Business

ખેરગામ તાલુકાનું 90 ટકા શિક્ષિત ગામ નારણપોર

ખેરગામ નગરથી 3 કિમીના અંતર અને ઔરંગા નદીના કિનારે આવેલું નારણપોર ગામ ધીમે પગલે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. આ ગામ રાજા-રજવાડાના સમયથી જાણીતું છે. વર્ષો પહેલાં અહીં નારણ દેવજી નામનો રાજા રાજ કરતો હતો. સમય જતા રાજા નારણ દેવજીએ ધરમપુર ખાતે નગરી વસાવી હતી. અને આ રાજાના નામ પરથી ગામનું નામ નારણપોર પડ્યું હતું. આ ગામને જૂનવાણી લોકો જૂના ધરમપુર તરીકે પણ ઓળખે છે. નારણપોર ગામ 245-70-63 આકાર 181-85 જમીન હેક્ટરમાં ફેલાયેલું છે. ગામની વસતી 2039 છે, જેમાં પુરુષની સંખ્યા 1032 અને મહિલાની સંખ્યા 1007 છે. ગામમાં માહ્યાવંશી પરિવારનું માત્ર એક ઘર છે. જ્યારે મહત્તમ વસતી આદિવાસી, મુસ્લિમ અને કોળી પટેલ સમાજની છે.

આદિવાસી વિસ્તાર હોવા છતાં અહીંના લોકોની શિક્ષણ પ્રત્યેની ભૂખને કારણે ગામ સાક્ષરતા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. હાલમાં 90 ટકા લોકો સાક્ષર છે. નારણપોરની મુખ્ય પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ-1956માં થઈ હતી. જેમાં હાલ 144 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. એ સાથે ત્રણ આંગણવાડી પણ આવેલી છે. નારણપોરમાં છ ફળિયાં આવેલાં છે. જેમાં માતા ફળિયું ધાર્મિકતાની દૃષ્ટિએ પણ જાણીતું છે. માતા ફળિયામાં વર્ષ-1978માં ભવાની માતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એનો પણ આગવો ઇતિહાસ છે. વર્ષો પહેલાં વિશ્રામભાઈ જગાભાઈના ખેતર પાસે એક પથ્થર આવેલો હતો.

આ પથ્થરનો નજીકના ખેડૂતો ડાંગરની રોપણી કરવા પાનીયા(પાટ ઉપર ભાર મૂકવા) તરીકે ઉપયોગ કરતા હતા. અને ગમે ત્યાં પથ્થર મૂકી રાખતા હતા. પરંતુ આ પથ્થર વિશ્રામભાઈના ખેતર પાસે મૂળ સ્થાને જ આવી જતો હતો. વડવાઓના જણાવ્યા મુજબ અહીં કેટલાક પરચા પણ જોવા મળ્યા છે. જેથી લોકો આ પથ્થરની ભવાની માતા તરીકે પૂજા કરતા હતા. વર્ષ-2010માં ભવાની માતા મંદિરમાં જલારામ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. અને વર્ષ-1983થી દર વર્ષે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારોની સંખ્યામાં ખેરગામ અને ચીખલી તાલુકાનાં આસપાસનાં ગામના ભક્તજનો ઊમટી પડે છે.

જ્યારે કાનજી ફળિયામાં સીતારામ, હનુમાનજી અને બ્રહ્મદેવજીનું મંદિર, ઝઘડિયા ફળિયામાં મહાદેવજીનું મંદિર, નિશાળ ફળિયામાં અંબામા, શ્રીરામ-કૃષ્ણ તેમજ શંકર ભગવાનનું મંદિર, કાદવિયા ફળિયા (ન્યૂ જલારામ ફળિયા)માં જલારામ બાપા અને રામ પરિવારનું મંદિર આવેલું છે. જ્યાં ગત વર્ષે મૂર્તિ સ્થાપના કરાઈ હતી. તો નિશાળ ફળિયાના મુસ્લિમ મહોલ્લામાં નમાઝ પઢવા માટે મસ્જિદ આવેલી છે. જેનું 1980-81માં નવીનીકરણ કરાયું હતું. આ ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો એકસંપ થઈને રહે છે.

પીવાના પાણી માટે 5 ટાંકીનું નિર્માણ

ગામમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે 5 ટાંકી નિર્માણ કરવામાં આવી છે. એ સિવાય નાની 18 ટાંકી છે. તો ગામમાં 20 હેન્ડપમ્પની સુવિધા પણ છે. લોકોને આરોગ્ય સુવિધા મળી રહે એ માટે ગામમાં પેટા આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે.

ગામના લોકો ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર

મૂળ રજવાડાના સમયના આ ગામમાં ખેતીલાયક જમીન તો છે. પરંતુ પાણીની કિલ્લતને કારણે ખેડૂતોને કૂવા અને બોરિંગ કરી ખેતી કરવી પડે છે, જેમાં શેરડી અને શાકભાજીમાં ભીંડા, ટીંડોળા, પરવળ, રીંગણ સહિતની ખેતી કરવામાં આવે છે. સાથે અહીંના લોકો પશુપાલનનો પૂરક વ્યવસાય કરી જીવનનિર્વાહ કરે છે.

  • નારણપોર ગ્રામ પંચાયતના સભ્ય
  • (1) કમલેશભાઈ છગનભાઈ પટેલ
  • (2) જયાબેન સુરેશભાઈ પટેલ
  • (૩) પીયૂષભાઈ નરસિંહભાઈ માહ્યાવંશી
  • (4) દિનેશભાઈ મણિલાલભાઈ પટેલ
  • (5) કૈલાસબેન જીતેશભાઈ પટેલ
  • (6) આશાબેન રમેશભાઈ પટેલ
  • (7) મનીષભાઈ નટુભાઈ પટેલ

43 વર્ષ પહેલાં દૂધમંડળીની સ્થાપના થઈ હતી, આજે 270 સભાસદ છે

નારણપોર ગામ શિક્ષિત છે. પરંતુ આજે પણ પરંપરાગત પશુપાલનનો વ્યવસાય ટકાવી રાખ્યો છે. આજે ધી વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ-આલીપોર ડેરી, ચીખલીમાં દૂધ ભરીને પશુપાલકો પગભર થયા છે. શ્રી નારણપોર-નાંધઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ના પ્રથમ પ્રમુખ નગીનભાઈ મીઠલભાઈ પટેલ હતા.આ મંડળીના વિકાસમાં અરવિંદભાઈ બાબુભાઈ પટેલનો પણ ઉમદા ફાળો રહ્યો છે. આજે આ દૂધમંડળીમાં 270 સભાસદ છે. 43 વર્ષ પહેલાં સ્થપાયેલી આ મંડળીમાં હાલ પ્રમુખ તરીકે નટુભાઈ રાયાભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ રમણભાઈ પટેલ મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે વ્યવસ્થાપક કમિટીના સભ્યો તરીકે મોહનભાઈ દલાભાઈ પટેલ, રમણભાઈ શુક્કરભાઈ પટેલ, ઈશ્વરભાઈ લલ્લુભાઈ પટેલ, કલાવતી શાંતિલાલ પટેલ, મંજુલાબેન દશરથભાઈ પટેલ, ભારતીબેન ગુલાબભાઈ પટેલ, ગમનભાઈ કરશનભાઈ પટેલ, મુકેશભાઈ બાવનભાઈ પટેલ સેવારત છે.

‘જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણ એ શ્રેષ્ઠ પગથિયું છે’નો સિદ્ધાંત પોતાના જીવનમાં મૂર્તિમંત કરનારા 77 વર્ષના દાદા શીખવે છે અંગ્રેજી ગ્રામરના પાઠ

ખેરગામના નારણપોરના લોકો સાહસી અને બુદ્ધિજીવી પણ ખરા. એક સમયે એવો હતો, જ્યારે નારણપોરના લોકોનું જીવન ખૂબ સંઘર્ષમય હતું. પરંતુ શિક્ષણની જરૂરિયાતને વર્ષો પહેલાં જ અપનાવી ચૂકેલા આ ગામમાં તમને ૯૦ ટકા વર્ગ આજે ભણેલો-ગણેલો જોવા મળે છે. એમાંના એક છે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરી રિટાયર્ડ થયેલા જેસીંગભાઇ શુક્કરભાઈ પટેલ. હાલ 77 વર્ષના જેસીંગભાઇ નારણપોર ગામના ઝાડી ફળિયામાં પરિવાર સાથે રહી આધ્યાત્મિક જીવન ગુજારી રહ્યા છે. અને મોટા ભાગનો સમય શિક્ષણના પ્રચાર પ્રસાર માટે વાપરી રહ્યા છે. જનતા હાઇસ્કૂલ અને નારણપોરની પ્રાથમિક શાળાના વિકાસની વાત આવે તો તેઓ તરત જ હામી ભરી દે છે. કડકડાટ અંગ્રેજી બોલતા જેસીંગભાઇ કોઈકને ઓનલાઈન ગ્રામર ભણવું હોય તો ઉત્સાહપૂર્વક ભણાવે છે અને જીવન જીવાય ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખીશ એવો યુવાનો જેવો જુસ્સો ધરાવે છે. જેસીંગભાઈ જણાવે છે કે, મારાં માતા-પિતા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. મારા પિતા કોઈકવાર મુંબઈ મજૂરી અર્થે જતા હતા અને માતા ઘાસ કાપવાની મજૂરી કરતાં હતાં. મારે પણ ઘાસ કાપવા જવું પડતું હતું. અમે સાત ભાઈ અને બે બહેનો. બે બહેન અગાઉ મૃત્યુ પામેલી. 11 જણાના પરિવારમાં આર્થિક તંગી તો ખરી જ. વાત કરું ભણવાની તો એ સમયે સ્કૂલ ન હતી.

એ વખતે લોકશાળા ચાલતી હતી. અને એ પણ ઝૂંપડામાં. કોઈકવાર તો પટેલના ઘરે ભણાવતા અને વરસાદની સિઝનમાં તો પટેલના ઘરે જ ભણવું પડતું. મુસલમાન ફળિયાનું નાકું પતે એટલે પાંચ બંગલી આવે. જ્યાં આયશા પટેલના રોટલા પર અમે ભણતા. એવી રીતે હું ચાર ધોરણ સુધી ભણેલો. એ જમાનામાં રાબડાના મકનજીભાઈ જાદવભાઈ પટેલ અમારા માસ્ટર હતા. તેવો ખૂબ ઉત્સાહપૂર્વક અમને ભણાવતા હતા. જ્યાં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા બાદ 5થી 7 ધોરણ પીઠા પ્રાથમિક શાળામાં હું ભણ્યો હતો. એ જમાનામાં નવીસવી જનતા માધ્યમિક હાઇસ્કૂલ આવેલી. બાકી માધ્યમિક શાળાનું નામ પણ કોઈએ સાંભળેલું નહીં. 1958માં આવેલી આ હાઈસ્કૂલમાં શિક્ષણ પણ સારું. મેં વર્ષ-1963માં એસએસસી પાસ કરેલું. એ વખતે મારા 59.2% આવેલા.

મારો ફર્સ્ટ ક્લાસ તો ન હતો. પરંતુ સ્કૂલમાં બીજો નંબર આવ્યો હતો. એ વખતે આજની જેમ દસમું ધોરણ નહીં. અગિયારમું ધોરણ કહેવાતું. ધોરણ-11 પાસ થયા પછી એક વર્ષ મુંબઈમાં સર્વિસ કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીમાં ડેઈલી વેજીસ તરીકે અઢી રૂપિયા મળતા. એ રૂપિયામાંથી બચત પણ કરતો હતો. પરંતુ પૈસાની ખેંચ પડવા લાગી એટલે હું ફરી ગામ આવી ગયો હતો. ત્યાર પછી વલસાડની સાયન્સ કોલેજમાં એડમિશન લીધું ને હું પાસ થઈ ગયો. મારા ભાઈ એ વખતે મુંબઈ મ્યુનિસિપલ શાળામાં શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા હતા અને મેં તેમને વાત કરી કે મારે હજુ આગળ ભણવું છે. તમે કહો તો હું ત્યાં આવી જાઉ અને હું ભણવા માટે સીધો ફરી મુંબઈ પહોંચી ગયો. મેં બીએસસી કર્યું અને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ ગયો. હું બીએસસી ટેક પણ કરતો હતો. મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલબી પણ કર્યું છે. જો કે, આર્થિક તંગી પીછો છોડતી ન હતી. મારી પાછળ મારાં ચાર-પાંચ ભાઈ-બહેન પણ ભણતાં હતાં. એટલે મેં એકાઉન્ટન્ટ જનરલ તરીકે નોકરી કરી. જેના ચાર-પાંચ માસ પહેલાં જ મેં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં એપ્લાય કર્યું હતું. અને મને ક્લાર્કની નોકરી મળી ગઈ. જ્યાં 20 વર્ષ પછી ક્લાર્કમાંથી હું આસિસ્ટન્ટ જનરલ મેનેજર સુધીની પોસ્ટ ઉપર પહોંચ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરીએ લાગ્યા પછી મારાં લગ્ન થયાં. મારી મિસિસ ગંગા રેલવેમાં નોકરી કરતી હતી. એણે પણ રેલવેની નોકરી છોડી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી જોઈન્ટ કરી અને છેલ્લે આસિસ્ટન્ટ મેનેજર તરીકે રિટાયર થઈ. અમારા ત્રણ છોકરા ને ત્રણેય હોંશિયાર. આદિવાસી તરીકે જીવનમાં ઘણાં મહેણાં પણ સાંભળ્યાં હતાં. પરંતુ અમે અમારાં બાળકોને સારાં સંસ્કાર આપેલાં. ઊંચનીચનો ભેદભાવ કરવો નહીં. મારાં ત્રણ સંતાન પૈકી એક છોકરી હાલમાં મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણ એ શ્રેષ્ઠ પગથિયું છે. એટલે હું પણ મારા ગામ અને સમાજનો ઉદ્ધાર થાય એ માટે પ્રયત્ન કરું છું. મને આદિવાસી સમાજનો હોવાનો ગર્વ છે. શિક્ષણ ક્ષેત્રે કોઈપણ સમાજનાં બાળકોએ આગળ વધવું હોય તો મદદ કરવા હું તત્પર રહીશ.

રાજકીય ક્ષેત્રે અગ્રણી દંપતી અરવિંદભાઈ પટેલ અને કાંતાબેન

નારણપોર ગામ આમ તો રાજકીય ક્ષેત્રે પણ દબદબો ધરાવે છે. ગામના અરવિંદભાઈ બાબુભાઈ પટેલ એમાં જાણીતું નામ. કોલેજકાળથી જ નેતાગીરીના ગુણ એમનામાં હતા. તેઓ કોલેજમાં જીએસ રહી ચૂક્યા છે. અને એ બાદ કોંગ્રેસનો હાથ ઝાલી તેમણે રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. જેમાં તેમને સફળતા પણ મળી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડી જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે તેઓ ચુંટાયા હતા. વધુમાં નારણપોર ગામના સરપંચ તરીકે પણ અરવિંદભાઈ સેવા બજાવી ચૂક્યા છે. તેમનાં પત્ની કાંતાબેન પણ પતિના પગલે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી તાલુકા પંચાયતનાં પ્રમુખ બન્યાં હતાં.

જે નારણપોર ગામ માટે ગૌરવની વાત કહી શકાય. કાંતાબેન ગામના વિકાસમાં સહભાગી થવા સરપંચ પણ બન્યાં હતાં. આમ, રાજકીય ક્ષેત્રે અરવિંદભાઈ અને તેમનાં પત્ની કાંતાબેનનું અનેરું યોગદાન છે. કોઈપણ કામ લઈને આવે અરવિંદભાઈ એ કામગીરી સુપેરે પાર પાડે. હાલ અરવિંદભાઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. અરવિંદભાઈ સફળ ખેડૂત પણ ખરા. મરચાંની ખેતી કરીને તેમણે ખેડૂતોને નવી રાહ ચીંધી છે. કેટલાય લોકો તેમની પાસે મરચાંની ખેતી અંગે માર્ગદર્શન મેળવે છે. અરવિંદભાઈ કહે છે કે, મારી પાસે પાંચ એકર જમીન છે. જેમાં હું 4 એકર જમીનમાં મરચાંની ખેતી કરું છું. હું પહેલાં પરંપરાગત ખેતી કરતો હતો. પરંતુ મરચાંનો ભાવ વધુ રહે છે અને મેં આ ખેતી કરવાનું નક્કી કર્યું. મરચાંની ખેતી નફાકારક છે. પરંતુ માવજત પણ માંગી લે છે. મારી પાસે બોર અને કૂવાની સગવડ છે. જેથી ખેતી કરવામાં સરળતા રહે છે.

નારણપોરના શરદભાઈ પટેલ કેરીની ખેતીમાં અવ્વલ

મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવતું નારણપોર ગામ શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે. જેને કારણે ભણેલા ગણેલા યુવાનો પણ રાજકીય ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. શિક્ષક દંપતીના પુત્ર એવા શરદભાઈ નટુભાઈ પટેલ પણ ગામમાં સારી એવી લોકચાહના ધરાવે છે. તેઓ અગાઉ ગામના સરપંચ તરીકે સેવા પણ આપી ચૂક્યા છે. તેમનો સંગીતપ્રેમ પણ જાણીતો છે. મૂળ સંસ્કારી પરિવારમાં ઉછરેલા શરદભાઈ સ્વભાવે સરળ. મા-બાપનાં બે સંતાન, જેમાં સંજયભાઈ તેમના મોટાભાઈ થાય. જેઓ વિડીયો એડિટિંગનું કામ કરે છે. આજે ઘણાબધા પરિવારો વિભક્ત થઈ રહ્યા છે, ત્યાં આ પરિવાર આજે પણ એકસાથે રહે છે.

ગામના વિકાસનાં કામો હોય તો શરદભાઈ આગળ રહે છે. તેઓ ભાજપમાં હાલ સંગઠનના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. કોલેજ સુધી અભ્યાસ કરનાર શરદભાઈ પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. ગામના લોકો ઔરંગા નદીના કાંઠે વસેલા હોવા છતાં પણ બારેમાસ પાણીની સગવડ ન હોવાથી પાણીની ખેંચ રહે છે. એટલે પાણીનો બોર કરી તેઓ ખેતીપાક લે છે. તેમની પાસે આઠ વીઘાં જમીન છે, જેમાં તેઓ કેરીનો પાક લઈ સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે છે. તેઓ દર વર્ષે 150થી 200 મણ કેરી એક્સપોર્ટ કરે છે.

ગામના વિકાસ માટે હું સેવા બજાવતો રહીશઃ મહેશભાઈ પટેલ

નારણપોરના સરપંચ મહેશભાઈ ખુશાલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામમાં રાજકીય આગેવાનો કોઈપણ કામ હોય, એકસંપ થઈ કામમાં સહકાર આપે છે. જેને કારણે આજે અમારા નારણપોરમાં રસ્તા, પાણી અને વિવિધ વિકાસકીય સુવિધા ઊભી થઈ છે. અમારા ગામના લોકો મનરેગા યોજના થકી રોજગારીનો લાભ મેળવી રહ્યા છે. વર્ષોથી અમારું ગામ રાજકીય ક્ષેત્રે જાણીતું. એટલે અમારી યુવા પેઢી પણ ગામના વિકાસમાં સહયોગ આપે એ સ્વાભાવિક છે. મારા પિતા ખુશાલભાઈ પોલીસ પટેલ હતા. અને સરપંચ તરીકે પણ સેવા આપી હતી. ત્યારે ગામના વિકાસ માટે હું સેવા બજાવતો રહીશ.

Most Popular

To Top