Business

પ્રકૃતિ માનવજીવનનો આધારસ્તંભ

માણસનું અસ્તિત્વ પ્રકૃતિ વિના શક્ય નથી. હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીજગત-આ બધું પ્રકૃતિના અમૂલ્ય ઉપહાર છે. માનવજીવનના દરેક ક્ષેત્રમાં પ્રકૃતિનું મહત્ત્વ અનિવાર્ય છે. સ્વચ્છ હવા આપણું સ્વાસ્થ્ય જાળવે છે, શુદ્ધ પાણી જીવન માટે જરૂરી છે અને વૃક્ષો આપણને ઓક્સિજન આપીને પર્યાવરણનું સંતુલન જાળવે છે. પ્રકૃતિ માત્ર ભૌતિક જરૂરિયાતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ માનસિક શાંતિ અને આનંદનો પણ સ્રોત છે.

સુંદર પર્વતો, નદીઓ, જંગલો અને સમુદ્ર માણસને પ્રેરણા આપે છે અને તેના મનને શાંતિ આપે છે. પ્રકૃતિ સાથેનો સંબંધ માણસને વિનમ્રતા અને સહઅસ્તિત્વ શીખવે છે.પરંતુ, આજના યુગમાં માનવવિકાસના નામે પ્રકૃતિનું ભારે શોષણ થઈ રહ્યું છે. જંગલોની બેફામ કાપણી, પ્રદૂષણ, જળસ્રોતોનો વ્યર્થ વપરાશ અને ઔદ્યોગિક કચરો-આ બધું પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, જેના પરિણામે ગ્લોબલ વોર્મિંગ, હવામાનમાં ફેરફાર અને પ્રાણીઓનાં નિવાસસ્થાનો નષ્ટ થવા લાગ્યાં છે. આથી, પ્રકૃતિની જાળવણી આપણી પ્રથમ ફરજ છે.

આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવાના, પાણીનો બચાવ કરવાનો, પ્રદૂષણ ઘટાડવાનો અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવાની જરૂર છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, રિસાયકલિંગ અને ઊર્જા બચત જેવાં પગલાં પણ મહત્ત્વપૂર્ણ છે.અંતમાં કહી શકાય કે પ્રકૃતિ આપણી માતા સમાન છે. જો આપણે એની સાચવણી નહીં કરીએ, તો ભવિષ્યમાં માનવજીવન મુશ્કેલીમાં મુકાઈ જશે. તેથી, પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ માત્ર ફરજ નહીં, પરંતુ આપણી જવાબદારી અને કર્તવ્ય છે.
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top