ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં નાઓમી ઓસાકાએ પહેલી જ ગેમમાં રોમાનિઆની પેટ્રિસિયા મારિયાને સીધા સેટમાં હરાવી દીધી. ટુર્નામેન્ટની પરંપરા મુજબ મેચ પત્યા બાદ યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં ઓસાકાએ પ્રેસ સાથે વાત કરવાની ના પાડી દીધી, જેને માટે એને ૧૫૦૦૦ ડોલરનો દંડ થયો. જોકે ટુર્નામેન્ટ શરૂ થતાં પહેલાં જ તેણે કહ્યું હતું કે તે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેશે નહિ. આઘાતજનક તો એ બન્યું કે આ પહેલી મેચ પછી જ તે ટુર્નામેન્ટમાંથી ખસી ગઇ! ઓસાકાએ કહ્યું કે પ્રેસનો સામનો કરવાનો મને ડર લાગે છે. સારા જવાબો આપવાનું મારા પર પ્રેસર રહેતું હોવાથી હું પ્રેસનો સામનો કરી શકતી નથી. મારી આ માનસિક અસ્વસ્થતા કંઇ આજકાલની નથી.
ત્રણ વર્ષ અગાઉ જયારે મેં પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું ત્યારથી જ એની શરૂઆત થઇ ગઇ હતી. ઓસાકા માત્ર ૨૩ વર્ષની (૧૬-૧૦-’૯૭) છે. ૨૦૧૮ માં જયારે ઓસાકાએ ૨૩ ગ્રાન્ડ સ્લેમ જીતનાર સેરેના વિલિયમ્સને હરાવી હતી ત્યારે ટેનિસ જગતે ભારે આશ્ચર્ય અનુભવ્યું હતું. પણ પછી તે સતત જીતતી જ રહી. ચાર ગ્રાન્ડ સ્લેમ સહિત તેણે અનેક એવોર્ડો મળ્યા. ૨૦૨૦ માં આખી દુનિયામાં એન્ડોર્સમેન્ટ કરનારા એથ્લેટસમાં તેનો આઠમો નંબર હતો. છેલ્લા બાર મહિનામાં તેની ૬૦ મિલિઅન ડોલર (લગભગ ૪૫૦૦ કરોડ રૂા.) જેટલી કમાણી થઇ. આજે ફીમેલ એથ્લેટસમાં તે સૌથી વધુ કમાય છે. નાની ઉંમરમાં ભગવાને તેને ઘણુ બધું આપી દીધું – નેઇમ, ફેઇમ, સંપત્તિ. આ સફળતાથી તેને ગુંગળામણ થઇ અને ડીપ્રેશન થવા લાગ્યું.
કોઇપણ ક્ષેત્રની સફળ થયેલી સેલિબ્રિટીએ જીવનમાં આવી હતાશા – નિરાશાનો સામનો કરવો પડતો હોય છે. સચિન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ, કવિ વર્ડઝવર્થ, અબ્રાહ્મ લિંકન વગેરે લોકો ડીપ્રેશનનો શિકાર બની ચૂકયા છે. ડીપ્રેશન હાલમાં માંદગીનું ચોથા નંબરનું કારણ છે. કોરોના કાળમાં ઘણા યુવાનો તથા વેપારી વર્ગ પણ ડીપ્રેશન અનુભવે છે. ડીપ્રેશન લેટિન શબ્દ ‘DEPRIMERE’ પરથી બન્યો છે, જેનો અર્થ થાય છે. ‘TO PRESS DOWN IN SPIRITS’. ગ્રીક ફીઝીશ્યન અને એલોપેથીક સાયન્સના પિતા હીપોક્રેટસે ‘મેલેનકોલીયા’ નામના રોગનું વર્ણન કર્યું છે. આશા રાખીએ કે નાઓમી ઓસાફા જલદીથી તેની માનસિક અવસ્થતામાંથી બહાર આવીને ટેનિક કોર્ટમાં પાછી ફરે!
યુ.એસ.એ. – ડો. કિરીટ એન. ડુમસિયા –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.