ઘેજ: (Dhej) ચીખલી નજીક નેશનલ હાઇવે (National High Way) પર મજીગામ અને બલવાડા પાસે અકસ્માતના (Accident) બે અલગ અલગ બનાવમાં બે યુવતી સહિત ત્રણ મહિલાના (Ladies) મોત નીપજ્યા હતા. મજીગામ પાસે અજાણ્યા કન્ટેનરે અડફેટે લેતા મોપેડ સવાર બે યુવતીના, જ્યારે બલવાડા પાસે ઇનોવા કાર ડીવાઇડર (Divider) સાથે અથડાઇને પલટી જતા પલસાણાની એક મહિલાનું મોત નીપજ્યું હતું.
- ચીખલી હાઇવે પર બે અકસ્માતમાં ત્રણ મહિલાના મોત
- મજીગામ પાસે કન્ટેનરે અડફેટે લેતા મોપેડ સવાર બે યુવતીના મોત
- બલવાડા પાસે ઇનોવા ડીવાઇડર સાથે અથડાઇને પલટી જતા પલસાણાની મહિલાનું મોત
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ તાલુકાના તીઘરા ઉગમણા ફળિયામાં રહેતી જયમીનીબેન મુકેશભાઇ પટેલ (ઉ.વ. 22) અને ગોરગામ ટીમલી ફળિયામાં રહેતી યામીનીબેન દિપકભાઇ પટેલ (ઉ.વ. 23) અને વૃતિકાબેન વાઘલધરાથી મેસ્ટ્રો મોપેડ નં. જી.જે. 15 બી એફ 6924 ઉપર ચીખલી બસ સ્ટેન્ડ પર સવારના સમયે જવા નીકળ્યા હતા. આ દરમ્યાન મજીગામ છાપરા ફળિયા પાસે સુરત તરફ જતા અજાણ્યા કન્ટેનરના ચાલકે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી પાછળથી મોપેડને ટક્કર મારતા ત્રણેય યુવતીઓ હાઇવે પર પટકાતા ગંભીર ઇજા થતા જયમીનીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યામીનીબેન અને વૃતિકાબેનને સારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમ્યાન યામીનીબેનનું પણ મોત નીપજ્યું હતું. કન્ટેનર ચાલક અકસ્માત બાદ વાહન લઇને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ હિતેશ કાળીદાસભાઇ પટેલ (રહે. તીઘરા ઉગમણા ફળિયા) આપતા પોલીસે કન્ટેનર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં અમીત જેકિશનભાઇ પટેલ (રહે. પલસાણા ગાંગપુર જી. સુરત)પરિવાર સાથે મુંબઇ એરપોર્ટ સંબંધીને મૂકવા ઇનોવા કાર નં. જી.જે. 6 ડી.જી. 7892 ભાડે લઇ ચાલક અબ્દુલ મજીદવીર મહમદ શેખ (રહે. બારડોલી સુરતી ઝાંપા) સાથે પરત ફરી રહ્યા હતા. તે દરમ્યાન બલવાડા હાઇવેના ઓવરબ્રિજ પર મળસ્કેના સમયે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઓવરબ્રિજના ડિવાઇડર સાથે અથડાતા ઇનોવા પલટી મારી હાઇવેના નીચેના સર્વિસ રોડ પર ધડાકાભેર પડતા ભૂક્કો બોલી જવા પામ્યો હતો. ઇનોવામાં સવાર નેહલબેન અમિતભાઇ પટેલ (રહે. ગાંગપુર તા. પલસાણા)ને ગંભીર ઇજા થવાથી તેણીનું મોત નીપજ્યું હતું. ચાલકને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ અંકુર ઠાકોરભાઇ મહેતા (રહે. અમલસાડ પટેલ ફળિયા, તા. ગણદેવી)એ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બલવાડા હાઇવે ઓવરબ્રિજ પાસે વળાંક અને લાઇટ પણ બંધ
બલવાડા હાઇવે ઓવરબ્રિજ પાસે વળાંક હોય અને ઓવરબ્રિજની લાઇટ પણ લાંબા સમયથી બંધ રહેવા સાથે ઓવરબ્રિજના છેડે સર્વિસ રોડ પાસે રિફ્લેકટર પણ નહીં હોવાથી વાહન ચાલકોની સલામતી માટે હાઇવે ઓથોરિટિની ઘોર બેદકારી બહાર આવવા પામી છે.