નર્મદા જિલ્લાનાં બંધ મકાનોમાંથી ચોરીના બનાવો વધી રહ્યા હતા. નર્મદા જિલ્લા પોલીસ વડાએ આ ગુનામાં સંડોવાયેલાઓને ઝડપી પાડવા પોલીસને સૂચના આપી હતી. નર્મદા એલ.સી.બી.એ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના 2 સભ્યને ઝડપી પાડ્યા હતા.
રાજપીપળા નજીક કરાઠા ગામે ગત તા.18 જૂન 2021ના રોજ રાત્રિના સમય દરમિયાન ઘરફોડ ચોરી થઈ હતી. એ મામલે નર્મદા એલ.સી.બી. પી.આઈ એ.એમ.પટેલ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને કરાઠા ગામે થયેલ ઘરફોડ ચોરીમાં સીસીટીવી ફૂટેજ મળ્યાં હતાં. એમાં આરોપીઓએ પહેરેલાં કપડાં અને બાઇકના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
બાતમીદારો દ્વારા શકમંદોની ઓળખ થતાં રાજપીપળા ટાઉન વિસ્તારના રેલવે ફાટકની નજીક રહેતા રવિસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) (ઉં.વ.૩૮) (રહે., રણોલી બળીયાદેવનગર, કૈલાસપતિ સોસાયટીની બાજુમાં, તા.જિ.વડોદરા), રાજવીરસીંગ ઉર્ફે સીંદરશિંગ રાજાસીંગ સરદારને (ઉં.વ.૨૦) ધંધો-ભારત ગેસ બોટલ ડીલેવરી બોય (રહે., કાલાઘોડા રેલવે ફાટક)ને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.
નર્મદા એલ.સી.બી પોલીસે આ આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન સોના-ચાંદીના દાગીના તથા ચાંદીના સિક્કા તથા જૂના ચલણી સિક્કા તેમજ તેમના રાજપીપળા ખાતેના ઘરની તપાસ દરમિયાન ચોરી કરવા માટે વપરાયેલ હથિયાર તથા ચોરી સમયે પહેરેલ કપડા તેમજ ચોરી કરેલ પાનમસાલા તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 93,015 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આ ચોરીમાં સાથ આપનાર બોબીસીંગ કિરપાલસીંગ સીકલીગર (રહે., રણોલી બળિયાદેવનગર, કૈલાસપતિ સોસાયટીની બાજુમાં, તા.જિ.વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યો છે. રવિસીંગ વિરુદ્ધ વડોદરા, આણંદ અને અમદાવાદ વિસ્તારમાં ચોરી સહિત અન્ય ઘણા ગુના નોંધાયા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ લોકો ભૂંડ પકડવાના બહાને ગામડાંમાં રેકી કરી બાદ ચોરીને અંજામ આપતા હતા. પોલીસ પૂછતાછમાં રાત્રિ દરમિયાન મોટરસાઇકલ ઉપર નીકળી બંધ મકાનના નકૂચા તોડી ચોરી કરતા હોવાનું તથા વડિયા, વાવડી, થરી, કરાઠા, લાછરસ, કરજણ કોલોની જજ બંગ્લોઝ તેમજ તિલક્વાડા સહિત અન્ય ઘણી જગ્યાઓએ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. નર્મદા એલ.સી.બી. 7 ઘરફોડ ચોરીના ગુના ડિટેક્ટ કર્યા છે.