સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલ નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમને મહત્તમ સપાટી પર લઈ જવા સરકારનો લક્ષ્યાંક સાથે RBPH ચલાવવાના સમયમાં ઘટાડો કરાયો છે. આગામી સમયમાં આવી રીતે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરાશે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. અગાઉ સરદાર સરોવરના રિવર બેડ પાવર હાઉસ જે પેહલા 24 કલાક ચલાવવામાં આવતું હતું જેથી 35000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હતું. પાણી સંગ્રહ કરવાનું હોવાથી હવે RBPH ને 8 થી 9 કલાક ચલાવતા 15000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યુ છે.
એક સમયે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમની જળ સપાટી ધીરે ધીરે ઘટી રહી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 115.40 મીટર છે, પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 561 મિલિયન કયુબિક મીટર છે.અને ગરુડેશ્વર વિયર ડેમ હાલમાં છલોછલ ભરેલો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની જળ સપાટી ઘટવાના કારણે અગાઉ એક સમયે રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટને 24 કલાક ચલાવવામાં આવતા હતા પરંતુ હવે આ યુનિટને સરેરાશ આઠ નવ કલાક જ ચલાવવામાં આવે છે જેના કારણે અત્યારે રોજનું 7 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
વિવિધ ડેમની હાલની સપાટી
નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-138.68 મીટરની સામે-115.39 મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-116.11 મીટરની સામે-102.07 મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-187.78 મીટરની સામે-179.15 મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-187.41 મીટરની સામે-179.85 મીટરની સપાટી રહેવા પામી છે.જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-31.09 મીટરની સામે 14.72 મીટર છે.
………………………..