ઇસ. ૧૯૧૧ માં સુરતમાં સ્થપાયેલો પાટીદાર આશ્રમ ૧૯૪૭ થી ‘વલ્લભ વિદ્યાર્થી આશ્રમ’ તરીકે ઓળખાય છે. તેની સ્થાપના કુંવરજી વિઠ્ઠલભાઇ મહેતા (૧૮૮૬-૧૯૮૨) અને કલ્યાણજી વિઠ્ઠલભાઇ મહેતા (૧૮૯૦-૧૯૭૩) નામના પાટીદાર ભાઇઓએ કરી હતી. ભારતની આઝાદીની લડતમાં આ આશ્રમે અત્યંત મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ સંસ્થાની ઐતિહાસિકતા પણ અનોખી છે.
સંસ્થાના સ્થાપકો
આ સંસ્થાના સ્થાપકો કુંવરજી અને કલ્યાણજી સુરતથી ૧૮ કી.મી. દૂર આવેલા વાંઝ ગામમાં જન્મ્યા હતા. તેમના પિતા વિઠ્ઠલભાઇ સમૃધ્ધ ખેડૂત હતા. કુંવરજી અને કલ્યાણજીની અટક પટેલ હતી પણ બંનેએ શિક્ષણનો વ્યવસાય સ્વીકારતાં તેમણે ‘મહેતા’ અટક અપનાવી. ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં તેમનું નામ મોખરાનું છે. ગાંધીજીના ૧૯૧૫માં સ્વદેશમાં આગમન પહેલાં પણ એમણે ૧૯૦૫-૦૮ નાં બંગભંગનાં આંદોલનમાં ભાગ લીધો હતો. ૧૯૦૭માં સુરતમાં મળેલી ઐતિહાસિક કોંગ્રેસ બેઠકમાં પણ તેમણે હાજરી આપી હતી અને ત્યાં મવાલ અને જહાલ પક્ષો વચ્ચે થયેલી મારામારી જોઇ હતી. ગાંધીજીના આગમન બાદ તેઓ તરત તેમનાથી પ્રભાવિત થયા. બન્ને ભાઇઓએ ખેડા સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, બારડોલી સત્યાગ્રહ, સિવિલ ડીસઓબિડિયન્સ મુવમેન્ટ અને દાંડીકૂચ તથા ૧૯૪૨ ની ‘હિંદ છોડો’ લડતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને જેલો ભોગવી. રોલેટ એકટનો વિરોધ કરવા તેમણે સુરતમાં સભાઓ ભરી હતી.
ગાંધીજી ૧૯૧૫ માં હિંદીમાં આવ્યા તે પહેલાં પણ આ ભાઇઓ દક્ષિણ આફ્રિકાનાં એમનાં કામથી પરિચિત હતા. મનસુખલાલ નાઝર, પ્રાગજી ખંડુભાઇ દેસાઇ, સોરાબજી શાપુરજી અડાજણીયા અને અહમદ મુહમ્મદ કાછલીયા જેવા દક્ષિણ ગુજરાતમાંથી દક્ષિણ આફ્રિકા ગયેલા સાહસિકો ગાંધીજીના આંદોલનમાં જોડાયા હતા અને કુંવરજી અને કલ્યાણજી ઉપરાંત દયાળજી દેસાઇ જેવા રાષ્ટ્રવાદીઓ સાથેનો તેમનો સતત પત્રવ્યવહાર હતો. ૧૯૧૨ માં સુરતના પાટીદાર મંડળે ‘ટ્રાન્સવાલ યુનાઇટેડ પાટીદાર સોસાયટી’ સ્થાપી હતી. આવાં કારણોસર જયારે ગાંધીજી દક્ષિણ ગુજરાતનું હીર પારખીને તા. ૨-૩ જાન્યુઆરી ૧૯૧૬ માં સુરત આવ્યા ત્યારે તેઓ પાટીદાર આશ્રમમાં ઊતર્યા હતા. ત્યાર પછી તો ગાંધીજી ઓગસ્ટ ૧૯૧૮, મે ૧૮૧૯, ઓગસ્ટ ૧૯૨૮, એપ્રિલ ૧૯૩૦, એપ્રિલ ૧૯૩૧ અને જૂન ૧૯૩૫ એમ અનેક વખત સુરત આવ્યા. આ સર્વ મુલાકાતોના પાયામાં કુંવરજી ઉપરાંત એમના ભાઇ કલ્યાણજી મહેતા અને દયાળજી દેસાઇની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિ હતી. હકીકતમાં તો છેક ૧૯૦૬ માં દયાળજી દેસાઇએ સુરતમાં અનાવિલ આશ્રમ સ્થાપ્યો હતો અને તેનાં પાંચ વર્ષ બાદ કલ્યાણજી અને કુંવરજીએ અનાવિલ આશ્રમની પાસે જ પાટીદાર આશ્રમ સ્થાપ્યો હતો. ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ‘દલુ-કલુની જોડી’ અમર બની છે. દલુ એટલે દયાળજી દેસાઇ કલુ એટલે કલ્યાણજી મહેતા.
પાટીદાર આશ્રમ: ઐતિહાસિક ભૂમિકા…
સુરત જિલ્લામાં અનાવિલ બ્રાહ્મણો અને પાટીદારો ‘ડોમીનન્ટ કાસ્ટ ગ્રુપ’ ના સ્વરૂપમાં છવાઇ ગયા હતા. આ બંને જ્ઞાતિઓના રાષ્ટ્રવાદીઓ ગાંધીજી પહેલાં આર્યસમાજના નેતા મહર્ષિ દયાનન્દ સરસ્વતી અને તેમના સુધારક ‘આર્યસમાજ’ની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા. ૧૯૦૬ માં એક તરફ અનાવિલોએ સુરતમાં અનાવિલ આશ્રમ સ્થાપ્યો ને કલ્યાણજી અને કુંવરજી મહેતાએ ૧૯૦૮ માં ‘પાટીદાર યુવક મંડળ’ સ્થાપ્યું. જ્ઞાતિ પ્રત્યેની આઇડેન્ટીટી અને નેશનલ આઇડેન્ટીટી વચ્ચે કોઇ વિરોધાભાસ નહોતો કારણ કે જ્ઞાતિ મંડળો સામાજિક દૃષ્ટિએ સર્વસમાવેશક થતા હતા. યુવક મંડળે લેવા, કડવા, આંજણાં એમ બધા પાટીદારોને ભેગા કરવા માટે ૧૯૧૧ માં પાટીદાર આશ્રમ સ્થપાયો. તે વખતે તેનું નામ ‘પાટીદાર બોર્ડીંગ હાઉસ’ હતું. પાછળથી જ્ઞાતિદાયક શબ્દ નીકળી ગયો અને તેની જગાએ ‘વલ્લભ વિદ્યાર્થી આશ્રમ’ નામ શરૂ થયું.ત્યારે તેના પ્રમુખ કલ્યાણજી મહેતા હતા અને મંત્રી કુંવરજી૧૯૧૧ માં પાટીદાર આશ્રમ સ્થપાયો મહેતા હતા.
પાટીદાર આશ્રમ ઐતિહાસિક સ્થળ પર સ્થપાયો હતો. તેમનું નામ ‘શાસ્ત્રીની હવેલી’. સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી આ હવેલી મહારાષ્ટ્રના પ્રખર રાજદ્વારી પુરુષ ગંગાધર શાસ્ત્રી પટવર્ધને (૧૭૭૫-૧૮૧૫) બાંધી હતી. જયારે તેઓ ૧૮૦૨-૦૩ માં સુરત હતા ત્યારે તેમણે ત્રણ માળની ભવ્ય હવેલી બાંધી હતી. પાટીદાર આશ્રમની શરૂઆત આ હવેલીમાં થઇ. તેનું માસિક ભાડું માત્ર અઢી રૂપિયા હતું! આ મકાનમાં લાઈબ્રેરી, રીડીંગરૂમ, ભોજનશાળા, વિદ્યાર્થીઓને રહેવા માટેના ખંડો અને મકાનની પાસે ગૌશાળા હતાં. વ્યાયામરૂમ અને અખાડો પણ હતો. આ રીતે પાટીદાર યુવક ખડતલ થયા અને તેમનું ચારિત્ર્ય ઘડતર થયું પણ કમનસીબે એ હવેલીમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો, તેથી પાટીદાર આશ્રમના વ્યવસ્થાપકોએ આશ્રમને સમીપમાં આવેલી અરદેશરની વાડીમાં ટ્રાન્સફર કર્યો. અરદેશર કોટવાલ (૧૭૯૬ – ૧૮૫૬) સુરતના પારસી પોલીસ કમિશનર હતા. આ ગ્રંથના બીજા પ્રકરણમાં એમને વિશે લખ્યું છે. તે મુજબ સહજાનંદ સ્વામી અરદેશર કોટવાલની વાડીમાં ૧૮૨૫માં પધારેલા જયાં એમણે અરદેશરને પાઘડી ભેટ આપી હતી. આમ દસ મહિના પછી પાટીદાર આશ્રમ શાસ્ત્રીની હવેલીમાંથી પાસે આવેલી અરદેશરની હવેલીમાં શિફટ થયો પણ ત્યાર બાદ પાટીદાર આશ્રમ ફરી એક વાર શાસ્ત્રીની હવેલીમાં શરૂ થયો. ગાંધીજી ૧૯૧૬ માં એમની પ્રથમ મુલાકાત વખતે આ જગાએ આવ્યા હતા અને વ્યાખ્યાન આપ્યું હતું.
પાટીદાર આશ્રમનો લાંબો ઇતિહાસ છે. તેની સ્થાપના ૧૯૧૧ માં થઇ. ત્યાર બાદ ૧૯૬૧ માં તેની સુવર્ણજયંતી ઉજવવાની તૈયારી થઇ અને બીજે વર્ષે તે ભવ્ય રીતે ઉજવાઇ. તે સમયે પ્રગટ થયેલ સુવર્ણજયંતી અંકમાં સેંકડો સ્ત્રીપુરુષોએ તેમના અવનવા અનુભવો કંડાર્યા છે. ભારતના જેતે સમયના નાણાંપ્રધાન મોરારજી દેસાઇ, ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજ મહેતા, ડૉ. સુમન્ત મહેતા અને શારદાબહેન મહેતા, પરાગજી ખંડુભાઇ દેસાઇ અને સ્નેહરશ્મિ જેવા તેજસ્વી સ્ત્રીપુરુષોના લેખો તથા સંદેશાઓ આ ગ્રંથમાં દર્શાવ્યા છે. ફોટોગ્રાફસ દ્વારા આ ગ્રંથની શોભા ઓર વધી છે. મહત્ત્વની વાત એ છે કે જે યુવક અને યુવતીઓએ આશ્રમમાં રહીને રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરી હતી તેના અનુભવો પણ ગ્રંથમાં કંડારાયા છે. વળી ‘પટેલ બંધુ’ સામયિક આ સંસ્થાનું મુખપત્ર હતું. સુરતનો પાટીદાર આશ્રમ માત્ર દક્ષિણ ગુજરાતનું નહીં પણ ગુજરાત તેમ જ દેશનું અમૂલ્ય રત્ન છે! ‘એ સુરત, આ સુરત… દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ દિલ લોકની રોચક દાસ્તાન’નો સ્પિરિટ પાટીદાર વિદ્યાર્થી આશ્રમ / વલ્લભ વિદ્યાર્થી આશ્રમ દ્વારા જીવંત સ્વરૂપમાં ખડો થાય છે!