સુરતનું ૧૬૨ વરસ જુનુ છાપું ‘ગુજરાત મિત્ર’ના વરિષ્ઠ પત્રકાર(નિવૃત્ત) શ્રી નરેન્દ્રભાઈ જોષીનું નિધન થયું. પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે તેવી વાચકો વતી પ્રાર્થના. તેઓ ગુજરાત મિત્રના પ્રભાવશાળી અને જ્ઞાની પત્રકાર હતા. વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયલો હોવાથી વારંવાર તેઓને પ્રેસનોટ આપવા માટે મળવાનું થતું. સેવાકીય પ્રવૃત્તિની પ્રેસનોટને તેઓ યોગ્ય ન્યાય આપતા. લખાણ પ્રવૃત્તિમાં તેઓનું યોગ્ય માર્ગદર્શન મળી રહેતું. ચર્ચાપત્ર વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપી હોવાથી તેઓના માર્ગદર્શન હેઠળ અસંખ્ય ચર્ચાપત્રીઓની એક ફોજ ઉભી થઇ.
તેઓ મૂળ કોટ વિસ્તારના રહીશ હોવાથી તેઓ પાસે તળ સુરત અને અસલ સુરતીઓ વિશેની માહિતીનો ખજાનો હતો. નરેન્દ્રભાઈ બ્રાહ્મણીયા દાળ અને ભાત ખાવાના શોખીન હતા. તેઓની એવી ઈચ્છા હતી કે સુરતમાં ફક્ત બ્રાહ્મણીયા દાળભાતની વ્યવસાયિક ધોરણે રેસ્ટોરન્ટ હોવી જોઇએ જેથી તેઓ જેવા દાળભાતનાં સ્વાદ રસિયા બ્રાહ્મણીયા દાળ ભાત ખાવાનો આનંદ મેળવી શકે. સુરતની પરંપરા, રીતરિવાજો, રહેણીકરણી, ખાણીપીની વિ. વિષયો પર મારા ચર્ચાપત્ર લખવામાં તેઓનું માર્ગદર્શન મળી રહેતું. ગુજરાતમિત્રમાં જુના વિષયો પર જે દિવસે ચર્ચાપત્ર છપાય તે દિવસે પહેલો ફોન નરેન્દ્રભાઈનો આવતો અને તેઓ તે વિષયની વધારાની માહિતી આપી જુના દિવસો યાદ કરતા.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વાણી વ્યવહાર અને વર્તન
આજકાલ સ્પષ્ટ સંભળાવી દેવાની પ્રથા ચાલે છે. વાણીનો ઉપયોગ જેવા સાથે તેવા કહીને તરત જ જવાબ આપી દેવા કરાય છે. સહન શક્તિનો અભાવ પછી સામેવાળુ વ્યક્તિ ઉંમરમાં વડીલ હોય ખોટુ લાગે તો ભલે લાગે. કોઇને કંઇ જ પડી નથી, આવી વ્યક્તિઓ ફકત બોલવા માટે જ હોય છે. એમને કોઇ પણ સામેવાળુ વ્યક્તિ કંઇ પણ કહી જાય તો તેઓ સાંભળી નથી શકતા જે બોલવાની સાથે વ્યવહાર અને વર્તનમાં પણ હવે પ્રેક્ટીકલ થવું પડે એમ કહી બદલાવવા લાગ્યા છે. લાગણીનો અભાવ લાગે છે. દસ વસ્તુ કરવાની રહી જાય તો જતુ કરવાની ભાવના ઓછી થઇ છે. છોકરાઓ વડીલોને યાદ કરતાં કે બોલાવતા નથી. વડીલોએ તેમને બોલાવવા પડે છે! આજકાલ મિત્રતા આગળ વધી રહી છે, મિત્રો સૌને ગમે સગા નથી ગમતા આ પ્રેકટીકલ જમાનામાં બધુ જ નાટકીય લાગે છે.
સુરત – કલ્પના વૈદ્ય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે