અમૃત કાળ અને વિકસિત ભારત
15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, તેથી આગામી 25 વર્ષ (અમૃત કાલ) માટે નવેસરથી ધ્યાન અને સંકલ્પ સાથે આગળ વધવાની જરૂર છે. આ માટે પાંચ સંકલ્પો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આ પાંચ સંકલ્પોમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાનું લક્ષ્ય, ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ, તેના વારસા પર ગર્વ, રાષ્ટ્રની એકતા વધારવાના મજબૂત પ્રયાસો અને દરેક નાગરિકની ફરજની જવાબદારી સાથે વિકસિત ભારતનો સમાવેશ થાય છે.
ચંદા કોચર અને વીડિયોકોનના સ્થાપકની ધરપકડ
આઇસીઆઇસીઆઇ બેંક સાથે જોડાયેલા લોન ફ્રોડ મામલે સીબીઆઇ દ્વારા વીડિયોકોન ગ્રુપના સંસ્થાપક અને ચીફ વેણુગોપાલ ધૂત, આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી . સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે આઈસીઆઈસીઆઈ બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચરે વેણુગોપાલ ધૂતના વીડિયોકોન ગ્રુપને ખોટી રીતે બેંક પાસેથી લોન અપાવવામાં મદદ કરી હતી. તેના બદલામાં ધૂતે ચંદા કોચરના પતિ દીપક કોચરની માલિકીની કંપની ન્યુપાવર રિન્યુએબલ્સ લિમિટેડ (એનઆરએલ)ને બિઝનેસ ડીલ દ્વારા કથિત રીતે ફાયદો કરાવ્યો હતો.
યુએનએસસીની અધ્યક્ષતા
જી-20ની સાથે જ UNSCના પ્રમુખપદને કારણે વિશ્વમાં ભારતનું કદ પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. ભારત તેના બે વર્ષના કાર્યકાળમાં ડિસેમ્બર 2022માં બીજી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો પ્રમુખ બન્યું. યુએનએસસીનું પ્રમુખપદ દર મહિને બદલાય છે. તદનુસાર, 1 ડિસેમ્બરથી ભારતે આ પદ સંભાળ્યું છે. ભારતને યુએનએસસીમાં કાયમી સભ્ય બનાવવાની માગને પણ વેગ મળ્યો છે.
રેકોર્ડ નિકાસ
પ્રથમ વખત ભારતની ચીજવસ્તુઓની નિકાસ એક નાણાકીય વર્ષમાં 400 અબજ અમેરિકન ડોલરને પાર કરી ગઈ છે. આ ઉપલબ્ધિ પર પીએમ મોદીએ કહ્યું કે ભારતની ‘આત્મનિર્ભર ભારત’ યાત્રામાં આ એક મહત્વપૂર્ણ સિમાચિન્હ છે. અત્યાર સુધીનો સૌથી વધુ વેપારી નિકાસ લક્ષ્યાંક ૩૧ માર્ચની સમયમર્યાદાના નવ દિવસ પહેલા પ્રાપ્ત થયો હતો. એપ્રિલ-માર્ચ 2022 દરમિયાન નિકાસ 37 ટકા વધીને 400 અબજ અમેરિકન ડોલર થઈ છે, જે 2020-21માં 292 અબજ અમેરિકન ડોલર હતી.
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અને પંડિતોને ધમકી
કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ને બહારના સામે ટાર્ગેટ કિલિંગ જારી રહ્યું અને સતત ધમકીઓ અપાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં ત્રણ કાશ્મીરી પંડિતો સહિત લઘુમતી સમુદાયના 14 જેટલા લોકો માર્યા
ગયા છે, એમ રાજ્યસભામાં જણાવવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં ભરતી કૌભાંડ
પશ્ચિમ બંગાળના તત્કાલીન શિક્ષણ મંત્રી અને મોડલ અર્પિતાએ આચરેલું શિક્ષક ભરતી કૌભાંડ ગાજતું રહ્યું. અત્યાર સુધીમાં રૂ. 50 કરોડની રોકડ મળી છે. બેઉની ઇડીએ ધરપકડ કરી હતી.
પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ
દ્રૌપદી મુર્મૂ આઝાદી પછી દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યાં. ખાસ વાત એ છે કે તેઓ દેશના પહેલા રાષ્ટ્રપતિ પણ છે, જેમનો જન્મ આઝાદ ભારતમાં થયો હતો. તેમણે 25 જુલાઈના રોજ 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. દ્રૌપદી મુર્મૂએ વર્ષ ૧૯૯૭ માં રાયરંગપુર નગર પંચાયતમાં કાઉન્સિલર તરીકેની રાજકીય કારકીર્દિની શરૂઆત કરી હતી.
220 કરોડથી વધુનું રસીકરણ
ભારતે કોવિડના ચેપ પર લગામ લગાવવાની સાથે રેકોર્ડ રસીકરણ કરીને આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. ભારતે 220 કરોડથી વધુ રસીના ડોઝના સિમાચિહ્નને પાર કરી લીધું. ભારતમાં રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021થી શરૂ થયો હતો.
મહારાષ્ટ્રમાં સત્તાપલટો 30 જૂન
આ દિવસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સત્તામાંથી વિદાય બાદ શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેની મુખ્યમંત્રી તરીકે તાજપોશી કરવામાં આવી. એકનાથ શિંદેએ શિવસેનાના નેતૃત્વ સામે બળવો કર્યો હતો. શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોએ શિંદેની તરફેણ કરી હતી, જેના પરિણામે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની અઢી વર્ષ જૂની મહા વિકાસ અઘાડી (એમવીએ) ગૃહમાં બહુમતી ગુમાવી હતી.
રાજપથ હવે કર્તવ્યપથ 8 સપ્ટેમ્બર
ગુલામીની નિશાનીઓ હટાવવા રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરાયું. અહીં નેતાજીની પ્રતિમા મૂકવામાં આવી. 102 વર્ષમાં ઇતિહાસમાં ત્રણ વખત આ રૂટનું નામ બદલવામાં આવ્યું છે. બ્રિટિશ રાજ દરમિયાન બાંધવામાં આવેલા આ માર્ગનું પ્રથમ નામ કિંગ્સવે હતું. જેને આઝાદી બાદ બદલીને ‘રાજપથ’ કરી દેવામાં આવ્યું. રાજપથ એ જ માર્ગ છે જ્યાં ૨૬ જાન્યુઆરીની પરેડ થાય છે. હવે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે.
નીતીશે ફરી પલટી મારી
બિહારમાં ભાજપ સાથે છેડો ફાડીને નીતીશકુમારની જાણતા દળ (યુ)એ લાલુની આરજેડી સાથે જોડાણ કર્યું અને સત્તા ટકાવી રાખી.
કૉંગ્રેસના અધ્યક્ષ બિનગાંધી પરિવારમાંથી 26 ઑક્ટોબર
80 વર્ષના મલ્લિકાર્જુન ખડગે શશી થરૂરને હરાવીને કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા. ખડગેને ગાંધી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે. ખડગે કર્ણાટકના બિદરના રહેવાસી છે. તેમણે બીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે વકીલ પણ રહી ચૂક્યા છે. આ પહેલા ગેહલોટનું નામ હતું પણ તેમના સમર્થકોએ તેમની તરફેણમાં બળવો કરતા બાજી બગડી.
ગુલામનબી કોંગ્રેસમાંથી આઝાદ
ગુલામનબી આઝાદેદે ઑગસ્ટમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. તેઓ 5 દાયકાથી આ પાર્ટીમાં હતા અને હવે ડેમોક્રેટિક આઝાદ પાર્ટી નામે નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
અમરજવાન જ્યોતિનો વિલય 21 જાન્યુઆરી
અમર જવાન જ્યોતિની જ્યોતને નેશનલ વોર મેમોરિયલમાં એક સાથે ભેળવી દેવામાં આવી છે. અમર જવાન જ્યોતિની જ્યોતને એક સાથે લાવવા માટે એક ખાસ ટોર્ચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મોદીની સુરક્ષામાં ચૂક
પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ પંજાબની મુલાકાત લીધી હતી. કેટલાક વિરોધીઓએ રસ્તા દ્વારા હુસેનીવાલા જતા સમયે રસ્તો અવરોધિત કર્યો હતો. આ પછી પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ સુધી રોકાયો હતો. પીએમ મોદીની સુરક્ષામાં આને મોટી ચૂક ગણાવાઇ હતી. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર પંજાબ સરકારને પીએમ મોદીના કાર્યક્રમ અને મુલાકાત વિશે પહેલેથી જ જાણકારી આપી દેવામાં આવી હતી. સુરક્ષામાં આ ચૂક બાદ બઠિંડા એરપોર્ટ પર પરત ફરવાનો નિર્ણય લેવાયો હતો.
હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલની પૂછપરછ
નેશનલ હેરાલ્ડ કેસ માં આ વર્ષે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધી પહેલીવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ઓફિસ સમક્ષ હાજર થયા હતા. જુલાઈમાં સોનિયા ગાંધી, જેમની તબિયત કોવિડ ચેપને કારણે એટલી સારી ન હતી, તેઓ ઇડી સમક્ષ ત્રણ વખત હાજર થયા હતા. જ્યારે રાહુલ ગાંધીને 5 વખત ઈડીની ઓફિસમાં પૂછપરછ કરાઇ. ઇડીના આ પગલા સામે કોંગ્રેસે કડક વાંધો નોંધાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે 130 કરોડ ભારતીયોને દેશમાંથી, દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી 5Gના રૂપમાં એક મોટી ભેટ મળી રહી છે.
અગ્નિપથ અગ્નિપથ
સેનામાં ભરતી માટે નવી અગ્નિપથ યોજના જૂનમાં જાહેર થઈ. ચાર વર્ષ માટે સેનામાં અગ્નિવીરોની ભરતી થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સરકારે અગ્નિવીરોને સરકારી સાહસો, સિક્યુરિટી એજન્સીઓમાં નોકરી મળી રહેશે એ મુજબની ધરપત આપવી પડી હતી.
શ્રદ્ધા હત્યા કેસ
દિલ્હીના મેહરૌલીમાં ભાડાના મકાનમાં લિવ ઇન પાર્ટનર શ્રદ્ધા સાથે રહેતા આફતાબ પૂનાવાલની પોલીસે 12 નવેમ્બરના રોજ ધરપકડ કરી હતી. આફતાબ પર આરોપ છે કે તેણે શ્રદ્ધાની 18 મેના રોજ તેના મેહરૌલીના ઘરે ગળું દબાવીને હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને ઘણા દિવસો સુધી ફ્રિજમાં રાખ્યા પછી ટુકડા મેહરૌલીના જંગલમાં ફેંકી દીધા. આ ઘટનાએ રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું.
વૈષ્ણો દેવીમાં નાસભાગ
વર્ષ 2022ના પહેલા જ દિવસે દેશમાં એક મોટો અકસ્માત થયો હતો. જમ્મુ-કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં શનિવારે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 13 અન્ય ઘાયલ થયા હતા. નવા વર્ષના અવસર પર હજારો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે જમ્મુ પહોંચ્યા હતા. સવારે 2.45 વાગ્યે મંદિરમાં અચાનક ભાગદોડ મચી ગઈ હતી.
ભારત અને ચીન વચ્ચે ફરી અથડામણ
ભારત અને ચીનના સંબંધો વણસી રહ્યા છે. બંને વિશ્વ શક્તિઓ હિમાલયના ક્ષેત્રમાં તેમની વિવાદિત સરહદ પર એક બીજાની સામે સામનો કરી રહી છે. બંને રાષ્ટ્રો સરહદ પર માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે પણ સ્પર્ધા કરી રહ્યા છે, જેને વાસ્તવિક નિયંત્રણ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. લશ્કરી સ્તરની વાટાઘાટો છતાં તંગદિલી ચાલુ જ છે. ડિસેમ્બર 2022 માં સૈનિકો વચ્ચે એક વર્ષ કરતા વધુ સમયમાં પ્રથમ વખત અથડામણ થઈ હતી. તે ભારતના પૂર્વ છેડે આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ સેક્ટર નજીક બન્યું હતું. કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ભારતે ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા.
રાહુલની ભારત જોડો પદયાત્રા
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શ્રીનગર સુધી ભારતજોડો પદયાત્રા શરૂ કરી છે. તેઓ 3000 કિમીથી વધુ પગપાળા પ્રવાસ ખેડી ચૂક્યા છે. હાલના મોટા નેતાઓમાં રાહુલ કદાચ એકમાત્ર છે જેમણે આટલી લાંબી પદયાત્રા કરી હોય.
ભારતમાં 5જી શરૂ
ભારતમાં 1 ઓક્ટોબરના રોજ હાઇ સ્પીડ મોબાઇલ ઇન્ટરનેટ 5જી સેવા શરૂ કરવામાં આવી . વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5જી સેવાઓ શરૂ કરી હતી. ડિજિટલ ઇન્ડિયા માટે નવી ૫ જી ક્રાંતિની શરૂઆત દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની ૬ ઠ્ઠી આવૃત્તિના ઉદઘાટન સાથે થઈ હતી.
સુપ્રીમના મહત્ત્વના ચુકાદા
2022માં ડી વાય ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. કેટલાક મહત્વના ચુકાદા
ગર્ભપાત માટે વૈવાહિક બળાત્કાર પણ બળાત્કાર જ ગણાય
સુપ્રીમ કોર્ટે 29 સપ્ટેમ્બરે અવલોકન કર્યું હતું કે વૈવાહિક બળાત્કાર પણ બળાત્કાર જ છે. અહીં કેચ એ છે કે ગર્ભપાતના હેતુથી ચુકાદો આપવામાં આવ્યો છે. તેમ છતાં, આ નિરીક્ષણે દેશભરની અસંખ્ય મહિલાઓને આશા આપી છે. સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ ચૂકાદામાં નોંધ્યું હતું કે, પતિ દ્વારા તેની પત્ની પર કરવામાં આવેલા જાતીય હુમલાને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) એક્ટની જોગવાઈઓ હેઠળ બળાત્કાર તરીકે માન્યતા આપવામાં આવશે. તેમાં ઉમેર્યું હતું કે, બળાત્કારની વ્યાખ્યામાં એમટીપી એક્ટ હેઠળ વૈવાહિક બળાત્કારનો પણ સમાવેશ કરવામાં આવશે.
સલામત અને કાનૂની ગર્ભપાત એ દરેક મહિલાનો અધિકાર
એક અન્ય સીમાચિહ્નરૂપ ચુકાદામાં ટોચની અદાલતે જણાવ્યું હતું કે દેશભરની મહિલાઓને 20-24 અઠવાડિયાની વચ્ચે ગર્ભનો ગર્ભપાત કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ગર્ભાધાનની સમાપ્તિની મંજૂરી આપવા માટે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેનો તફાવત પારખવો ગેરબંધારણીય છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, એ એસ બોપન્ના અને જે બી પારડીવાલાની બનેલી ત્રણ જજોની બેન્ચે 29 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે, મહિલાના વૈવાહિક દરજ્જાના આધારે ભેદભાવ તેના સમાનતાના અધિકારની વિરુદ્ધ છે.
ભારતમાં, માતાને બાળકની અટક નક્કી કરવાનો અધિકાર છે
સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે માતા બાળકની અટક નક્કી કરવાનો અધિકાર ધરાવે છે કારણ કે તે કુદરતી વાલી છે. કોર્ટે એમ પણ નોંધ્યું હતું કે તેના પહેલા પતિના અવસાન પછી પણ, માતાને તેના નવા પરિવારમાં બાળકનો સમાવેશ કરવા અને અટક નક્કી કરવા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં.
ટુ-ફિંગર ટેસ્ટ પિતૃસત્તાક માનસિકતા દર્શાવે છે
31 ઓક્ટોબરના રોજ, સુપ્રીમ કોર્ટે બળાત્કાર અથવા જાતીય હુમલો થયેલા લોકો પર ‘ટુ-ફિંગર ટેસ્ટ’ ની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ પરીક્ષણ હાથ ધરશે તે ગેરવર્તન માટે દોષી હશે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આ પરીક્ષણ ‘પ્રતિકૂળ અને આક્રમક’ છે અને ‘તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી કારણ કે તે ન તો બળાત્કારના આરોપોને સાબિત કરે છે કે ન અસ્વીકાર કરે છે’.
મકાન બાંધવા માટે પૈસા માગવાને દહેજ તરીકે ગણવામાં આવે
વર્ષની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પુત્રીએ તેના માતાપિતાને ઘર બનાવવા માટે તેના સાસરિયાઓને પૈસા ‘લોન’ આપવાનું કહ્યું હતું તે દહેજ માનવામાં આવશે. સર્વોચ્ચ અદાલત દહેજ મૃત્યુને લગતા કેસની સુનાવણી કરી રહી હતી.
સીધો પુરાવો ન હોય તો પણ ભ્રષ્ટ અધિકારીને સજા થઈ શકે
પાંચ જજની બંધારણીય પીઠે પોતાના મહત્વના નિર્ણયમાં કહ્યું છે કે, ભ્રષ્ટાચારના કેસમાં અમલદાર સામે સીધા પુરાવા ન હોય તો પણ તેને સજા થઈ શકે છે. આવી સ્થિતિમાં, તેમને પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે સજા થઈ શકે છે.