા ગામના તળાવ ફળિયામાંથી કુલ 39 કેસ કોલેરા પોઝિટિવ મળી આવ્યા હતા. જે પૈકી 18 કોલેરા પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે દર્દીઓની મુલાકાત લેવા માટે નવસારી જિલ્લા કલેકટર અને ડી.ડી.ઓ. પહોંચ્યા હતા.
આ વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા
અંબાડા ગામના તળાવ ફળિયામાં કોલેરા પોઝિટિવ કેસ નોંધાતા નવસારી જિલ્લા કલેકટર અમિત યાદવે અંબાડા ગામને કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો હતો. જ્યારે ઉગત, તોડી, વસર અને સિંગોદ ગામના સમગ્ર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નવસારી પ્રાંત અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.