વડોદરા : નવાયાર્ડમાં ઘરકામ માટે રાખેલા યુપીના નરાધમે માલિકની 12 વર્ષની પુત્રીને ધાક ધમકી આપી વારંવાર બળાત્કાર ગુજારતા ગર્ભવતી બની હતી. દુષ્કર્મ અને પોસ્કોના ગુનાનો કેસ કોર્ટમાં ચાલી જતાં નરાધમ આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા એક લાખનો દંડ ફટકાર્યો હતો. એડિશનલ ડિસ્ટ્રીક્ટ અને સેસન્સ જજ આર.ટી.પંચાલની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તર્ફે ધારાશાસ્ત્રી એન.યુ.મકવાણાએ દલીલ કરી હતી કે, સાડા ત્રણ વર્ષ પૂર્વે ક્રાઈમ બ્રાંચમાં બળાત્કાર અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. 30 વર્ષિય આરોપી અનિસખાન સલાઉદ્દીન પઠાણે (જૈતુનનગર ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે નવાયાર્ડ મૂળ ગામ નગલાભીખા તા.કમાલગંજ જિ.ફરૂખાબાદ યુપી) જઘન્ય કૃત્ય આચર્યું હતું. પીડિતાના પિતાને ત્યાં આરોપી પરચૂરણ કામકાજ અને સગીરાને શાળાએ લેવા જવાની નોકરી કરતો હતો.
માત્ર 12 વર્ષને 6 માસની ફુલ જેવી માસૂમ બાળકી ઉપર દાનત બગડતાં તેના જ ઘરના ઉપરના બેડરૂમમાં મારી નાંખવાની ધમકી આપીને બળાત્કાર ગુજાર્યો હતો. નરાધમના કૃત્યથી ફફડી ઊઠેલી સગીરાને જેતલપુર રોડ સ્થિત ગ્રાન્ડ પેરેડાઈઝ હોટલમાં લઈ જઈને પણ દુષ્કૃત્ય આચર્યું હતું. નરાધમના કુકર્મના પરિણામે સગીરા સગર્ભા બન્યાની જાણ થતાં પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. શહેર ક્રાઈમ બ્રાંચના આરોપી વિરુદ્ધ પોસ્કો અને બળાત્કારનો ગુનો નોંધાયો હતો. જે કેસ સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. બોયોલોજીકલ પુરાવા તથા સરકારી વકીલની દલીલને ધ્યાને લેતા ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની આજીવન કેદ તથા 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટ હુકમમાં નોંધ કરી હતી કે, ગુજરાત વિક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ મુજબ ભોગ બનનારને વળતર આપવું જરૂરી જણાય છે. સમય સંજોગોને જોતાં 7 લાખ રૂપિયાવળતર તરીકે ચૂકવવા હુકમ કરાયો હતો.