Madhya Gujarat

પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વિભન્ન છે ઃ રાજ્યપાલ

આણંદ : ‘સામાન્ય રીતે ખેડૂતોના મનમાં એવી છાપ છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટી જશે. નુકશાન થશે. એટલે રાસાયણીક ખેતી જ કરીશું. આ ડર વ્યાજબી છે, કેમ કે ઘણા ખેડૂતને એ જ ખબર નથી કે જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી અલગ અલગ છે. સરકાર જૈવિક ખેતીનો પ્રચાર છેલ્લા 40 વરસથી કરે છે. પરંતુ એક પણ સફળ મોડલ મળ્યું નથી. પરંતુ પ્રાકૃતિક ખેતી બિલકુલ અલગ છે. ’ તેમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંગળવારના રોજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જણાવ્યું હતું.

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી પરિસંવાદમાં રાજ્યપાલ દેવવ્રતે જણાવ્યું હતું કે, રાસાયણિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને અલ્ટ્રામોર્ડન થઈને આપણે વાસ્તવિકતા ખોઈ બેઠા છીએ. પ્રાકૃતિક ખેતીથી આપણા હવા, પાણી, ધરતી અને અનાજ શુધ્ધ થશે. કૃષિ વૈજ્ઞાનિકોએ પણ રાસાયણિક અને જૈવિક ખેતીના જે દુષ્પરિણામો સામે આવ્યા છે, તેનાથી ચેતી જઈને સૌને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરીશું તો પરિસ્થિતિને પૂર્વવત કરી શકીશું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં ત્રણ ગણી થશે.

વધુમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ખેડૂતોએ એવો ભય છોડી દેવો જોઈએ કે રાસાયણિક ખેતી પદ્ધતિ છોડી દઈશું તો કૃષિ ઉત્પાદન ઓછું થઈ જશે. કેટલાક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીને એક જ માને છે, પરંતુ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતીથી બિલકુલ ભિન્ન છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી. એ માટે મોટા પ્રમાણમાં ગોબરની આવશ્યકતા છે. એક એકર જમીન માટે 60 કિલો નાઇટ્રોજન જોઈએ, 60 કિલો નાઇટ્રોજન માટે જૈવિક કૃષિ પ્રમાણે 300 ક્વિન્ટલ ગોબરની જરૂર પડે અને એ માટે ખેડૂત પાસે 20થી 30 પશુ હોવા જોઈએ.

એક એકર જમીનમાં ખેડૂત પરિવારનું પાલન કરે કે પશુપાલન કરે એ જ મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, જૈવિક કૃષિ પદ્ધતિમાં 30 પશુથી એક એકરમાં ખેતી કરી શકાય જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એક ગાયથી 30 એકરમાં ખેતી કરી શકાય છે. આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયા, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, આણંદના ધારાસભ્ય યોગેશભાઇ પટેલ, આત્માના સ્ટેટ નોડલ ઓફિસર એચ. કે. વઢવાણિયા, કલેકટર ડી. એસ. ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારી વિમલ બારોટ વિગેરે હાજર રહ્યાં હતાં.

જીવામૃત કેવી રીતે બનાવી શકાય છે ?
પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી ઘન જીવામૃત અને જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, 200 લીટરના ડ્રમમાં 170 થી 180 લીટર પાણી ભરીને તેને છાંયડામાં રાખવું જોઈએ. એક દેશી ગાય 24 કલાકમાં આઠથી દસ કિલો ગોબર અને એટલું જ ગૌમૂત્ર આપે છે. આ ગોબર અને ગૌમૂત્ર સાથે દોઢથી બે કિલો ગોળ, દોઢથી બે કિલો બેસન અને એક મુઠ્ઠી મોટા વૃક્ષના મૂળમાંથી લીધેલી માટી આ ડ્રમમાં ભરવા. પછી છ દિવસ સુધી દરરોજ સવારે પાંચ મિનિટ અને સાંજે પાંચ મિનિટ આ ડ્રમમાં ભરેલા પ્રવાહીને સતત હલાવતા રહેવું. છઠ્ઠા દિવસે એક એકર જમીન માટે ખાતર તૈયાર થઈ જશે.

આ પ્રકારના ખાતરના ઉપયોગથી ઉજ્જડ જમીન પણ ઉપજાઉ જમીન બની શકે છે. ઘન જીવામૃત અને જીવાવૃતથી સૂક્ષ્મ જીવાણુનો ભંડાર ઉપલબ્ધ થાય છે, જે જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારે છે. તેમણે કહ્યું હતું કે, દેશી ગાયના 10 કિલો ગોબરમાં 30 લાખ કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. આ સૂક્ષ્મ જીવાણુઓ માટીમાં મેળવણનું કામ કરે છે, જે 72 કલાક સુધી દર 20 મિનિટે ડબલ થાય છે. એક ગાયથી 30 એકર જમીનમાં ખેતી થઈ શકે છે.

Most Popular

To Top