એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ – EDએ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપ છે કરોડોના ગોટાળાનો, મની લોન્ડરિંગનો. BJPની સરકાર ખુન્નસમાં આ બધું કરી રહી છેના આક્ષેપોના અવાજ કોંગ્રેસ તરફથી ઉઠ્યા છે તો કોંગ્રેસની ધૂરા લઇને બેઠેલા ગાંધી પરિવારે દેશના લોકો સાથે છેતરપીંડી કરી છેનો દેકારો BJP તરફથી થઇ રહ્યો છે. ગાળિયો ગાંધી પરિવારને ગળે પડ્યો છે, અને તેમાં કોંગ્રેસ પાર્ટી પણ ઢસડાવાની જ. આરોપ-પ્રત્યારોપ અને વિરોધ પ્રદર્શનોની હારમાળાના મણકા એક પછી એક ગોઠવાઈ રહ્યા છે. આખરે આ કેસ છે શું? આક્ષેપ એવો છે કે માત્ર પાંચ લાખની રકમમાંથી કોંગ્રેસ પાર્ટીએ ગોટાળા કરીને 2000 કરોડ બનાવ્યા છે અને તે પણ એકે ય રૂપિયો ખર્ચ્યા વિના.
મામલો લગભગ 85 વર્ષ જૂનો છે. 1937 માં એસોસિએટ જર્નલ્સ લિમિટેડ – AJL-ની સ્થાપના કરવામાં આવી જેના હેઠળ જવાહરલાલ નહેરુએ 1938માં નેશનલ હેરાલ્ડ નામે છાપું શરુ કર્યું. આ છાપાના ભાગીદારો એટલે કે શૅર હોલ્ડર્સ હતા સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેનારા લોકો. આઝાદીની ચળવળ દરમિયાન જે ભંડોળ મળતું તેમાંથી નેશનલ હેરાલ્ડ, કોમી આવાઝ અને નવજીવન – એમ ત્રણ પ્રકાશનો પ્રકાશિત થતા. ‘ભારત છોડો’આંદોલન દરમિયાન અંગ્રેજ સરકારે જ્યારે ભારતીય અખબારોને લપેટમાં લીધા હતા ત્યારે નેશનલ હેરાલ્ડને પણ ભોગવાવનું આવ્યું જો કે ત્રણેક વર્ષ પછી બધું થાળે પડ્યું અને અખબાર ફરી ધમધમતું થયું. આપણે આઝાદ થયા, નહેરુ વડા પ્રધાન બન્યા અને તેમણે કંપનીનું ચેરમેન પદ છોડી દીધું. સ્વતંત્રતા મળી ગઈ હતી પણ અખબાર પ્રકાશિત કરનારી આ કંપનીને અનેક શહેરોમાં ઓછા ભાવે – રાહત દરે જમીનો મળી હતી. 1956ની આસપાસ AJL ગેર વ્યવસાયી કંપની જાહેર કરાઈ અને કંપની એક્ટ 25 હેઠળ તેને કર મુક્તિ મળી. વર્ષો સુધી અખબારને કોંગ્રેસ પાર્ટી તરફથી ફંડિગ મળતું રહ્યું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શરૂ થયેલું અખબાર સ્વાભાવિક રીતે કોંગ્રેસ તરફી ઝુકાવ ધરાવતું હતું અને તે વખતે જે કોંગ્રેસ પક્ષ હતો તે બહુ જુદો હતો તે પણ એક હકીકત છે. જો કે 2008માં આ અખબાર આર્થિક તંગીને કારણે બંધ કરવું પડે તેવી નોબત આવી ત્યાં સુધીમાં તો કોંગ્રેસમાં પણ જાત-ભાતના ફેરફાર આવી ગયા હતા. AJL માથે તોતિંગ દેવું હતું. આ દરમિયાન કોંગ્રેસ પક્ષે જાહેર ભંડોળમાંથી કંપનીને 90 કરોડની વગર વ્યાજની એટલે કે ઇન્ટ્રેસ્ટ ફ્રી લોન આપી જેથી કંપની બંધ થાય – અખબાર બંધ થાય તે પહેલાં કર્મચારીઓને વળતર ચૂકવી શકાય. કાયદા પ્રમાણે કોઇપણ રાજકીય પક્ષ વ્યવસાયી પ્રવૃત્તિ માટે લોન ન આપી શકે. નેશનલ હેરાલ્ડ બંધ થયું અને AJL એક રિયલ એસ્ટેટ કંપની બની રહી અને આ કંપનીને નામે 2000 કરોડથી વધુની મિલકતો હતી. EDની ચાર્જશીટ અનુસાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મિલકતો પચાવી પાડવા માટે કારસા કર્યા અને આ સંપત્તિઓને આધારે મની લોન્ડરિંગ કરાયું.
ED આ આક્ષેપો શેના આધારે કરે છે તે જાણીએ. 2010ના નવેમ્બર મહિનામાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ યંગ ઇન્ડિયા લિમિટેડ નામે કંપની શરૂ કરી. આ કંપની પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઇ તેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો હિસ્સો 38–38% હતો અને બાકીના 24% હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસનો હતો. યંગ ઇન્ડિયાના બોર્ડ ઑફ ડિરેક્ટર તરીકે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સાથે પત્રકાર સુમન દુબે અને સામ પિત્રોડા પણ હતા.
2010 ડિસેમ્બરમાં કોંગ્રેસે AJLને એમ કહીને ઝીરો ઇન્ટરેસ્ટની 90 કરોડની લોન આપી કે ઐતિહાસિક મહત્ત્વ હોવાથી કંપનીને બચાવવી જરૂરી હતી. સ્વાભાવિક છે કે AJL લોન પરત ન આપી શકી. માત્ર 50 લાખ ચૂકવીને યંગ ઇન્ડિયા લિમિટેડે AJLની માલિકી મેળવી. 2011થી AJLના 99% શૅર યંગ ઇન્ડિયા લિમિટેડના થયા. એક રાજકીય પક્ષે આપેલી લોન હવે તગડી સ્થાવર મિલકત ધરાવતી ખાનગી કંપનીના કાબુમાં આવી ગઇ. આ સ્થિતિમાં AJLની બધી જ સ્થાયી મિલકતો જે દિલ્હી, મુંબઈ, લખનૌ વગેરેમાં છે તે યંગ ઇન્ડિયા લિમિટેડની થઇ ગઇ. શું યંગ ઇન્ડિયાએ કોંગ્રેસને 90 કરોડ ચૂકવ્યા? બિલકુલ નહીં. આ દેવું માત્ર કાગળ પર હસ્તગત કરાયું અને 50 લાખ જેવી નજીવી રકમ આપીને, 90 કરોડનું દેવું માફ થઇ ગયું (સાફ થઇ ગયું) અને યંગ ઇન્ડિયાને (એક ખાનગી કંપનીને) 2000 કરોડની મિલકતો મળી જેનું મૂલ્ય આજે 5000 કરોડ જેટલું છે. 2011માં AJL અને યંગ હેરાલ્ડ બંધ કરી દેવાયું. છાપું ન રહ્યુ પણ અને 5000 કરોડની મિલકતો ગાંધી પરિવારની ખાનગી મિલકત બની ગઈ. ઘણી મિલકતને ભાડે આપી દેવાઇ હતી જેનો વ્યક્તિગત લાભ લેવાયો. તપાસમાં ખોટી રીતે મેળવાયેલી જાહેરાતો, ભંડોળ વગેરેની બાબતો પણ બહાર આવી છે.
BJPના સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં નીચલી અદાલતમાં ફરિયાદ દાખલ કરી અને આક્ષેપ મૂક્યો કે યંગ ઇન્ડિયા લિમિટેડે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના હસ્તાંતરણમાં છેતરપીંડી અને વિશ્વાસભંગનો ગુનો આચર્યો છે અને યંગ ઇન્ડિયા લિમિટેડે ખોટી રીતે નેશનલ હેરાલ્ડની મિલકત પર કબજો કર્યો છે. તેમનો આરોપ છે કે ગાંધી પરિવારે કોંગ્રેસ પાર્ટી ફંડનો ઉપયોગ કરીને AJL હસ્તગત કરી લીધી છે. કોંગ્રેસનું કહેવું છે કે સ્વામીના આરોપો ઠાલા છે અને તે માત્ર રાજકીય દ્વેષથી દાખલ કરાયેલો કેસ છે. 2016માં નેશનલ હેરાલ્ડને ડિજિટલી ચાલુ કરાયું છે. 2014થી EDએ આ કેસ હાથમાં લઇને મની લોન્ડરિંગ થયુ છે કે કેમ તેની તપાસ ચાલુ કરી તેને પણ 10 વર્ષ થવા આવ્યા. BJP અને કોંગ્રેસ આ મામલે સામસામે નિવેદનો આપ્યા કરે છે. વિરોધો પણ થાય છે પણ કાયદાની દ્રષ્ટિએ બાબત બહુ સ્પષ્ટ છે અને હવે કોંગ્રેસ 25મી એપ્રિલની સુનાવણી પછી શું કરે છે તે જોવું રહ્યું. શું સોનિયા અને રાહુલ ગાંધીને સજા થશે કે કેમ તે તો ED પોતાનો કેસ કેટલો મજબુત તૈયાર કરે છે તેની પર આધાર રાખે છે.
આખા મામલામાં એ પણ વિચારવું પડે કે કંપનીના જે સાડાપાંચ છ હજાર શૅર હોલ્ડર્સ હતા તે હવે માંડ 700 જેટલા રહી ગયા છે. એ શૅર હોલ્ડર ક્યાં છે તેની ય કોઈને કંઇ ખબર નથી. એક સમયે શાંતિ ભૂષણ પણ AJLના શૅર હોલ્ડર હતા પણ તેમણે જાહેરમાં એ બાબત કબુલી હતી કે તેમના શૅર ક્યારે અને કેવી રીતે રાહુલ ગાંધીને નામે થઇ ગયા તે તેમને ખબર જ નથી. આવું તો બીજા કેટલાય શૅર હોલ્ડર્સ સાથે થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી. સ્પેશ્યલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ કેસ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે કેસને ખારીજ કરવાની ના પાડી દીધી છે. EDની ચાર્જશીટ તો તૈયાર છે. ભૂતકાળમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પૂછપરછ પણ થઇ છે જે પાંચ દિવસ માટે અને કુલ 50 કલાક ચાલી હતી અને સોનિયા ગાંધીની પૂછપરછ ૩ દિવસ 12 કલાક ચાલી હતી. આ પૂછપરછનું વીડિયો, ઓડિયો રેકોર્ડિંગ તો થાય છે જ પણ તમે જે કહો તે તમારે લખીને આપવાનું રહે છે. એક રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધીને લખતા બહુ ફાવ્યું નહીં અને તેમને ટાઇપિસ્ટની મદદ અપાઈ હતી. EDમાં જે કહેવાય તે બધું અદાલતમાં પુરાવા તરીકે પ્રસ્તુત કરી શકાય છે. હવે આ કેસ ચાલશે ત્યારે શું થશે તે ત્યારે જ ખબર પડશે. કાયદો સમજનારાઓનું કહેવું છે કે આ કેસ બહુ સ્પષ્ટ છે અને જો તે કેસ ચાલ્યો તો સોનિયા અને રાહુલ ગાંધીને સજા થઇ શકે છે
હવે દેશભરમાં વિરોધ પ્રદર્શનોની વાત થઇ રહી છે પણ જે ગોટાળાના લાભ માત્ર ગાંધી પરિવારને મળ્યા છે તેને માટે કોંગ્રેસના ટેકેદારો, પક્ષના અન્ય લોકો શા માટે વિરોધ કરે? એક બીજો સવાલ એ પણ થાય કે કોંગ્રેસ – અથવા તો ગાંધી પરિવાર માટે વિરોધ કરવા તૈયાર થનારા લોકો છે ખરા? આ તો વાલિયા લૂંટારાની વાર્તા જેવો ઘાટ છે, જો કે અહીં કોઈ વાલ્મીકિ ઋષિ બની શકે એવી ક્ષમતા ધરાવનારું છે જ નહીં. વર્તમાન સમયનું રાજકારણ ભ્રષ્ટાચાર, વૈમનસ્ય અને ધ્રુવીકરણથી ખદબદે છે. અહીં એક પક્ષ બીજાથી બહેતર છે તેવી ચર્ચા અસ્થાને છે કારણકે વાત સરખામણીની નથી બલ્કે સત્તાના દુરુપયોગ કેવી રીતે અને કેટલી હદે થયો છે તેની છે. કોંગ્રેસના ટેકેદારો માટે પણ આ કદાચ સાપે છછુંદર ગળ્યા જેવું હશે અને એ માટે તેઓ પણ કદાચ ચૂપ રહેવાનું પસંદ કરશે.
બાય ધ વે
ગાંધી પરિવાર વિશે ઘણી બધી બાબતો સપાટી પર આવતી રહે છે. બૅરિસ્ટર બનેલા જવાહરલાલ નહેરુના પરિવારમાં તેમના પછી કોઈએ પણ એ હદ સુધીનો અભ્યાસ નથી કર્યો. ઇંદિરા ગાંધી પર કેથરિન ફ્રેંકે લખેલા પુસ્તકમાં તેમણે પોતે લેખિકાને કહેલું કે તેમના બાયોડેટાને આધારે તેમને નોકરી નહોતી મળી- બની શકે કે તે કદાચ મેટ્રિક સુધી જ ભણ્યા હતા. સોનિયા ગાંધીએ ઓક્સફર્ડમાં ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ કર્યો છે તો રાજીવ ગાંધી એન્જિનયરિંગ કર્યા વિના પાયલટ બની ગયા હતા. વરુણ ગાંધી સિવાય આ પરિવારમાં કોઈ સરખી રીતે ભણ્યું નથી, કદાચ સ્નાતક પણ નથી. મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ સિવાય ગાંધી પરિવારની કોઈ પણ વ્યક્તિએ ક્યારેય વ્યવસાયી રીતે કામ નથી કર્યું. તેમના પછી પેઢીના કોઈ વ્યાપાર કે વ્યવસાય નથી. રાજકારણ માત્ર કારકિર્દી છે – જો કે એવા કિસ્સા બીજા પક્ષોમાં પણ હશે તેની ના નહીં. ‘થાય સરખામણી તો કોઈ ઉતરતું નથી’– ન તો કોઈ માથે ચઢાવવા જેવું છે. વાત નેશનલ હેરાલ્ડ કેસની છે અને તેના સુધી સીમિત રાખીને વસ્તુલક્ષીપણાથી એટલે કે ઑબ્જેક્ટિવિટીથી જોઇએ તો કોંગ્રેસની દયા આવે અને ગાંધી પરિવાર પર રોષ આવે. નરી આંખે દેખાતા ભ્રષ્ટાચારને ક્યાં સુધી અવગણવો એ પણ એક અગત્યનો સવાલ છે. પરિવારવાદ એ વિવાદનું મૂળ છે અને તે ઉખાડાશે તો કદાચ કંઇ નવું રોપવાનો મોકો મળશે.

