Columns

જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું?

કડા એકદમ તાજા છે અને એ પણ સત્તાવાર. 16મી એપ્રિલે (ચાર દિવસ પહેલાં) ભારત સરકારના વાણીજ્ય ખાતાએ ભારતના વિદેશવેપાર વિષે જે આંકડા બહાર પાડ્યા છે એ એમ કહે છે કે ચીન સાથેની વેપારખાધ વધીને 99.2 અબજ ડોલર્સ થઈ છે અને આગલા નાણાકીય વર્ષની તુલનામાં ચીનથી કરવામાં આવતી આયાતમાં વધારો થયો છે અને ચીનમાં કરવામાં આવતી ભારતની નિકાસમાં ઘટાડો થયો છે. આંકડા કહે છે 2023-24નાં નાણાંકીય વર્ષમાં ચીનથી કરવામાં આવતી આયાત 101 અબજ ડોલર્સ હતી જે 2024-25માં વધીને 113.45 અબજ ડોલર્સ થઈ છે. એક જ વર્ષમાં 11.52% નો વધારો. આની સામે ચીનમાં કરવામાં આવતી નિકાસ 2023-24માં 16.66 અબજ ડોલર્સ હતી જે 2024-25માં ઘટીને 14.25 અબજ ડોલર્સ થઈ છે. ટકાવારીમાં કહીએ તો 14.50% નો ઘટાડો.
સર્વત્ર દેશપ્રેમ છલકાતો હોવા છતાં, 2020માં ગાલવાનની ઘટના પછી ચીનના માલનો બહિષ્કાર કરવાનો હિંદુ રાષ્ટ્રવાદીઓએ કોલ આપ્યો હોવા છતાં, ટીકટોક જેવી ચીની કંપનીઓને ભારતમાંથી તગેડી મૂકી હોવા છતાં અને ભારત વિશ્વગુરુ તરીકે સ્થાપિત થઈ ગયું હોવા છતાં આ હાલત છે. બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીન સાથે વેપાર કરે છે અને બહુમતી દેશપ્રેમી હિંદુઓ ચીની માલનો વપરાશ કરે છે. આમાં કહેવાતા દેશદ્રોહીનો તો ખાસ કોઈ હાથ જ નથી. વધુમાં વધુ ચીની માલ વાપરતા હશે.
શા માટે આવું બની રહ્યું છે? બે કારણ છે: એક તો એ કે ચીની માલ સસ્તો પડે છે અને બીજું કારણ એ કે પોતાને ત્યાં કશુંક ઉત્પાદિત કરવા માટે ચીનથી કેટલીક ચીજો મગાવવી પડે છે. જેમ કે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન કરવું હોય તો ચિપ્સ ચીનથી મગાવવી પડે. ચીની માલ હલકો છે એટલે સસ્તો છે એ કારણ જે બતાવવામાં આવે છે એ વાહિયાત છે, સારી ગુણવત્તાવાળો ચીની સામાન પણ ભારતમાં ઉત્પાદિત સામાન કરતાં સસ્તો પડે છે. ચીને ઉત્પાદન પ્રક્રિયાને એવી બનાવી છે કે જેથી તે બીજા દેશો સાથે હરીફાઈ કરી શકે અને ચીને એવી ચીજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેની બીજા દેશોને પોતાનું ઉત્પાદન વધારવા જરૂર પડે. ટૂંકમાં બીજા દેશોના અર્થતંત્ર માટે અનિવાર્ય બનવું. ભારત ઈચ્છે તો પણ ટ્રમ્પની માફક ચીની સામાનની આયાત પર ટેરીફ ન વધારી શકે. સસ્તી કિંમતનો કોઈ તોડ નથી અને નિર્ભરતા જેવી બીજી કોઈ મજબૂરી નથી.
સવાલ એ છે કે જે સ્થાન ચીને મેળવ્યું એ ભારત કેમ ન મેળવી શક્યું? તમને કદાચ ખબર નહીં હોય, આ સદીની શરૂઆતમાં એટલે કે 2001ની સાલમાં ચીન સાથેનો ભારતનો વેપાર બેલ્જીયમ અને સિંગાપોર કરતાં પણ ઓછો હતો. 2001ની સાલમાં ભારતે ચીનથી 1.90 અબજની આયાત કરી હતી અને 1.70 અબજ ડોલર્સની નિકાસ કરી હતી. માત્ર 0.2 %ની વેપારખાધ હતી. અંગ્રેજીમાં જેને લેવલ પ્લેઇંગ કહેવામાં આવે છે એવી બન્ને પ્રતિસ્પર્ધીઓ માટે એક સમાન સ્થિતિ હતી. ઊલટું, ભારતની તરફેણમાં વધારે અનુકૂળતા હતી. અંગ્રેજી ભાષા, IIT-IIM જેવી શિક્ષણ સંસ્થાઓને પેદા કરેલા બ્રેઈની ઇન્ડિયન્સ, લોકતંત્ર, રાજકીય-સામાજિક સ્થિરતા વગેરેને કારણે વિદેશી રોકાણકારોને માટે ભારત પહેલી પસંદગી હતું. શું ખબર ચીનનું બંધિયાર તંત્ર ક્યારે તૂટી પડે! તાઈનામેન સ્ક્વેરની ઘટના હજુ દાયકા જૂની હતી. માત્ર ભારતે કેટલાક સુધારા કરવા પડે એમ હતા. વહીવટી સુધારા, કાયદાકીય સુધારા અને ન્યાયતંત્રમાં સુધારા. વિદેશી રોકાણકારોને એમ લાગવું જોઈએ કે નિર્ણયો ઝડપથી લેવામાં આવશે અને જો મતભેદ થયો તો ન્યાય તાત્કાલિક મળશે.
ભારતે જરૂરી સુધારાઓ કરીને નવા ઊઘાડનો લાભ લેવો જોઈએ એમ સૂચવતા સેંકડોની સંખ્યામાં અધ્યયનો, ભલામણો અને અહવાલો ઉપલબ્ધ છે. પણ એમ બન્યું નહીં. સ્થાપિત હિતો નહોતા ઈચ્છતા કે કોઈ પ્રકારના સુધારા થાય. એ જમાનો મિશ્ર સરકારનો હતો એટલે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારને કે ભાજપના નેતૃત્વવાળી NDA સરકારને જશ ન મળે એ સારુ બન્ને પક્ષો એકબીજાને સહયોગ નહોતા કરતા. સંસદ જ ચાલવા નહોતા દેતા. સામી બાજુ ચીને હમણાં કહ્યું એમ કિફાયતી ઉત્પાદન અને બીજા દેશોના અર્થતંત્ર માટે ઉપયોગી ચીજોનું ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વિશ્વબજારમાં જગ્યા બનાવતું ગયું. જે જગ્યા ભારતની હોવી જોઈતી હતી એ ચીને આંચકી લીધી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપની સરકાર રચાઈ ત્યારે ફરીવાર આશા પેદા થઈ કે ભારત ગુમાવી રહેલો અવસર ફરી મેળવી શકે છે. 2013-2014ની સાલમાં ભારતે 17 અબજ ડોલર્સની ચીનમાં નિકાસ કરી હતી અને સામે 48.2 અબજ ડોલર્સની આયાત કરી હતી. 31 અબજ ડોલર્સની ખાધ હતી. ખાધ ઘણી મોટી હતી, વધતી જતી હતી અને શાણા શાસકો માટે સાવધાનીના ઘંટનાદ સમાન હતી. અપેક્ષા હતી કે મજબૂત સરકાર સાથે હવે શાસકો ગુમાવેલી જગ્યા પાછી મેળવવા કમર કસશે.
અનુસંધાન પાના નં. 7…
પણ એવું બન્યું નહીં બલકે ઊલટું બન્યું. ટકાવારીમાં ભારતની નિકાસ ઘટવા માંડી અને ખાધ વધતી ગઈ. પરિણામ એ આવ્યું કે આજે 2014ની તુલનામાં ભારતની નિકાસ ઘટી છે. 2016ની નોટબંધીએ પણ દેશને પાછળ ધકેલી દીધો છે.
સરકાર મજબૂત છે, પણ પ્રાથમિકતા અલગ છે. ચીન વર્તમાનમાં જદ્દોજહદ કરે છે અને ભારતના હિન્દુત્વવાદી શાસકો અતિતમાં. ચીન ઈતિહાસમાં વિલન શોધવાનો પ્રયાસ કરતું નથી, પણ વર્તમાનમાં વિલન કોણ અને મિત્ર કોણ એની ચકાસણી કરીને પોતાની જગ્યા બનાવે છે. ચીન મહાન હોવાના ખોટા બણગાં ફૂંકતું નથી, પણ તાકાત વધારીને વર્તમાનમાં તેને અનુભવી શકાય એ રીતે મહાન બનવાનો પ્રયાસ કરે છે. ચીન લઘુમતી પ્રજાની કનડગત કરીને બહુમતી પ્રજાને વિકૃત સુખનો અમલ પીવડાવતું નથી, પણ દરેક પ્રજાના હાથનો વિકાસ માટે ઉપયોગ કરે છે. તમે ક્યારેય ચીની શાસકોને રડતા કે રડાવતા જોયા? ડરતા કે ડરાવતા જોયા? કલ્પનાના મહેલમાં રાચતા જોયા? બણગાં ફૂંકતા જોયા?
વર્તમાન. વર્તમાન જ ભવિષ્ય બનાવે છે. ભૂતકાળ ભવિષ્ય ન બનાવે. એની વચ્ચે વર્તમાન પડે છે અને નાદાર શાસકો કર્તૃત્વ સિદ્ધ કરવાની વર્તમાનની ક્ષણ ગુમાવી દે છે. હવે જ્યારે વર્તમાનમાં ભવિષ્ય બનાવવા માટેનું યુદ્ધ જગતમાં શરુ થયું છે ત્યારે અતીતમાં જીવનારા અને પ્રજાને જીવાડનારા શાસકો રઘવાયા થયા છે. કેન્દ્રના વાણીજ્ય પ્રધાને અકળાઈને કહ્યું હતું કે વિદેશી રોકાણ ભારતમાંથી બહાર જતું હોય તો ભલે જતું. નથી જોઈતા તેમના પૈસા. એ પછી હમણાં પાંચ દિવસ પહેલાં અકળાઈને કહ્યું કે શું સ્ટાર્ટઅપવાળા ફૂડ ડિલીવરીની એપ જ બનાવશે કે ભોંય ભાંગવાનું કામ પણ કરશે? અરે ભાઈ દસ વરસમાં દોઢ લાખ (90 %) સ્ટાર્ટઅપ નિષ્ફળ નીવડ્યા એને માટે એકલા પ્રયાસકર્તાઓ જવાબદાર છે કે શાસકો પણ? વર્ગમાં 90 % વિદ્યાર્થીઓ ત્યારે જ નાપાસ થાય જ્યારે ભણાવવામાં ન આવતા હોય અને શિક્ષકો નબળા હોય. ડીપસીક વિકસાવવા માટે સરકારનો સાથ જોઈએ.
પણ આપણે ત્યાં તો શાસકો ઔરંગઝેબના યુગમાં વસે છે અને વચ્ચે વચ્ચે અકળાય અને આવવું પડે ત્યારે વર્તમાનમાં આવે છે.

Most Popular

To Top