SURAT

VIDEO: સુરતમાં સ્કૂલ બસ પાણી ભરેલા ખાડામાં પડી, લોકોએ કાચ તોડી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા

સુરતઃ આજે સવારે સુરત શહેરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સ્કૂલ બસ રસ્તા કિનારે પડેલા ખાડામાં ખાબકી હતી. બસ અડધી ઊંધી થઈ ગઈ હતી. જેના લીધે બસની અંદર બેઠેલા 30થી 40 વિદ્યાર્થીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા. બસ એક તરફથી ઊંચી થઈ ગઈ હતી.

દરવાજા તરફનો ભાગ ખાડામાં હતો, તેના લીધે બાળકો બહાર નીકળી શકે તેમ નહોતા. લોકોએ વરસતા વરસાદમાં બસની બારીના કાચ તોડી બારીમાંથી તેમજ ડ્રાઈવરની કેબિનમાંથી બાળકોને રેસ્ક્યુ કર્યા હતા.

  • વિદ્યાર્થીઓથી ભરેલી બસ નો અકસ્માત, સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ખાબકી
  • સુરતના દાંડી રોડ પર બની ઘટના, સાકેત ચોકડી નજીક બસ ખાડામાં ખબકી
  • નરથાણગામ નજીક આવેલી મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની બસને અકસ્માત નડ્યો
  • કતારગામ વિસ્તારના બાળકો લઈને બસ આવતી હતી ત્યારે ખાડામાં પડી
  • બસમાં 30થી 40 વિદ્યાર્થીઓ હતા સવાર, સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા
  • બાળકોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા, બાળકો સહીસલામત,મોટી જાન હાનિ ટળી

પ્રાપ્ત માહિતી અનુસાર નરથાણ ગામ નજીક આવેલી મહારાજા અગ્રેસન ઈન્ટરનેશનલ સ્કૂલની બસને આજે તા. 2 ઓગસ્ટના રોજ સવારે દાંડી રોડ પર સાકેત ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. કતારગામ વિસ્તારના બાળકોને લઈને બસ પસાર થઈ રહી હતી ત્યારે વરસતા વરસાદમાં બસ સાકેત ચોકડી નજીકના ખાડામાં પડી હતી.

બસમાં અંદાજે 30થી 40 વિદ્યાર્થીઓ હતા. બસ ખાડામાં અડધી ઊંચી થઈ જતા બાળકોના જીવ અદ્ધર થયા હતા. તેઓએ બૂમાબૂમ કરી મુકી હતી. સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો બાળકોની મદદે દોડી ગયા હતા અને ડ્રાઈવર કેબિનમાંથી એક બાદ એક તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મોટી જાનહાનિ ટળી હતી.

Most Popular

To Top