આગામી 2024માં લોકસભાની ચૂંટણીમાં ફરીથી વડાપ્રધાન તો નરેન્દ્ર મોદી બનશે , તેવો વિશ્વાસ કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે વ્યકત્ત કર્યો હતો. નવરાત્રીના બીજી નોરતે પરંપરા મુજબ અમીત શાહ આ વખતે પણ ગાંધીનગરમાં માણસા ખાતે તેમના વતનમાં બહુચરાજી માતાજીની માંડવી ખાતે સહ પરિવાર દર્શન કરવા આવ્યા હતાં. શાહે માણસા ખાતે પરિવારના સભ્યો સાથે માતાજીના આરતીમાં ભાગ લઈને પૂજા અર્ચના કરી હતી.
આજે દિવસ દરમિયાન ગાંધીનગરમાં સઈજ ખાતે શ્રી સ્વામીનાયારણ વિશ્વ મંગળ ગુરૂકૂળ દ્વારા નવ નિર્મિત ઈન્ટરનેશનલ સ્કૂલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ, સ્વામીનાયારણ વિશ્વ મંગળ ગુરૂકૂળ દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ, પાનસર ગામ તળાવની મુલાકાત, પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
પાનસર ખાતે સરકારની વિવિધ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહુર્ત સમારંભમાં સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ તેમના 20 વર્ષના કાર્યકાળમાં સુશાસન આપ્યું છે, એટલું જ નહીં તેઓ પરિણામલક્ષી કાર્યવાહી કરી છે એટલે જ આજે પણ તેમના નેતૃત્વમાં પ્રજાને હજીય વિશ્વાસ અકબંધ છે. 2001થી શરૂ કરીને 2021 સુધીના 20 વર્ષના સમયગાળામાં થાકયા વિના સતચ વિકાસલક્ષી કામગીરી કરી છે. કોંગ્રેસના 50થી વધુ સમયના શાસનમાં તેમજ છેલ્લા 7 વર્ષના પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કામોની સરખામણી કરવાની આવે તો પીએમ મોદીનું જ પલ્લુ નમી જાય તેમ છે.
શાહે કહ્યું હતું કે તાજેતરમાં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોગ્રેસને પરાજય થયો છે. તેમ છતાં કોંગ્રેસના નેતાઓ લાજવાને બદલે ગાજી રહ્યાં છે. આજે પણ પીએમ મોદીના નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે. આગામી 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં પણ પીએમ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનવાના છે.