બીલીમોરા : ગણદેવી વન વિભાગના અધિકારીની ટીમે બાતમીના આધારે દેવસર સીમમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો (National bird Peacock) શિકાર (Hunting) કરીને મીજબાની માણતા બે શિકારીઓને ઝડપી પાડી જેલના હવાલે કર્યા છે. બીલીમોરા નજીકના દેવસર ગામની સ્મશાન ભૂમિ રાધાકૃષ્ણ મંદિર, નેરોગેજ રેલવે ક્રોસિંગ આગળ ઢેલનો ગીલોલથી શિકાર કરીને મીજબાની માણતા બે શિકારીઓની માહિતી ગણદેવી વન વિભાગને મળતા અધિકારીઓએ રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ ઉપરથી અનિલ દશરુભાઈ પવાર (27 રહે ડોલવણ, બેસનિયા ગામ, જિલ્લો તાપી) સાથે વિકાસ સીતારામ બેરખરે (22 રહે ખાંભલા, વાસદા)ને ઝડપી પાડ્યા હતા.
જ્યારે તેઓની સાથે ડાંગ જિલ્લાના અન્ય બીજા બે મહેશ અને શંકર ભાગી છુટતા તેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી મોર-ઢેલના અવશેષો સાથે તેનો શિકાર કરવા માટે વાપરવામાં આવેલા બે ગીલોલ કબજે લીધા હતા. આરોપીઓને ગણદેવી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતાં કોટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે ગણદેવી વન વિભાગની આ કામગીરીમાં સૂપા અને વાંસદા રેન્જના વન અધિકારી ભાવિન પટેલ, નરેશ પટેલ, નિકુંજ પટેલ, જે.બી ટેલર સાથે અંકિતા પટેલ, અનિતા પટેલ જોડાયા હતા. જેઓ સંયુક્ત પણે ભાગી છૂટેલા બે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે.
દેગામની કંપનીમાંથી 1.38 કરોડની સોલાર પ્લેટની ચોરીના ગુનામાં વધુ એક અમદાવાદથી પકડાયો
ઘેજ: ચીખલીના દેગામની સોલાર કંપનીમાંથી ૧.૩૮ કરોડ રૂપિયાની સોલાર પ્લેટની ચોરીના ગુનામાં વધુ એક આરોપી અમદાવાદથી પકડાયો છે. પ્રાપ્ત વિગત મુજબ દેગામની સોલાર કંપનીમાંથી ચોરેલી સોલાર પ્લેટોનો ૧.૩૮ કરોડ રૂપિયાના જથ્થા સાથે પીએસઆઇ સમીરભાઇ કડીવાલા સહિતના સ્ટાફે રાત્રિ દરમ્યાન ચાસા ગામેથી ત્રણ જેટલાને ઝડપી પાડ્યા હતા. જેમાં તપાસ દરમ્યાન અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવતા રાજકોટના એક સહિત વધુ પાંચ લોકોને ઝડપી પાડી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરતા પોલીસે દિલીપ છગન જાદવાણી (રહે. રોયલ રિપોઝ, અમદાવાદ)ની પણ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
સોલાર કંપનીમાંથી સોલાર પ્લેટોની ચોરીના ગુનાના ટુંકા ગાળામાં જ પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. દેગામની સોલાર કંપનીમાં સિક્યુરીટી અને અન્ય સ્ટાફને ચોરીની આશંકા જતા તેઓએ ઝીણવટભરી તપાસ કરી નજર રાખી હતી. આ દરમ્યાન રાત્રિના સમયે પોલીસે સોલાર પ્લેટોના જથ્થા સાથે આરોપીઓને દબોચી લઇ અને તેજ ગતિએ તપાસ હાથ ધરી આઠ આરોપીઓને ઝડપી લઇ ચોરીના સમગ્ર ગુનાનો પર્દાફાશ કરી પ્રસંશાપાત્ર કામગીરી કરતા કંપનીના અધિકારીઓ પણ પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. ઉપરાંત આ ઘટનામાં પોલીસ અને કંપનીના સિક્યુરીટી સ્ટાફની સર્તકતા રંગ લાવી છે.