ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે (Amit Shah) આરંભ કરાવ્યો હતો. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે કહ્યુ હતું કે ગુનેગારોની પૂછપરછ માટે હવે થર્ડ ડિગ્રીનો જમાનો ગયો, વૈજ્ઞાનિક ટેકનોલોજી અને સાયન્ટિફિક પુરાવાઓના આધારે ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદથી સરળતાથી ગુનાઓની કબૂલાત અને તેને આનુષાંગિક પુરાવાઓ એકત્રિત કરવાનો જમાનો છે અને તે માટે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી તથા ફોરેન્સિક એક્સપર્ટની મદદથી ગુનેગારોને સજા આપવામાં વધુ સફળતા મળશે.
તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કે જે હવે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો (National Forensic Sciences University) દરજ્જો ધરાવે છે તેની પસંદગી કર્યાના માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ યુનિવર્સિટીએ હાઇટેક ટેકનોલોજીથી યુક્ત સાધનો સાથે આ સેન્ટર કાર્યરત કરી દીધું છે. હવે દેશમાંથી પકડાતા તમામ પ્રકારના ડ્રગ્સ અને તેના ઉત્પાદનના સ્થળો ઉપરાંત તેની હેરાફેરી માટે વપરાતા રસ્તાઓનો વિગતવાર રિસર્ચ થઇ શકશે જે દેશના ભાવિને ડ્રગ્સ મુક્ત કરવા ખૂબ જ અસરકારક પૂરવાર થશે. શાહે જણાવ્યુ હતું કે, નો એક્શન અને એકસ્ટ્રીમ એક્શન વચ્ચે મૂંઝવણ અનુભવતા પોલીસ માટે હવે જસ્ટ એક્શન એટલે કે સાહજીક, સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ તપાસથી ગુનેગારોને સજા કરાવવા હવે સરળ બનશે.
વધતા જતા ફોરેન્સિક ક્ષેત્રના વ્યાપને ધ્યાને લઇને વિશ્વ કક્ષાની નંબર વન યુનિવર્સિટી NFSUની શાખા પોતાના રાજ્યોમાં શરૂ કરવા દેશના સાત જેટલા રાજ્યોએ રસ દાખવ્યો છે ત્યારે આ યુનિવર્સિટી તમામ રાજ્યોમાં એક્સટેન્શન સેન્ટર શરૂ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણની તક પૂરી પાડશે જે દેશના યુવાનોને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રમાં એક્ષ્પર્ટ બનાવવા ઉપરાંત રોજગારી પણ પૂરી પાડશે એટલુ જ નહી દેશની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમને પણ વધુ મજબૂત કરશે.
તેમણે કહ્યું હતું કે NFSU સ્થિત સાયબર ડિફેન્સ સેન્ટર અને અત્યાધુનિક બેલેસ્ટીક સેન્ટર કે જેની મુલાકાત સીધી તે બંને સેન્ટર પોતાના વિષયમાં અલગ વિશેષ મહત્વ ધરાવે છે તે જોતાં આ બંને ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બન્યુ છે. સાયબર ડિફેન્સ સેન્ટર આજના સમયની આર્થિક સ્થિરતાની માંગ છે જે વડાપ્રધાનની પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યને સાકાર કરવા મહત્વપૂર્ણ સાબિત થશે જ્યારે બેલેસ્ટીક રિસર્ચ સેન્ટર દેશભરની પોલીસ, સેન્ટર પેરામિલેટરી ફોર્સીસ અને દેશના સૈન્યને વધુ સુરક્ષિત કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
શાહે કહ્યું હતું કે, ભારત દેશની સરહદી વિસ્તાર સંવેદનશીલ છે જે પોલીસ ફોર્સ માટે પડકારરૂપ છે જેને ચેલેન્જ તરીકે સ્વીકારી તેના નિરાકરણ માટે ફોરેન્સિક સાયન્સ પણ મદદરૂપ સાબિત થઇ શકે એમ છે અને વર્ષો જૂની સી.આર.પી.સી., આઇ.પી.સીની કલમો તથા એવિડન્સ એક્ટની કલમોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ.
વર્તમાન પરિસ્થિતિના પડકારોને આધારે નવી કલમો ઉમેરો તથા જૂની કલમોમાં જરૂરી ફેરફારો કરવા અમારી સરકાર આગળ વધી રહી છે. છ વર્ષથી વધુ સજા ધરાવતા કોઇપણ ગુનામાં FSL વિઝિટ ફરજીયાત કરવાનો અમારો ધ્યેય છે. દરેક જિલ્લામાં ફોરેન્સિક વાન અને જિલ્લા FSL યુનિટ શરૂ કરવા પણ તૈયારી છે. માનવબળ સિમિત છે. પરંતુ હવે નેશનલ ફોરન્સિક સાયન્સિસ યુનિવર્સિટી પોતાની શાળા અન્ય રાજ્યોમાં આપવા સક્ષમ થતાં ખૂબ જ ટુંકા સમયમાં એક્સપર્ટ યુવા ટીમ તૈયાર કરવા તથા વધુ ફોરેન્સિક કોલેજો બનાવવાની અમારી નેમ છે જે અમારા લક્ષ્યને સાકાર કરવા મહત્વનું કદમ છે.
દેશમાં થતી ડ્રગ્સની હેરફેરને અટકાવવા સરકાર મક્મ પગલા ભરશે : કેન્દ્રીય ગૃહ મંત્રી
કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે જણાવ્યું હતું કે, ”નાર્કો ટેરર” એ ભારત માટે નવો ખતરો છે જે ભાવી પેઢીને તો બરબાદ કરે જ છે સાથો સાથ દેશના અર્થતંત્રને પણ અસર કરે છે જેને કારણે જ ભારતમાં નાર્કોટિકસ દ્રવ્યોને ઘુસાડતા અટકાવવા અમારી સરકારનો મક્કમ નિર્ધાર છે. તેના માટે જ આ સેન્ટરની રચના કરવામાં આવી છે. ડ્રગ્સની સિગ્નેચર પ્રોફાઇલ, ડ્રગ્સ ઉત્પાદકની ભૌગોલિક પ્રોફાઇલ તથા ડ્રગ્સની હેરાફેરીનો રૂટ સહિતની અતિ બારીક બાબતોનું પણ રિસર્ચ આ સેન્ટર પર કરવામાં આવશે. એટલું જ નહી દરેક રાજ્યને ડ્રગ્સનું ટેસ્ટીંગ ઓન ધ સ્પોટ થઇ શકે તે માટેની સ્વદેશી ડ્ગ્સ ટેસ્ટીંગ કિટ બનાવવાનું કાર્ય આ સેન્ટર કરશે. છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ડ્રગ્સ પકડી પાડવાનો રેકોર્ડ ભારત દેશે કર્યો છે જે દેશના યુવાધનને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં મહત્વનું પગલુ તો છે જ તેની સાથે સાથે ગૌરવની વાત છે. મને વિશ્વાસ છે કે આ યુનિવર્સિટીથી આવનારા પાંચ વર્ષમાં જ વિશ્વની સર્વોચ્ચ સ્થાન ધરાવતી યુનિવર્સિટીઓ પૈકીની એક યુનિવર્સિટી હશે.