Gujarat

ગાંધીનગરમાં આજે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’ , સહકાર ક્ષેત્રે ₹250 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે

ગાંધીનગર,તા.16
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલે (17 ફેબ્રુઆરી) કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમીત શાહની અધ્યક્ષતામાં સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની ‘મંથન બેઠક’ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા તથા સહકારી સંઘવાદ મજબૂત કરવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, તેવી માહિતી રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.

બેઠકના ઉદ્ઘાટન સત્રમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ , વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ‘મંથન બેઠક’ની પ્રથમ આવૃત્તિ દિલ્હી ખાતે યોજાઈ હતી, જ્યારે બીજી આવૃત્તિ ગુજરાતમાં યોજાઈ રહી છે.

મુખ્ય એજન્ડા – 2 લાખ નવી સહકારી સંસ્થાઓથી ડિજિટલાઈઝેશન સુધી
બેઠકમાં દેશભરમાં 2 લાખ નવી MPACS, ડેરી અને મત્સ્ય મંડળીઓની સ્થાપનાની સમીક્ષા, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ આધુનિક ગોદામોના નિર્માણ, સહકારી ખાંડ મિલોની આર્થિક સક્ષમતા, સહકારી બેંકોના પડકારોનું નિવારણ, નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ અને સંસ્થાઓના કોમ્પ્યુટરાઈઝેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

₹250 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
પરિષદ દરમિયાન સહકારી સંસ્થાઓ અને APMCના રૂ. 250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે. સાથે જ વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ અંગેના વિશેષ અહેવાલનું વિમોચન પણ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢની પરિવર્તનકારી પહેલો પર પણ રજૂઆતો થશે.

ગુજરાત મોડેલ પર વિશેષ પ્રસ્તુતિ
બીજા સત્રમાં ગુજરાતમાં અમલમાં આવેલી “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ” પહેલની સફળતા રજૂ થશે. આ પહેલ હેઠળ..

  • 33 લાખ નવા બેંક એકાઉન્ટ
  • 19 લાખ પશુપાલકોને RuPay ડેબિટ કાર્ડ
  • 22 લાખ ખેડૂતોને KCC સાથે જોડાણ
  • 12,624 માઇક્રો ATM મારફતે દર મહિને 22 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન
    સહકારિતા પ્રદર્શનીનો શુભારંભ
    મંથન બેઠક પૂર્વે મહાત્મા મંદિર ખાતે વિશેષ સહકારિતા પ્રદર્શનીનું ઉદ્ઘાટન અમિત શાહ કરશે. જેમાં જેમાં NDDB, NFDB, NCDC, IFFCO, NCEL, NCOL, BBSSL જેવી રાષ્ટ્રીય સ્તરની તેમજ અમૂલ (GCMMF), બનાસ ડેરી, ગુજકોમાસોલ અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક જેવી ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓ મળી કુલ ૨૦ સંસ્થાઓ પોતાના સ્ટોલ પ્રદર્શિત કરશે.

Most Popular

To Top