સુરત: પ્રધાનમંત્રી (PM) મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mohotsav) નિમિત્તે દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાનાં ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ (National flag) ફરકાવવાની અપીલ કરી છે. જે અંતર્ગત સુરતમાં (Surat) પણ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરતમાં 9 લાખથી વધુ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે માટે મનપાની તમામ ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ અને નાગરિક સુવિધા કેન્દ્ર, શિક્ષણ સમિતિની શાળાઓ, સુમન શાળા, ફાયર સ્ટેશન, ગાર્ડનો, બીઆરટીએસ સ્ટેશનો પરથી તિરંગા મળી રહેશે. સુરત શહેરમાં 9 લાખ તિરંગાનું વેચાણ થાય તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. પરંતુ આટલી મોટી સંખ્યામાં તિરંગાનું વેચાણ થશે અને તેમાં તિરંગાનુ પણ સન્માન જળવાય તે પણ ખૂબ જરૂરી હોય, મનપા દ્વારા એવો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે કે, જે લોકો મનપાને તિરંગો પરત કરવા ઈચ્છતા હોય તેઓ મનપાને પરત આપી શકશે.
મંગળવારે મનપા કમિશનરનો હાલ ચાર્જ સંભાળી રહેલા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં સુરત મનપાની કચેરીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ અધિકારીઓ, એન.જી.ઓ., વિવિધ સંસ્થા, સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં મહત્તમ સ્થળોએ તિરંગા દેખાય અને વડાપ્રધાનના હર ઘર તિરંગા કાર્યક્રમમાં સુરત વિશ્વફલક પર છવાય એ માટે ખાસ આયોજનો પણ કરવામાં આવશે અને શહેરમાં 10 લાખથી વધુ તિરંગાનું વિતરણ થાય તેવાં આયોજનો કરાશે.
15 ઓગસ્ટના દિવસે શાળાઓમાં દોડની સ્પર્ધાનું આયોજન કરાશે
સુરત: સુરત શહેર અને જિલ્લાની સ્કૂલ્સમાં આ વરસે આઝાદી કા અમૃત મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ અને સપ્તાહનું આયોજન કરાયું છે. આ સ્પર્ધા હેઠળ પહેલી ઓગસ્ટથી ૭ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ, વિવિધ સ્પર્ધાઓ અને ૧૫મી ઓગસ્ટના દિવસે દોડનું આયોજન કરવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન શાળા કક્ષાએ કરવાનું રહેશે. પહેલી ઓગસ્ટથી સાત ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવશે. કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્રકલા, બાળ કવિ સંમેલન, સંગીત સંમેલનનું આયોજન ફરજિયાત પણે કરવાનું રહેશે. ૧૫મી ઓગસ્ટના દિવસે તમામ શાળાઓમાં દોડનું આયોજન કરવાનું રહેશે અને શાળાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનારા વિદ્યાર્થીને ૧૫મી ઓગસ્ટના દિવસે સન્માનિત કરવાનું આયોજન કરવાનું રહેશે. તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ આવશે તે વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સન્માનિત કરવામાં આવશે.