અમેરિકી અવકાશ સંસ્થા નાસાના પ્રયોગાત્મક હેલિકોપ્ટર ઇન્જેન્યુઇટીએ આજે મંગળના ગ્રહની લાલ ધૂળવાળી સપાટી પરથી પાતળી હવામાં ઉડાન ભરી હતી અને પૃથ્વી સિવાયના અન્ય કોઇ ગ્રહ પર આવી પાવર્ડ ફ્લાઇટનો આ પ્રથમ બનાવ છે.
આ અદભૂત સફળતાને રાઇટ બંધુઓએ પ્રથમ વિમાન ઉડાડ્યું તે ઘટના સાથે સરખાવવામાં આવી હતી. નાસાનું નાનકડું ૪ પાઉન્ડનું (૧.૮ કિલોગ્રામનું) આ કોપ્ટર તેની સાથે રાઇટ બંધુઓએ ૧૯૦૩માં ઉડાડેલા પ્રથમ વિમાનની પાંખનો એક ભાગ પણ લીધો હતો, જે રાઇટ બંધુઓએ પણ નોર્થ કેરોલીનાના કિટ્ટી હોક ખાતે દુનિયાનું પ્રથમ વિમાન ઉડાવીને ઇતિહાસ સર્જયો હતો.
અલ્ટિમીટરના ડેટા એને સમર્થન આપે છે કે ઇન્જેન્યુઇટીએ તેની પ્રથમ ઉડાન ભરી છે, અન્ય ગ્રહ પર એક પાવર્ડ એરક્રાફ્ટની આ પ્રથમ ઉડાન છે એમ આ હેલિકોપ્ટરના પૃથ્વી પરના ચીફ પાયલોટ હાવર્ડ ગ્રીપે કહ્યું હતું. તેના અવાજ સાથે જ તેમની ટીમના સભ્યો ખુશીથી ઉછળી પડ્યા હતા. આ હેલિકોપ્ટર માત્ર ૩૯ સેકન્ડ માટે ઉડ્યું હતું પણ તેણે તમામ મહત્વના સીમાચિન્હો પુરા કર્યા હતા.
આ પ્રોજેક્ટના મેનેજર મિમિ ઓંગ તો ઘણા જ ખુશ થઇ ગયા હતા. તેઓ પહેલાથી જ ખૂબ ઉત્સાહી અને ચિંતિત પણ હતા અને જો આ યોજના નિષ્ફળ જાય તો રાજીનામુ આપી દેવા માટે કાગળો પણ તેમણે તૈયાર રાખ્યા હતા. આ હેલિકોપ્ટર ડેમો પાછળ ૮પ૦ લાખ ડોલરનો ખર્ચ થયો હતો અને આ યોજના નિષ્ફળ જવાનું ભારે જોખમ ધરાવતી હતી.