સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકની ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2 વિવાદોમાં ઘેરાઈ છે. હાલમાં જ ટેન્ટ સિટી-1ને અનામત વૃક્ષો કાપવા બદલ કેવડિયા વન વિભાગે 1 લાખનો દંડ કર્યો હતો. સાથે સાથે ટેન્ટ સિટી-1 અને 2ને અનધિકૃત બાંધકામ તોડી પાડવા ગરુડેશ્વર મામલતદારે નોટિસ પણ આપી હતી. ત્યારે જ નર્મદા એસ.ઓ.જી. પોલીસે ટેન્ટ સિટી 1 અને 2માં લાઇસન્સ વગરની 2 સિક્યુરિટી એજન્સીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં અનધિકૃત રીતે ચાલી રહેલી સિક્યુરિટી એજન્સીઓને શોધી કાઢવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. દરમિયાન નર્મદા જિલ્લા એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી.ઝાટ, પી.એસ.આઈ. એચ.વી.તડવી ગેરકાયદે સિક્યુરિટી એજન્સીને શોધવા વોચમાં હતા.
દરમિયાન કેવડિયા ટેન્ટ સિટી-1માં શુભમ ઈન્ટરનેશનલ સિક્યુરિટી સર્વિસ પ્રા.લિ.ના માલિક શ્રવણ પુરુસોત્તમ દ્વિવેદી (રહે.,1528, સત્યનારાયણ મંદિર કડવા પોલ દરિયાપુર અમદાવાદ તથા કેવડિયા ટેન્ટ સિટી-2માં અનિન કન્સલ્ટન્સી સર્વિસ પ્રા.લિ.ના માલિક અનિનદિતો અરૂપ ગુહા (રહે.,કે-101 સેક્ટર-1, સનસિટી દુલ્હન પાર્ટી પ્લોટ સામે, એસ.પી. રિંગ રોડ, બોપલ, અમદાવાદ) છેલ્લા ઘણા સમયથી લાઇસન્સ રિન્યુ કરાવ્યા વગર સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ બંને સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ કેવડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2ના અધિકારીઓ લાઇસન્સ રિન્યુ કરાવ્યા વગર સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરતી હોવા બાબતે અજાણ હશે કે પછી જાણતી હશે એ પ્રશ્ન અહીં ઉપસ્થિત
થાય છે.