કામરેજ: નનસાડ પાસે રહેતી ધો.10ની વિદ્યાર્થિનીએ દવા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. સ્કીનની બીમારી હોવાથી અને વતનમાં ભણવા જવાની પિતાએ ના પાડતાં માઠું લાગી આવતા વિદ્યાર્થીનીએ આ પગલું ભર્યું હતું.
- નનસાડની ધો.10ની વિદ્યાર્થિની ઘરે ઝેર પીને શાળામાં અભ્યાસ માટે પહોંચી
- શાળામાં ઊલટીઓ થતાં ઘટનાની જાણ થઈ, સ્મીમેરમાં સારવાર દરમિયાન દમ તોડ્યો
- સ્કીનની બીમારી હોવાથી અને વતનમાં ભણવા જવાની પિતાએ ના પાડતાં માઠું લાગી આવ્યું હતું
આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ અમરેલીના ધારીના વતની અને હાલ કામરેજના નનસાડ રોડ ઉપર મકાન નં.20, ગોકુલધામ સોસાયટીમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિની શુક્રવારે નિત્યક્રમ મુજબ બપોરે સ્કૂલે ગઈ હતી. દરમિયાન તેને સ્કૂલમાં ઊલટીઓ થવા લાગતાં શિક્ષકે તેના પિતાને તેમની પુત્રીએ ઝેર પી લીધું છે અને ઊલટીઓ કરે છે તેમ જણાવતા તેના પિતા શાળાએ ગયા હતા. તેમણે તેમની પુત્રીને કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અપાવી વધુ સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું 3.45 કલાકે મોત નીપજતાં કામરેજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પૂછપરછ કરતાં વિદ્યાર્થિની ઘણા સમયની સ્કીનની તકલીફ હોય અને વતનમાં ભણવા માટે જવાનું કહેતી હોવાથી પિતાએ બોર્ડની પરીક્ષા બાદ વતનમાં જવાનું જણાવતા ખોટું લાગી આવતાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.