Gujarat

બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે નેશનલ કોન્ક્લેવ

ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ગિફ્ટ સિટી ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના હેઠળ વિવિધ રાજ્યોમાં થયેલા શ્રેષ્ઠ પ્રયાસોના આદાન-પ્રદાન માટે બે દિવસીય નેશનલ કોન્ક્લેવનું (National Conclave) આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહિલા કલ્યાણ-મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ યુનિસેફના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નેશનલ કોન્કલેવમાં વિવિધ રાજ્યોના સચિવ અને અધિકારીઓ તેમના રાજ્યમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” માટે થયેલા શ્રેષ્ઠ પ્રયાસો, અમલીકરણ ડિઝાઈન, પડકારો, સીમાચિહ્નો અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિઓ અંગે પોતાના વિચારો રજૂ કરશે.

નેશનલ કોન્ક્લેવનો શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ કે. કે. નિરાલાએ જણાવ્યું હતું કે, દેશની દીકરીઓના વિકાસ માટે શરુ કરેલા આ અભિયાન હેઠળ દરેક રાજ્યમાં મહિલા ઉત્કર્ષ માટે કેટલીક વિશેષ પહેલ કરવામાં આવી છે. આવી વિશેષ પહેલથી સૌ અવગત થાય અને બીજા રાજ્યો પણ નવતર પહેલને અપનાવે તો દેશભરની મહિલાઓનો સમાન વિકાસ થશે અને દેશના વિકાસમાં પણ મહિલાઓનું યોગદાન વધશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ દરેક રાજ્યમાં કેટલાક શ્રેષ્ઠ અને યુનિક કામ થયા છે, પરંતુ ઘણા રાજ્યો એક-બીજાથી અજાણ હોય છે. આવા રાજ્યો વચ્ચેના કમ્યુનિકેશન ગેપને પૂરવામાં આ કોન્ક્લેવ મહત્વપૂર્ણ પૂરવાર થશે. એક-બીજાથી શીખીને બધા જ રાજ્યો સાથે મળીને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામ કરી શકે છે.

આ પ્રસંગે મહિલા કલ્યાણ વિભાગના નિયામક પુષ્પલતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ અને મહિલાઓના વિકાસ માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કેટલીક વિશેષ પહેલોના ભાગરૂપે તેમના માટે નવી યોજનાઓ પણ અમલી બનાવવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એ છે કે, ગુજરાતે હંમેશા સફળ પ્રયાસો, અનુભવો અને યુનિક કાર્યોમાંથી પ્રેરણા લઈને મહિલા વિકાસ માટે શ્રેષ્ઠ કામગીરી કરવાની કાર્યપદ્ધતિ અપનાવી છે.

આ અવસરે યુનિસેફ ગુજરાતના ચીફ ફિલ્ડ ઓફિસર પ્રશાન્તા દાસે જણાવ્યું કે, બેટી બચાઓ, બેટી પઢાઓ એક યોજના નહિ, પણ દેશમાં સમાનતા લાવવા માટેનું એક માધ્યમ છે. આ બે દિવસીય કોન્કલેવમાં શું નવું કરી શકીએ? તેના પર વિચાર કરવા તેમજ શું નવું કર્યું? તે સૌની સમક્ષ રજૂ કરવા તેમણે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top