સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇની અધ્યક્ષતામાં પ્રભારી ભરતભાઇ રાઠોડ, કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ મહામંત્રી યોગેશ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન નરેશ પટેલ ગુણવંત દેસાઇ, જિલ્લા મીડિયા સેલ કન્વીનર દિનેશ દેસાઇના સાંનિધ્યમાં રવિવારના રોજ ગલતેશ્વર શિવ મંદિરના પટાંગણમાં મળી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇએ જણાવ્યુ હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે. કર્મઠ કાર્યકરો, ધારાસભ્યો, સાંસદો ચૂંટાયેલા સદસ્યો નમો એપ, સોશ્યલ મીડિયા સાથે ફરજિયાત જોડાઈને તથા પાર્ટીની અસ્મિતાને ધ્યાનમાં લઈ પ્રચાર પ્રસાર કરવા નો રહેશે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની કાર્ય પદ્ધતિની પ્રસંશા કરી હતી. તા-5,6 અને 7 સપ્ટેમ્બર 2021 દરમિયાન 13 મંડળમાં નમો એપ, સોશિયલ મીડિયા તેમજ સ્વાસ્થ્ય સેવક અભિયાનમાં ના વ્યાપક અને સર્વગ્રાહી અમલીકરણ માટે સંયુક્ત બેઠક કરવા પ્રમુખ દેસાઇ, પ્રભારી ભારત રાઠોડ, મહામંત્રી યોગેશ પટેલ તરફથી કન્વીનર (ઇનચાર્જ) તરીકે ભાજપ અગ્રણી જગદીશ પારેખ તથા મીડિયા સેલના વિકાસ પટેલની સહ ઇનચાર્જને જવાબદારી સોંપવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સહકાર મંત્રાલય શુભારંભ કરી ગૃહપ્રધાન અમિત શાહે ચાર્જ સંભાળ્યો એ તાતી જરૂરિયાત હતી.
આગામી 11 સપ્ટેમ્બરે સુરત મુકામે સહકારિતાનું સંમેલન કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત મોડેલ પ્રચલિત થયું છે. જેનો યશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જાય છે.