ડેડિયાપાડા: નર્મદા (Narmada) એલસીબીને (LCB) બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રની હદમાંથી ટ્રકમાં (Truck) ઇંગ્લિશ દારૂ સંતાડી ગુજરાતમાં લાવવામાં આવ્યો છે. બાતમીના આધારે એલ.સી.બી.નો સ્ટાફ માચ પાટિયા ડેડિયાપાડા (Ddiyapada) પાસે ગોઠવાઈ ગયા હતા. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતાં તેને રોકી ટ્રકમાં તપાસ કરતાં ઘેટાં-બકરાંની ઉનના કંતાનના કોથળાની આડમાં લાખોની કિંમતનો બ્રાન્ડેડ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ કિં.રૂ.૨૩,૨૬,૦૦૦ તથા ટાટા ટ્રક કિં.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા મોબાઈલ અને રોકડ ૧૮,૬૫૦ મળી કુલ કિં.રૂ.૩૩,૪૪,૬૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં પકડાયેલા આરોપીઓ સંપતલાલ તથા નંદકિશોર તેમજ અન્ય એક વોન્ટેડ આરોપી જયેશ માલી (રહે.,રેવાડી, હરિયાણા) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે કારમાંથી દારૂ સાથે બુટલેગરની અટકાયત
અંકલેશ્વર: ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલી બાતમીના આધારે સુરતથી ભરૂચ તરફ કારમાં ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો લઈ આવતા બુટલેગરને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે રોકી તલાશી લેતાં કારમાંથી ભારતીય બનાવટના શરાબની નાની-મોટી કુલ ૧૧૬૯ બોટલ મળી આવી હતી. ક્રાઇમ બ્રાંચે આ મામલે નરેન્દ્ર ચૈતરામ ગુપ્તા નામના બુટલેગરની ધરપકડ કરી અન્ય બે બુટલેગર પંકજ અને સહદેવ ઉર્ફે કરણ જેસિંગ વસાવા (રહે., જૂના કાંસિયા, અંકલેશ્વર)ને વોન્ટેડ જાહેર કરી કુલ ૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં બુટલેગરો સામે પોલીસની તવાઇ
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ રોડ ઉપર મુબિન સોસાયટીમાં આવેલા મિતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો જુનેદ ઉર્ફે સેકલીન શેખે પોતાના મકાનમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરતો હોય પોલીસે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસે મકાનમાં તલાશી લેતાં મકાનમાં સંતાડવામાં આવેલા ૬ જેટલાં બોક્સમાંથી કુલ ૭૯ બોટલ મળી કુલ ૩૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી જુનેદની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.