નેશનલ એવોર્ડ વિનર ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ભાન ભૂલી છે. સસ્તી પ્રસિદ્ધિ માટે રોડ પર સ્ટંટ કરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની જેમ માનસી અને આવનારી ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારોએ અમદાવાદના રોડ પર દોડતી બાઈક પર સ્ટંટ કર્યા છે, જેનો વીડિયો વાયરલ થતા હંગામો મચી ગયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આગામી તા. 31 ઓક્ટોબરના રોજ ગુજરાતી ફિલ્મ મિસરી રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ માનસી પારેખ, ટીકુ તલસાણીયા અને અન્ય કલાકારોએ દોડતી બાઈક પર સ્ટંટ કર્યા હતા. સ્ટંટ કરતા કલાકારોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વીડિયો વાયરલ થયા બાદ લોકોએ કલાકારોને ટ્રોલ કર્યા હતા. કલાકારો સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો ઉઠાવ્યા હતા. ત્યાર બાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ વીડિયો સાયન્સ સિટી રોડ તરફનો હોવાની વિગતો સામે આવી છે. પોલીસે બાઈકના નંબરોના આધારે બાઈકના માલિકની પણ તપાસ કરી છે. બાઈક ચાલકોની ઓળખ થઈ ચૂકી છે, જેમાં ગુજરાતી કલાકારોનો સમાવેશ થાય છે. પોલીસે સ્ટંટ કરતા બાઈક ચાલકો, ગુજરાતી કલાકારો સામે ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રોએ કહ્યું કે, આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.
પીઆઈ પીએન દેસાઈએ કહ્યું કે, ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારોએ પ્રમોશન માટે બાઈક પર સ્ટંટ કર્યા હતા. તેઓ સામે મોટરવ્હીકલ એક્ટ અનુસાર ગુનો નોંધ્યો છે. તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવાયા છે. કાયદેસરની કાર્યવાહી કરાશે.