રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા પોલીસે ફેક ડિગ્રી-માર્કશીટનું (Degree Mark sheet) આંતરરાજ્ય કૌભાંડ (Scam) ઝડપી પાડ્યું છે. નર્મદા એલસીબી પોલીસ ટીમે દિલ્હીથી મહિલા સૂત્રધારને ઝડપી પાડી મોટી માત્રામાં ફેક ડિગ્રી-માર્કશીટ અને અન્ય સાધનો જપ્ત કર્યાં છે. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહે આ મુદ્દે વધુ તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવાની જાહેરાત કરી છે. રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં (University) ગત 10/12/2021ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન (Verification) માટે આવ્યા બાદ આ આખું કૌભાંડ બહાર આવ્યું હતું.
રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં ગત તા.10/12/2021ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ ડિગ્રી સર્ટિફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનું બહાર આવતાં રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકરસિંહની સૂચનાથી આ બાબતની તપાસ માટે નર્મદા જિલ્લા એલસીબી પીઆઈ એ.એમ.પટેલ સહિત એમની ટીમે ફેક વેબ સાઈડ બનાવનારની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન એ ફેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીની બેઉલા નંદ રેવ બીસી નંદ, 4-એ, નંબર-14, રાજાપુરી રોડ, ઉત્તમનગરની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ ટીમે દિલ્હી સ્થિતિ એના મકાનમાં રેડ કરી દેશનાં અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સિટીનાં 237 ફેક ડિગ્રી સર્ટિફિકેટ, 510 માર્કશીટ, પ્રિન્ટર, 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનિવર્સિટી તથા સંસ્થાના 37 વેબ સાઈડ ડોમેઈન જપ્ત કર્યાં હતાં.
નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે, આ ફેક ડિગ્રી કૌભાંડમાં દેશનાં અલગ અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટ સામેલ છે. કઈ યુનિવર્સિટીમાંથી કઈ ડિગ્રી જોઈએ છે એ મુજબ તેઓ પૈસા લેતા હતા. બી.એ.થી લઈને પીએચ.ડી. સુધીની ડિગ્રીના 20 હજારથી લઈને 4 લાખ સુધીનો ભાવ હતો. ગ્રાહક કેવો છે એના પર પણ એ લોકો ભાવ વધઘટ કરતા હતા. ખાસ કરીને જેને વિદેશ જવું હોય એ જ લોકોને ફેક ડિગ્રી આ લોકો વેચતા હતા. આ કૌભાંડમાં 31 એજન્ટ સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે, અમે જુદી જુદી ટીમો બનાવી 31 એજન્ટની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવશે. એસ.આઈ.ટી.ના અધ્યક્ષ તરીકે કેવડિયા ડી.વાય.એસ.પી. વાણી દુધાત હશે. જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે એલસીબી પી.આઈ. સહિત અન્ય અધિકારીઓને મુકાશે. આ ફેક ડિગ્રીના વેરિફિકેશન માટે જુદી જુદી યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે.
એજન્ટો ડિગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા
રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીની ડિગ્રીનો પણ સોદો થયો હતો, પરંતુ કોઈ લેવા આવ્યું ન હતું. આ 35 યુનિવર્સિટીઓ પૈકી અમુક યુનિવર્સિટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે. જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહિત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનિવર્સિટીની ડિગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે. આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સિટી પર વેરિફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટો ડિગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા. રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે.
છત્તીસગઢની મહિલા આરોપીનો અભ્યાસ કમ્પ્યૂટર ડિપ્લોમા
આ કૌભાંડમાં પકડાયેલી મહિલા આરોપી બેઉલાનંદ રેવ બીસીનંદ મૂળ છત્તીસગઢની રહેવાસી છે. તેણે ડિપ્લોમા કમ્પ્યૂટરનો અભ્યાસ કર્યો છે. છેલ્લાં 10 વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીઓમાં નોકરી કરી છે. એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ નોકરી કરી છે. પરંતુ 2020થી એ ફેક ડિગ્રી વેચવાની પ્રવૃત્તિઓ કરી રહી છે.