દક્ષિણ અમેરિકાના દેશ Brazilમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલા પ્રલયંકર પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 46 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 21 લોકો હજુ પણ લાપતા છે. હજારો લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. મિનાસ ગેરાઇસ રાજ્યમાં બચાવ કામગીરી યુદ્ધસ્તરે ચાલી રહી છે. કાદવ અને કાટમાળમાં દબાયેલા વિસ્તારોમાં બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવા અને જરૂરી રાહત સામગ્રી પહોંચાડવા સતત પ્રયાસ કરી રહ્યા છે. Juiz de Fora અને Ubá શહેરોમાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં આશરે 3,600 લોકો વિસ્થાપિત થયા છે. બ્રાઝિલના ફાયર વિભાગ અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે 46 લોકોના મોત થયા છે અને 21 લોકો હજુ પણ ગુમ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતા ચિંતા વધારી છે. આ દુર્ઘટનામાં 11 વર્ષીય બર્નાર્ડો લોપેસ દુત્રાનું પણ મોત થયું છે.
ભારે વરસાદને કારણે તેનું ઘર ધરાશાયી થતાં આ હૃદયદ્રાવક ઘટના બની. તેના પિતા રિકાર્ડો દુત્રાએ અંતિમવિધિ દરમિયાન જણાવ્યું કે, આવી દુર્ઘટનાની કોઈએ કલ્પના પણ કરી નહોતી. બર્નાર્ડોની માતા અને બહેન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ જણાવ્યું છે કે બચાવ અને રાહત કામગીરી માટે સુરક્ષા દળોને તાત્કાલિક તૈનાત કરવામાં આવ્યા છે. પહાડી અને ઢોળાવવાળા વિસ્તારોમાં આરોગ્ય ટીમોને મોકલી અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ભારે વરસાદ અને પૂરથી બ્રાઝિલના અનેક પરિવારો માટે આ આપત્તિ વિનાશકારી સાબિત થઈ છે, જ્યારે સત્તાધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખીને બચાવ કામગીરી તેજ બનાવી રહ્યા છે.