વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુરત પધારી રહ્યા છે ત્યારે સુરતીઓ આનંદની લાગણી અનુભવે છે.જયાં સુધી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે ગુજરાતના તમામ જિલ્લા,શહેર અને ગામડાંઓની સમસ્યાઓ પર નજર રાખતા હતા અને તેનું નિરાકરણ કરતા હતા.દર મહિનાના છેલ્લા ગુરુવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકદરબાર યોજી જનતાની ફરિયાદનું સમાધાન કરતા હતા.૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી વડા પ્રધાન બન્યા પછી ગુજરાતમાં મજબૂત નેતૃત્વનો અભાવ વર્તાય છે.સુરત મહાનગરપાલિકા અને ગુજરાતમાં ભાજપનું એકચક્રી રાજ છે.ગુજરાત અને સુરતમાં ખૂબ વિકાસ થયો છે એમાં બેમત નથી.અસ્સલ સુરતના કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું.જે હવે મેટ્રોસીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે.વર્ષો પહેલાં સુરત એક નાનું શહેર હતું.નાની મોટી શેરી મહોલ્લા સુરતની ઓળખ છે.સુરતીઓ શાંતિપ્રિય પ્રજા છે.સુરતીઓ શેરી મહોલ્લામાં વસવાટ કરે છે.
સ્ટેશનથી ચોક રાજમાર્ગ પર અને ભાગળ,ઝાંપા બજાર,નવસારી બજાર વિસ્તારમાં દુકાનો આવેલી છે.તમામ વસ્તુઓની ખરીદી ત્યાંથી જ થાય.શેરી મહોલ્લા ફક્ત રહેણાંક વિસ્તાર હતો.વાહનો ઓછાં હતાં એટલે રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઓછું હતું.છેલ્લાં ૨૫ વર્ષમાં કોટ વિસ્તારનો વિકાસ થયો છે.ઠેર ઠેર શોપીંગ કોમ્પલેક્ષ અને એપાર્ટમેન્ટ બની ગયા છે.મેઈન રોડ પર જ્યાં રહેણાંક ઘરો હતાં ત્યાં દુકાનો અને ઓફીસ બની ગયાં છે.જે શેરીઓ સુધી વિસ્તરી રહ્યું છે.પરિણામે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓ વધી ગઈ છે.વાણિજ્ય અને રહેણાંક વિસ્તારનો નિયમ માત્ર કાગળ પર રહી ગયો છે.
આજે નર્મદની નગરી સુરતની ઓળખ ભૂંસાઈ રહી છે.હજુ પણ મૂળ સુરતીઓ કોટ વિસ્તાર બચાવવા સંઘર્ષ કરી રહ્યાં છે.સુરતીઓ પહેલાં જેવું શાંતિપ્રિય શહેર જળવાઈ રહે એવું ઈચ્છે છે. કોટ વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે.અસ્સલ સુરતી મધ્યમ વર્ગ ભાજપના પરંપરાગત મતદારો છે.ગુજરાતના નાથ શ્રી નરેન્દ્રભાઇ મોદી દિલ્હીમાં જઇ ભારત માતાની સેવા કરી રહ્યાં છે.ત્યારે દિલ્હીવાલા ગુજરાતમાં આવી, મફતની રેવડીની ગેરેન્ટી આપી રહ્યા છે ત્યારે અસ્સલ સુરતીઓ શ્રી નરેન્દ્રભાઈ પાસે તળ સુરતની ભવિષ્યની યોજના શું છે? એની ગેરેન્ટી નહિ,નર્મદનગરી સુરતની મૂળ ઓળખ જળવાઇ રહે એનું વચન માંગે છે.
સુરત -કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.