ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) 20થી વધુ દરવાજા ખોલી 18 લાખ ક્યુસેક જેટલું પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ (Bharuch) વડોદરા (Vadodara) અને નર્મદા (Narmada) જિલ્લાનાં અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જો કે, ભરૂચ અને અંકલેશ્વરના આસપાસના વિસ્તારોમાં પૂરના (Flood) પાણી ભરાઈ જતાં ભારે તારાજીનું નિર્માણ થયું હતું.
સતત બે દિવસ સુધી નર્મદા નદી ભયજનક સપાટી ઉપર વહેતી રહેતા કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. મકાનો, દુકાનો પાણીમાં ગરકાવ થતાં લોકોને લાખો કરોડોનું નુકસાન થયું હતું. જે બાદ વીતેલા ૨૪ કલાકમાં સપાટીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
- બંને જિલ્લામાં 3 લાખ હેક્ટર ખેતરોમાં પાણી ભરાતાં પાક સફાટ
- 2 હેક્ટર મર્યાદામાં નહીં પણ કુલ જમીનમાં થયેલા નુકસાન સામે વળતર ચૂકવવા ખેડૂત સમાજની માંગ
નર્મદા નદીમાં આવેલી આફતથી ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખેડૂતોને રૂ.3,000 કરોડનું નુકસાન થયાનો ખેદજનક સાથે દાવો જિલ્લા ખેડૂત સમાજે કર્યો છે. નર્મદા નદીમાં પૂર અને ડેમમાંથી છોડાયેલા 18 લાખ ક્યુસેક પાણી 60 કલાક બાદ ઊતરતાં હવે તબાહીનાં વરવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નદી કાંઠાનાં 214 ગામમાં નર્મદાનું ઘોડાપૂર આવતાં ખેતી પાયમાલ થઈ ગઈ હતી. શાકભાજી, કેળાં, શેરડી, કપાસ સહિતના પાકો સાફ થઈ ગયા છે.
ભરૂચ-નર્મદા ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર કરમરિયાએ જણાવ્યું હતું કે, બંને જિલ્લાનાં 214 ગામમાં 3 લાખ હેક્ટરમાં ખેતી નષ્ટ થઈ છે. ખેડૂતો પાયમાલ બન્યા છે. હેક્ટર દીઠ એક લાખની ખાલી મહેનત, બિયારણ, મજૂરી, ડીઝલ, જંતુનાશક દવાઓનો જ ખર્ચ ગણતાં રૂ.1 લાખનું નુકસાન છે. એ જોતાં બંને જિલ્લાના ખેડૂતોને અને તેમની ખેતીને રૂ.3,000 કરોડનો મરણતોલ ફટકો પડ્યો છે.
ભરૂચ-નર્મદા ખેડૂત સમાજ ખેતીમાં નુકસાનીનો સરવે કરાવી જેમ બને તેમ તાત્કાલિક ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆત કરનાર છે. સાથે જ મિનિમમ 2 હેક્ટરની મર્યાદામાં નહીં પણ ખેડૂતની જમીન પ્રમાણે નુકસાનીના વળતરની ખેડૂતો દ્વારા તંત્ર અને સરકારમાં રજૂઆત કરવામાં આવે તો ખેડૂતોને ઉગારી શકાય એમ છે.
બુધવારે નર્મદા નદીની જળ સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે 24.50 ફૂટ આસપાસ નોંધાઈ હતી. જે બાદ નીચાણવાળા અને કાંઠાના વિસ્તારોમાંથી પાણી ઓસર્યા હતા. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણીની આવક ઓછી થતાં ભરૂચ–વડોદરા અને નર્મદા જિલ્લાના લોકોએ રાહત અનુભવી હતી. હાલમાં પણ નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે તેની ભયજનક સપાટી પર વહી રહી છે. જો કે, નદીમાં જળ કાંઠા વિસ્તારોને છોડીને વહેતા હોય ખતરાની બાબતથી દૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, અંકલેશ્વરમાં 65થી વધુ સોસાયટીમાં આવેલાં 5500થી વધુ ઘરોમાં લોકો અનાજ, રાચરચીલું અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ શ્વાહા થઇ ગયાં હતાં. પ્રત્યેક ઘરથી અંદાજે લાખથી દોઢ સુધીનું નુકસાન પહોંચ્યું હતું.