આજથી ૮૪ વર્ષ પહેલાં દેશબાંધવોમાં દેશભક્તિની દાઝ પ્રગટાવવા પ્રગટ થતું નેશનલ હેરાલ્ડ અખબાર કૌભાંડોના પર્યાય જેવું બની ગયું છે. નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડ રૂપિયાની મિલકતો પાણીના ભાવે પડાવી લેવા બદલ શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇડીના છટકામાં સપડાઈ ગયાં છે. ઇડી દ્વારા દિલ્હીના બહાદુરશાહ જફર માર્ગ પર આવેલી યંગ ઇન્ડિયા જર્નલની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે.
ઇડી દ્વારા આ કેસમાં પહેલાં રાહુલ ગાંધીની અને પછી શ્રીમતી સોનિયા ગાંધીની આકરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછના અંતે ઇડી કદાચ સોનિયા-રાહુલ ગાંધીની ધરપકડ કરે તેવી સંભાવનાથી કોંગ્રેસના નેતાઓ પરેશાન છે. જો સોનિયા-રાહુલની ધરપકડ કરવામાં આવે તો દેશભરમાં તોફાનો ચાલુ થઈ શકે છે. તેને કારણે કદાચ સોનિયા-રાહુલની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જાય કે તેમને સહાનુભૂતિનો લાભ પણ મળી શકે છે.
નેશનલ હેરાલ્ડનો પ્રારંભ ૧૯૩૮ માં લખનૌથી દૈનિક અખબાર તરીકે થયો હતો. તેના પહેલા તંત્રી રામ રાવ હતા, પણ તેની પ્રારંભિક લોકપ્રિયતાનું મુખ્ય કારણ પંડિત જવાહરલાલ નેહરુના લેખો હતા. ગાંધીજી પણ રામ રાવને લડાયક તંત્રી તરીકે બિરદાવતા હતા. ૧૯૪૨ માં ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું તેને પગલે બ્રિટીશ સરકારે નેશનલ હેરાલ્ડ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્રણ વર્ષ સુષુપ્તાવસ્થામાં રહ્યા પછી ૧૯૪૫ માં તેનું પ્રકાશન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ૧૯૪૬ માં ચલાપતિ રાવ તેના તંત્રી બન્યા હતા. તેઓ ૩૦ વર્ષ સુધી નેશનલ હેરાલ્ડના સંચાલક રહ્યા હતા. ચલાપતિ રાવ એવા સ્વતંત્ર મિજાજના હતા કે તેમના તંત્રીલેખોમાં નેહરુ સરકારની નીતિઓની પણ ટીકા કરવામાં આવતી હતી. નેશનલ હેરાલ્ડના રજત જયંતી સમારંભમાં ભાષણ આપતાં નેહરુએ કહ્યું હતું કે ‘‘લોકો માને છે કે નેશનલ હેરાલ્ડ મારું અખબાર છે, પણ હકીકતમાં તે ચલાપતિ રાવનું અખબાર છે. તેની લોકપ્રિયતા માટે ચલાપતિ રાવની કામ કરવાની પદ્ધતિ જવાબદાર છે.’’
નેશનલ હેરાલ્ડ માટે કસોટીનો કાળ ૧૯૭૫ માં દાખલ કરવામાં આવેલી કટોકટી હતી. ૧૯૪૦ ના દાયકામાં દેશની આઝાદીની ચળવળનો અવાજ બની ગયેલું અખબાર કટોકટી દરમિયાન સરકારનું વાજિંત્ર બની ગયું. નેશનલ હેરાલ્ડ શરૂ થયું તે પછી તેના મથાળામાં એક અંગ્રેજી અવતરણ ટાંકવામાં આવતું હતું, જેનો મતલબ થતો હતો, જ્યારે સ્વતંત્રતા ભયમાં હોય ત્યારે કોઈ પણ ભોગે તેનું રક્ષણ કરવું જોઈએ. કટોકટી દરમિયાન અખબારના ટાઇટલમાંથી આ વાક્ય જ હટાવી લેવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડમાં કટોકટીના વખાણ કરતાં લેખો છાપવામાં આવતા હતા. વળી કટોકટી કાળમાં તે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું. રૂપિયા ભરેલી સૂટકેસોની હેરાફેરી માટે નેશનલ હેરાલ્ડના કાર્યાલયનો ઉપયોગ થવા લાગ્યો. કટોકટી પછી જનતા પાર્ટીનું રાજ આવ્યું. કોંગ્રેસના નેતાઓને ડર હતો કે જનતા પાર્ટીના નેતાઓ નેશનલ હેરાલ્ડને હેરાન કરશે, પણ તેવું કાંઈ બન્યું નહીં.
૧૯૭૮ માં નેશનલ હેરાલ્ડના તંત્રી તરીકે ચલાપતિ રાવે રાજીનામું આપ્યું. ત્યાર બાદ સરદાર ખુશવંતસિંહને તેના તંત્રી બનાવવામાં આવ્યા. ખુશવંત સિંહે થોડા મહિનામાં રાજીનામું આપ્યું. ૧૯૭૯ માં નેશનલ હેરાલ્ડમાં હડતાળ પડી. મેનેજમેન્ટ દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું. ૧૯૭૭ માં દિલ્હી આવૃત્તિનું સર્ક્યુલેશન ઘટીને ૧૫,૦૦૦ નકલ પર પહોંચી ગયું હતું. ત્યારે લખનૌ આવૃત્તિનું સર્ક્યુલેશન ૩૦,૦૦૦ નકલ જેટલું હતું. કટોકટી પછી જનતા પાર્ટીના રાજમાં ફેલાવો ઘટતો જતો હતો. જાહેરખબરોની આવક પણ ઘટતી જતી હતી. છેવટે ૧૯૭૭ માં દિલ્હીની આવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. લખનૌ આવૃત્તિ ૨૦૦૮ માં બંધ થઈ ગઈ હતી.
૨૦૦૮ માં નેશનલ હેરાલ્ડ બંધ થયું ત્યારે તેના માથે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું. નેશનલ હેરાલ્ડના માથે જે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું તે રકમ તેને કોંગ્રેસ પક્ષ દ્વારા વ્યાજમુક્ત લોનના રૂપમાં આપવામાં આવી હતી. નેશનલ હેરાલ્ડ પાસે ૯૦.૨૫ કરોડ રૂપિયાનાં દેવાં સામે ચળ-અચળ મિલકતો પણ હતી, જેની બજારકિંમત આશરે ૨,૦૦૦ કરોડ રૂપિયા હતી. ૨૦૧૦ માં નેશનલ હેરાલ્ડને ફરી શરૂ કરવા માટે યંગ ઇન્ડિયા લિમિટેડ નામની નવી કંપનીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ રાહુલ ગાંધી હતા. તેના બીજા ડિરેક્ટરોમાં સોનિયા ગાંધી, ઓસ્કાર ફર્નાન્ડિઝ, મોતીલાલ વોરા, સુમન દુબે, સામ પિત્રોડા વગેરેનો સમાવેશ થતો હતો.
૨૦૧૦ માં નેશનલ હેરાલ્ડની હોલ્ડિંગ કંપની એસોસિયેટેડ જર્નલ લિમિટેડના માત્ર ૧૦૫૭ શેરહોલ્ડરો હયાત હતા, જેમાં ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિભૂષણનો અને મદ્રાસ હાઈ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ માર્કંડેય કાત્જુનો પણ સમાવેશ થતો હતો. ૨૦૧૧ માં આ ૧,૦૫૭ શેરહોલ્ડરોને પૂછ્યા વિના તેમના શેરો નવી બનેલી કંપની યંગ ઇન્ડિયા લિમિટેડ કંપનીના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા. એસોસિયેટેડ જર્નલ કંપનીને માથે જે ૯૦.૨૫ કરોડ રૂપિયાનું દેવું હતું તે નવી કંપનીના માથે ટ્રાન્સફર કરવામાં આવ્યું. તેની સાથે નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડની સંપત્તિ પણ નવી કંપનીના હાથમાં આવી ગઈ. નવી કંપનીએ ૯૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે માત્ર ૫૦ લાખ રૂપિયાની ચૂકવણી કરી. કોંગ્રેસ પક્ષ દ્વારા બાકીના ૮૯.૭૫ કરોડ રૂપિયા ઉદારતાથી માફ કરી દેવામાં આવ્યા. આ રીતે ૨,૦૦૦ કરોડની સંપત્તિ નવી કંપનીના હાથમાં માત્ર ૫૦ લાખ રૂપિયામાં આવી ગઈ.
ભારતીય જનતા પક્ષના નેતા સુબ્રમણ્યમ સ્વામીના ધ્યાનમાં આ ગોટાળો આવ્યો. તેમને થયું કે નેશનલ હેરાલ્ડના કેસમાં મોટું કૌભાંડ થયું છે. ૨૦૧૨ માં તેમણે દિલ્હીની એક ટ્રાયલ કોર્ટમાં યંગ ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટરો રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સુમન દુબે વગેરે વિરુદ્ધ નાણાંકીય ઉચાપતની ફરિયાદ દાખલ કરી. સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ યંગ ઇન્ડિયા લિમિટેડ કંપની માત્ર પાંચ લાખ રૂપિયાની મૂડી સાથે શરૂ થઈ હતી. તેણે કોલકાતાની બોગસ કંપની ડોટેક્સ મર્કન્ડાઇઝ પાસેથી ૧ કરોડ રૂપિયાની લોન લીધી હતી. તેમાંથી ૫૦ લાખ રૂપિયા તેણે કોંગ્રેસ પક્ષને ૯૦.૨૫ કરોડ રૂપિયાના દેવાં સામે ચૂકવી દીધા હતા. કોંગ્રેસ પક્ષે બાકીના ૮૯.૭૫ કરોડ રૂપિયા માફ કર્યા હતા. આ રીતે માત્ર પાંચ લાખ રૂપિયાની મૂડીથી ઊભી કરવામાં આવેલી કંપનીના હાથમાં નેશનલ હેરાલ્ડની ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી આવી ગઈ હતી. આ કંપનીના ડિરેક્ટરો કોંગ્રેસ પક્ષના નેતાઓ હતા, જેમણે પોતાની મોટી મૂડી તેમાં રોકી નહોતી.
સુબ્રમણ્યમ સ્વામીના દાવા મુજબ કોંગ્રેસ પક્ષને કોઈ પણ કંપનીને ૯૦.૨૫ કરોડ રૂપિયાની લોન આપવાનો જ અધિકાર નહોતો, કારણ કે ઇન્કમ ટેક્સના કાયદા મુજબ રાજકીય પક્ષને મળેલું દાન ઇન્કમ ટેક્સથી મુક્ત હોય છે. તેઓ કોઈ ત્રીજી પાર્ટીને દાન આપી શકતા નથી. કોંગ્રેસે નેશનલ હેરાલ્ડને આપેલી લોન માફ કરી હોવાથી તેણે દાનનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વળી કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા નેશનલ હેરાલ્ડને આપવામાં આવેલી ૯૦.૨૫ કરોડની લોન પૈકી ૮૯.૭૫ કરોડની લોન માફ કરીને તેમણે ૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો જમાવી દીધો હતો. હવે રાહુલ ગાંધી બચાવ કરે છે કે નેશનલ હેરાલ્ડનો વહીવટ સ્વર્ગસ્થ નેતા મોતીલાલ વોરા કરતા હોવાથી તેમને તે બાબતમાં કાંઈ જાણકારી નથી. આ બચાવ કાયદાની કોઈ કોર્ટમાં ટકી શકે તેવો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.