SURAT

વાહનોના પંક્ચર કાઢી, નવા ટાયર-ટ્યૂબ નાખી આપતી સુરતની પહેલી દુકાન આજે પણ અડીખમ

શહેરના માર્ગો પર દૌડતા લાખો વાહનો સુરતના આર્થિક વિકાસને દર્શાવી રહ્યાાં છે. ટાયર આ વાહનોને દોડાવે છે જ્યારે ટાયરનો જમાનો નહીં હતો ત્યારે લાકડાં અને પથ્થરના પૈડાં હતાં. ખૂબ જ શાનથી શહેરના માર્ગો પર વાહન ચલાવતા કેટલાંય વાહન ચાલકોને તો ખબર પણ નહી હોય કે તેમના વાહનોનો મુખ્ય આધાર એવા ટાયરની શોધ ક્યારે થઈ સુરતમાં વર્ષો પહેલાં જ્યારે વાહનો પંક્ચરને કારણે ખોટકાતા ત્યારે પંક્ચર કોણ કાઢી આપતું કોણ વ્હીલ બદલી આપતા? તમારા મનમાં ઉદભવે છે ને આ પ્રશ્નો? તો જાણી લો કે ટાયરની શોધ જ્હોન બોન્ડ ડનલોપે 1887માં કરી હતી. હવે આપણે વાત કરીએ 1929ના સમયની જ્યારે સુરતમાં જૂજ વાહનો હતાં આ વાહનોના પંક્ચર કાઢી આપવા, ટાયર-ટ્યૂબ નવા નાંખી આપવા માટે જાફરભાઈ શેખે ચોક બજારમાં ‘નેશનલ ટાયર્સ’ નામની સૌથી પહેલી દુકાન શરૂ કરી હતી. તેઓ ક્યાંથી ટાયરના પંક્ચર કાઢવાનું શીખ્યાં હતાં ? તેઓ વાહનોના ટાયર અને ટ્યૂબ સુરતમાં ક્યાંથી લાવતા તે આપણે આ દુકાનના બીજી અને ત્રીજી પેઢીનાં સંચાલકો પાસેથી જાણીએ.

નૈરોબીમાં જાફરભાઈ શેખે ટાયર- ટૂયબનું જ્ઞાન મેળવ્યું હતું
1929માં આ પેઢીનો પાયો જાફરભાઈ શેખે નાખ્યો હતો. નેશનલ ટાયર્સની શરૂઆત કરતા પહેલાં તેઓ આફ્રિકા ગયા હતા કેન્યાની રાજધાની નૈરોબીમાં ગોડાઉન કીપર તરીકે તેમણે નૌકરી કરી હતી. જોકે પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળતા તેઓ ઇન્ડિયા પાછા ફર્યા હતાં. સુરત આવ્યા બાદ તેમણે ચોક બજારમાં ટાયરના પંક્ચર કાઢવા અને નવા ટ્યૂબ-ટાયરનો ધંધો શરૂ કર્યો. તેઓએ વેલ્કેનાઇઝિંગ (ટાયર-ટ્યુબના રીપેરીંગ)નું કામ નૈરોબીમાં શીખ્યા હતાં. ત્યારે આખા સાઉથ ગુજરાતમાં ટાયરના પંક્ચર કાઢવા અને નવા ટ્યૂબ-ટાયરની કોઇ પણ દુકાન નહીં હતી. તેઓ શરૂઆતમાં એકલે હાથે જ આ બધા કામ કરતાં. ત્યાર બાદ તેમણે આ કામ માટે એક માણસ રાખ્યો હતો.

પુરના પાણી ઓસર્યા બાદ વાહનોના રીપેરીંગ માટે લાઈનો લાગી હતી
શમશુદ્દીન શેખે જણાવ્યું કે 2006ની રેલના પાણી સુરતના મોટાભાગના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. 5થી 6 દિવસ પૂરના પાણી ઓસર્યા નહીં હતાં પાણીમાં વાહનો ડૂબેલા રહેવાને કારણે વાહનો બગડી ગયા હતા. પુરની સ્થિતિ બાદ લોકોની વાહનોના રીપેરીંગ માટે લાંબી લાઈનો લાગી હતી. બેંકો બંધ રહી હોવાને કારણે લોકો પાસે વાહન રીપેર કરાવવા માટે પણ પૈસા નહીં હતા. લોકોની ગાડીઓના પંક્ચર ફ્રીમાં કાઢી આપ્યા હતાં.

કોલેજ જવાની ઈચ્છા માંડી વાળી દુકાન સંભાળી: શમશુદ્દીન જાફરભાઈ શેખ
આ દુકાનની બીજી પેઢીનાં સંચાલક શમશુદ્દીન જાફરભાઈ શેખે જણાવ્યું કે મેં 10માં ધોરણ સુધીનો અભ્યાસ જીવનભરતી સ્કૂલમાં કર્યો હતો. કોલેજ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવાની મારી ખૂબ ઇચ્છા હતી પણ ફાધર જાફરભાઈની એજ વધુ હોવાથી અને તેમની હેલ્થ પણ સારી નહીં રહેતી હોવાથી આગળ ભણવાની ઈચ્છા માંડી વાળી મેં દુકાનનું સંચાલન હાથમાં લીધું. મારા સમયમાં સુરતમાં વાહનોની સંખ્યા વધવા લાગી હતી. ધંધાનો વિસ્તાર કરતા MRF, ફાયર સ્ટોન, ગુડયર, CEATના ટાયર વેચવાનું શરૂ કર્યું હતું.

મુંબઈથી રેલવે પાર્સલ મારફત ટાયર મંગાવતા: નસરુદ્દીન શેખ
આ દુકાનના બીજી પેઢીનાં સંચાલક નસરુદ્દીન જાફરભાઈ શેખે જણાવ્યું કે, જ્યારે આ પેઢીની સ્થાપના થઇ ત્યારે મુંબઈ અને અમદાવાદથી રેલવે પાર્સલ મારફત ટાયર લાવતા હતા. આ ટાયર ઇંગ્લેન્ડથી ભારતમાં આવતા. શરૂઆતમાં ગુડયર અને ડનલોપ સ્ટોક કમ્પનીના ટાયર આવતા હતાં. એ જમનામાં શેવરોલે, બ્યુક ડોચ, પોન્ટેક, ફોર્થ સિલિન્ડર ફોર્ડ, ઓસ્ટીન-7 આ બધી ગાડીના ટાયર અને ટ્યૂબ વેચાતા હતાં. એ જમાનામાં રાજા-રજવાડાઓ, નગર શેઠ, માલેતુજાર, જાગીરદારો પાસે જ કાર હતી કેટલાક લોકો પાસે સાયકલ હતી.

પંક્ચર કઢાવવા અને ટાયર-ટ્યૂબ બદલવા ટોકન અપાતા:ઇકબાલ શેખ
આ દુકાનના બીજી પેઢીનાં સંચાલક ઇકબાલ જાફરભાઈ શેખે જણાવ્યું કે જ્યારે આ પેઢીની સ્થાપના થઇ બીજી કોઈ દુકાન નહીં હતી એટલે પંક્ચર કઢાવવા અને નવા ટ્યૂબ-ટાયર નખાવવા લાંબી લાઇન લાગતી. માલતુજારોના નોકર ઘોડાગાડીમાં ટાયર લઈને આવતા કેટલાક કાપડમાં બાંધીને માથે ઉંચકીને લાવતા ત્યારે ટોકન પ્રથા હતી. અમારી દુકાનમાં ગ્રાહકને ટોકન આપવામાં આવતું હતું અને નવા ટાયર લઈ જવા અને રીપેર થયેલા ટાયર 5 કે 10 દિવસ બાદ લઈ જવા માટે ગ્રાહકને કહેવામાં આવતું. આમ 5-10 દિવસનું વેટિંગ રહેતું હતું.

2006ની રેલમાં 7થી 8 લાખ રૂપિયા માલને નુકસાન થયું હતું:અતિક શેખ
આ દુકાનની ત્રીજી પેઢીનાં સંચાલક અતિક શમશુદ્દીન શેખે જણાવ્યું કે 2006માં સુરતમાં આવેલી ભયંકર રેલને તો સુરતના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. અમારી દુકાનને પણ રેલે થાપટ મારી હતી. અમારી આ દુકાનમાં 5 ફૂટ પાણી ભરાયું હતું 5થી 6 દિવસ રેલનું પાણી દુકાનમાં રહેવાને કારણે દુકાનમાં રહેલાં વ્હીલ બેલેન્સિંગ મશીન, ટાયર ચેન્જર મશીનને ડૂબી જવાને કારણે નુકસાન થયું હતું, ટાયર, ટ્યૂબ અને રીપેર કરવાના મટિરિયલને નુકસાન થયું હતું. એ વખતે પૂરના પાણી ઓસર્યા બાદ સૌથી પહેલાં પ્રાથમીકતાના ધોરણે Smcના વાહનોને રીપેર કરી આપ્યાં હતા.

90 વર્ષ જૂની ખુરશીને ગ્રાહકે કહ્યું આ ખુરશી નથી તમારા ફાધરની ગાદી છે
મશુદ્દીન શેખે જણાવ્યું કે અમારી આ દુકાનમાં 90 વર્ષ જૂની 2 ખુરશી છે. જે અમે અમારા પિતાની યાદ તરીકે હજી પણ સાચવી રાખી છે. મારા ફાધરના એક મિત્ર અને અમારી દુકાનના ગ્રાહકને એક વખત મેં કહ્યું હતું કે બેસો આ ખુરશી પર ત્યારે ફાધરના તે મિત્રે કહ્યું હતું કે આને ખુરશી કહેવાની ભૂલ નહીં કરો આ તમારા ફાધરની ગાદી છે. આ બંને ખુરશીને અમે હમેશા સાચવીને રાખીશું.

વિન્ટેજ કારનું 50 વર્ષ જૂનું ટાયર હજી સાચવી રાખ્યું
અતિક શેખે જણાવ્યું કે પહેલાં કારના ટાયર ખૂબ મોટા રહેતા. ઇંગ્લેન્ડની એક કમ્પનીનું ટાયર અમે હજી સાચવી રાખ્યું છે. આ ટાયર વિન્ટેજ કારનું છે. જે અમે હમેશા યાદગીરી રૂપે સાચવી રાખીશું.

પહેલાં 1950માં ટૂ વહીલરના ટાયર 15 રૂ. અને ફોર વહીલરના 150રૂ. હતા
પહેલાં સોંઘવારી હતી અત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે. 1950માં ટૂ વહીલરના ટાયર 15 રૂ. માં અને ફોર વહીલરના ટાયર 150 રૂ.માં મળતા જ્યારે ટૂ વહીલરની ટ્યૂબ 5-7 રૂપિયામાં મળતી અને ફોર વહીલરની ટ્યૂબ 20 રૂપિયામાં મળતી. જ્યારે ટૂ આજે બાઈકના ટાયર 1500થી 2000માં અને કારના ટાયર 5000 રૂ.ની કિંમતમાં મળે છે. છેલ્લાં 15 વર્ષથી ટ્રકના ટાયરનું રીપેરીંગ થતું નથી કેમકે તેને સિટીમાં પ્રવેશ નથી અને સાયકલના ટાયરનું રીપેરીંગ પણ નથી કરતા.

ખાદીના કપડાં અને ટાયરના સોલની ચંપલ પહેરતા
શમશુદ્દીન શેખે જણાવ્યું કે મારા પિતા જાફરભાઈએ આજીવન ખાદીના કપડાં પહેર્યા હતાં અને ટાયરના સોલમાં થી બનાવેલી ચંપલ પહેરતા હતાં. આ ચંપલ તેઓ મોચી પાસે બનાવતાં હતા. તેઓએ એમને ત્રણે ભાઈઓને શીખવ્યું હતું કે ગ્રાહકોને ઓરીજીનલ ટાયર આપવા વ્યાજબી ભાવ લેવો અને વેચાણ પછીની સર્વિસ આપવી. ઈજ્જત બનાવતા વર્ષો લાગે છે તમે આ પેઢીની ઈજ્જત રાખજો નીતિ-નીયમોથી ચાલજો.

1994-95માં ડિમોલિશનમાં દુકાનનો 30 ટકા ભાગ તૂટ્યો
નસરુદ્દીન શેખે જણાવ્યું કે 1994-95માં સુરત મહાનગર પાલિકાના કમિશનર S.R.Raoના સમયમાં રસ્તો પહોળો કરવા માટે દુકાનોનું ડિમોલિશન થયું હતું ત્યારે અમારી કોર્નર પરની એક આખી દુકાન ડિમોલિશનમાં તૂટી હતી જ્યારે આ દુકાનનો પણ 30 ટકા ભાગ કપાયો હતો જેને કારણે દુકાન નાની થઇ છે.

કોરોનામાં લોકોને પૈસાની તકલીફ પડી હતી લોકોને રડતા જોયા
ઇકબાલ શેખે જણાવ્યું કે કોરોનાનના લોકડાઉનમાં 45 દિવસ દુકાન બંધ રહી હતી. કોરોના હળવો થયો અને બધું પૂર્વવત થવા લાગ્યું ત્યારે લોકો પોતાના વાહન રીપેર કરાવવા આવતા ત્યારે કહેતા કે પૈસા નથી રહ્યો કામ-ધંધો બેસી ગયો છે હવે કઈ રીતે બાળકોને ભણાવવા એવું કહી ગ્રાહકો રડી પણ પડતા તે અમે જોયું હતું અમે લોકોને એ સમયે નફો લીધા વગર તેમના વાહન રીપેર કરી આપ્યા હતા અને ટાયર પણ નહીં નફો નહીંનુકસાનના ધોરણે આપ્યા હતાં

Most Popular

To Top