નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની શરૂઆત થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને 31 માર્ચથી શરૂ થનારી આ બ્લોકબસ્ટર સિઝનની અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાનારી પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ મેચ પહેલા આઇપીએલની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવશે. પાંચ વર્ષથી આઇપીએલ ઓપનીંગ સેરેમની બંધ હતી, જે હવે આ સીઝનથી શરૂ થશે.
અહેવાલો અનુસાર પાંચ વર્ષ પછી યોજાનારી ઓપનીંગ સેરેમનીમાં રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પરફોર્મ કરી શકે છે. આ સાથે કલાકારોની યાદીમાં કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ અને અરિજીત સિંહનું નામ પણ ચાલી રહ્યું છે. એ ઉલ્લેખનીય છે કે વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમની 4 માર્ચે થઈ હતી. જેમાં હિપ-હોપ સિંગર એપી ધિલ્લોન ઉપરાંત, બોલિવૂડ અભિનેત્રીઓ કિયારા અડવાણી અને કૃતિ સેનને પરફોર્મ કર્યું હતું. આઇપીએલની પ્રથમ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઓપનીંગ સેરેમની સાંજના સાડા વાગ્યાથી શરૂ થઈ શકે છે અને તે લગભગ 45 મિનિટ ચાલશે.
2018 પછી પુલવામાં હૂમલા અને કોરોનાના કારણે આઇપીએલમાં ઓપનીંગ સેરેમની યોજાતી બંધ થઇ હતી
આઈપીએલમાં 2018ની સિઝન પછીથી ઓપનિંગ સેરેમની યોજાઈ નથી. 2018ની સિઝન દરમિયાન યોજાયેલી છેલ્લી ઓપનીંગ સેરેમનીમાં પરિણીતી ચોપરા, વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડીઝ અને ઋત્વિક રોશન જેવા સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું. 2019ની સિઝન શરૂ થવા પહેલા 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ શહીદોના માનમાં તે સમયે ઓપનીંગ સેરેમની રદ કરી દેવાઇ હતી અને તેના કારણે બચેલા ઉદઘાટન સમારોહના પૈસા શહીદોના પરિવારોને આપવામાં આવ્યા હતા. તે પછી કોરોના રોગચાળાને કારણે ઓપનીંગ સેરેમનીનું આયોજન થઇ શક્યું નથી.