નવસારી : નવસારી (Navsari) ઓવરબ્રિજ (Overbriedge) પાસે પીકઅપ અને ટ્રક (Track) વચ્ચેથી ઓવરટેક (Overtake) કરવાની લ્હાયમાં બાઈક (Bike) ચાલકે બાઈક પીકઅપ પાછળ અથડાવી દીધી હતી. જેના કારણે બાઈક ચાલક બાજુમાં ચાલતી ટ્રકના ટાયર નીચે આવી જતા ચાલકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેસેલા યુવાનને શરીરે ઈજાઓ થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોરના ગાંધીનગર સોસાયટીમાં ગૌરીશંકર મહોલ્લામાં આશુતોષ ગીરીશભાઈ રાઠોડ છાપરા રોડ નંદ બંગલોમાં રહેતા તેના મિત્ર મનોજ કેશવભાઈ યાદવ સાથે બાઈક લઈને કામ અર્થે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે આશુતોષ નવસારી ઓવરબ્રિજ ખોડીયાર હોટલ પાસે આગળ ચાલતી મહિન્દ્રા પીકઅપ અને ટ્રક વચ્ચેથી ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. પરંતુ આશુતોષે બાઈક પીકઅપની પાછળ ભટકાવી દીધી હતી. જેથી આશુતોષ અને મનોજ રસ્તા પર પડ્યા હતા. પરંતુ આશુતોષ બાજુમાં ચાલતા ટ્રકના ટાયર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મનોજને શરીરે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ટ્રકના ચાલકે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. અશોકભાઈને સોંપી છે.
પારડીમાં વડોદરાની કાર પલટી ગઈ: એરબેગ ખુલી જતાં બે વ્યક્તિનો બચાવ
પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 વાપીથી વલસાડ જતાં ટ્રેક ઉપર આવેલી મહેતા હોસ્પિટલ પાસે સર્વિસ રોડ પર ગુરુવારે જૈમિન પરષોત્તમ પટેલ અને મયુરીબેન પટેલની કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. સવારે આસપાસના દુકાનદારો પોતાની દુકાન ખોલવા માટે આવ્યા ત્યારે કાર પલટી ગયેલી હાલતમાં જોઈ હતી. કારમાં એર બેગ ખુલી ગઈ હતી અને કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. બંને ઇજાગ્રસ્તોને પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતાં સ્થળ પર આવી પહોંચી ક્રેન વડે કારને ટોચન કરી પોલીસ મથકે લઈ આવી વધુ તપાસ હાથ ધરી હતી.
કાકડકૂવા નજીક રિક્ષાએ ટક્કર મારતા બાઈક ચાલકનું મોત
સુરત : ધરમપુર નાનાપોઢા માર્ગ ઉપર કાકડકુવા નજીક ધરમપુરથી લગ્નપ્રસંગ માટે ખરીદી કરી પરત ફરી રહેલા યુવાનની બાઈકને રિક્ષાએ ટક્કર મારતાં ચાલકનું મોત નિપજ્યુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી દિવ્યેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતા ચંદુભાઈ પટેલ તેમના કુટુંબી ભાઈના લગ્ન પ્રસંગ હોઈ ખરીદી કરી ધરમપુરથી બાઇક નબર જી.જે.15. ઈ. ઈ.4524 લઈ પરત ફરી રહ્યા હતા તે સમય દરમિયાન કાકડકૂવા સડક ફળિયા નજીક રિક્ષા નબર જી.જે.15.એ.યું.9880 ના ચાલકે બાઈકને ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર ઇજા પહોચતા ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે મૃતકના પુત્રએ રિક્ષા ચાલક દામુભાઈ કિકાંભાઈ ધોડી સામે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.