રાજપીપળા: (Rajpipla) ગુજરાત સરકારે હાલમાં જ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે. બીજી બાજુ ચાલુ વેકેશનમાં કોઈ પણ લેખિત હુકમ વિના નર્મદા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને (Teachers) ડોર ટુ ડોર કોરોના સરવેની કામગીરી સોંપવા સામે રોષ ફેલાયો છે. નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. એની સાથે સાથે મૃત્યુ આંક પણ એટલો જ વધી રહ્યો છે. જેથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભાં કરાયાં છે એની સંપૂર્ણ જવાબદારીઓ પણ પ્રાથમિક શિક્ષકોના માથે નાંખી દીધી છે. તો બીજી બાજુ દરેક શિક્ષકોએ કોઈ પણ લેખિત હુકમ વિના આરોગ્યકર્મીઓને સાથે રાખી પોતાના વિસ્તારમાં કોરોનાની ડોર ટુ ડોર સરવેની (Door To Door Survey) કામગીરી થોપી દેવાઈ છે.
ાલુ વેકેશનમાં સોંપાયેલી આ કામગીરીનું શિક્ષકને કોઈ ભથ્થું મળશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. છતાં નર્મદા જિલ્લામાં કોઈ પણ જાતના વ્યક્તિગત હુકમ વિના હાલ શિક્ષકો ડોર-ટુ-ડોર સરવે કરી રહ્યા છે. શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ઊભાં તો કરાયાં પણ દર્દીઓની દેખભાળ કોણ રાખશે, દર્દીને કશું થાય તો એનો જવાબદારી કોણ, શું શિક્ષકોએ રાત-દિવસ દર્દીને જોયા કરવાનું, તેની દવા-ટેમ્પ્રેચર-ઓક્સિજન વારંવાર માપવા જતાં શિક્ષકને અને એના પરિવારને કોરોના થયો તો એનો જવાબદાર કોણ સહિત અનેક પ્રશ્નો શિક્ષકોમાં ઊઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઈ લેખિત હુકમ ન હોય તો સરકારી મળવાપાત્ર સહાય પણ મળે નહીં. રોજરોજ સરવે માટે આવવું નહીં એમ કહી શિક્ષકોને લોકો અપમાનિત કરતા હોવાની બાબતો પણ સામે આવી છે. જ્યારે કેટલાક લોકો તો શિક્ષકોને જોઈ બારણાં પણ બંધ કરી દેતા હોય છે. હાલ નર્મદા જિલ્લાના શિક્ષકોની પડખે શિક્ષક સંઘ પણ ઊભો રહેતો નથી. ત્યારે સરકારના આ નિર્ણય સામે શિક્ષકોમાં રોષ ફેલાયો છે.