National

ડોક્ટરોની સુરક્ષા માટે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવાશે, સુપ્રીમમાં કોલકત્તા કેસ પર સુનાવણી યોજાઈ

નવી દિલ્હીઃ કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં આજે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તપાસ સામે આકરાં સવાલો ઉઠાવ્યા હતા અને સાથે જ દેશના તબીબોની સુરક્ષા માટે નેશનલ ટેસ્ક ફોર્સ બનાવવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ડોક્ટરોને તેમની સુરક્ષાની ખાતરી આપી હતી.

વેસ્ટ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર રેપ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ વ્યાપી ગયો છે. દેશના તબીબો હડતાળ પર ઉતર્યા છે. આ કેસના લીધે દેશનું રાજકારણ પણ ગરમાયું છે. કોલકાતા કાંડને સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતાથી લીધું છે. સુપ્રીમ કોર્ટે ડૉક્ટર્સની સુરક્ષા પર નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુપ્રીમ કોર્ટમાં હવે આ મામલે 22 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આજે મંગળવારે તા. 20 ઓગસ્ટ 2024ના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મેડિકલ કોલેજની આ કેસમાં લાપરવાહી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે, પ્રિન્સિપલે ડોક્ટરની હત્યાને સુસાઇડમાં ખપાવવાનો પ્રયાસ કર્યો છે. પીડિત પરિવારને મૃતદેહ પણ આપવામાં આવ્યો નથી. મોડી સાંજ સુધી FIR પણ થઇ નહોતી.

કોર્ટે પોલીસને પણ આડેહાથ લીધી હતી. કોર્ટે પૂછ્યું કે જ્યારે 7 હજાર લોકો હોસ્પિટલમાં ઘુસ્યા ત્યારે પોલીસ ત્યાં શું કરતી હતી. આ ઘણી ગંભીર ઘટના બની છે. અમે CBI પાસે સ્ટેટસ રિપોર્ટ માંગીએ છીએ.

દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને દેશના ડૉક્ટરની સુરક્ષાની ચિંતા છે. અમે એક નેશનલ ટાસ્ક ફોર્સ બનાવવા જઇ રહ્યાં છીએ. કોર્ટની નજર હેઠળ ટાસ્ક ફોર્સ બનાવાશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે કોલકાતા રેપ-મર્ડર કેસની ઘટના ગંભીર છે કારણ કે આ સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. મહિલા ડૉક્ટર સાથે થયેલા ગુનાની ખબર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડૉ. સંદીપ ઘોષે આત્મહત્યા ગણાવી હતી. ફરિયાદ પણ મોડી કરવામાં આવી છે.

કોર્ટે કહ્યું, આ માત્ર કોલકાતા નહીં, પરંતુ દેશના તબીબોની સુરક્ષાનો મુદ્દો છે
કોલકાતા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું, ‘અમે જાણીએ છીએ કે હાઇકોર્ટે ઘટનાની સુનાવણી શરૂ કરી છે પરંતુ અમે આ કેસ હાથ પર લીધો છે તેનું એક કારણ છે. આ મુદ્દો ભારતભરમાં ડૉક્ટરોની સુરક્ષાનો છે. આ માત્ર કોલકાતામાં એક હત્યાની ઘટના નથી.

અમને ડૉક્ટર, ખાસ કરીને મહિલા ડૉક્ટર અને યુવા ડૉક્ટરોની સુરક્ષાને લઇને ચિંતા છે. અમને જાણવા મળ્યું કે ત્યાં કોઇ ડ્યૂટી રૂમ નથી. આપણે કાર્યસ્થળ પર સુરક્ષિત સ્થિતિ માટે એક રાષ્ટ્રીય સહમતિ અને પ્રોટોકોલ વિકસિત કરવો જોઇએ. અમે જાણીએ છીએ કે તે તમામ ઇન્ટર્ન, રેસિડેન્ટ ડૉક્ટર અને સૌથી મહત્ત્વપૂર્ણ મહિલા ડૉક્ટર છે. મોટાભાગના યુવા ડૉક્ટર 36 કલાક કામ કરી રહ્યાં છે.

Most Popular

To Top