Charchapatra

નામ, અટક અને વિશ્વ એકમતિ

દરેક જડ અને ચેતનને કોઇ ચોક્કસ નામ છે. કદાચ એ ઓળખ માટે જરૂરી હતું એટલે હોઈ શકે. આપણે પંખીઓને બુલબુલ, હોલા, તેતર જેવા પ્રદેશવાર અપાયેલાં નામોથી ઓળખીએ છીએ. પૂરા સમૂહ માટેનું આ સમાન નામકરણ મુખ્યત્વે તેમના એકસરખા દેખાવને કારણે હોવું જોઈએ. અમુક પ્રાણીઓ જેમ કે વાઘ, સિંહ, દેખાવની દૃષ્ટિએ તો સમાન ભાસે છે પણ સ્વભાવ અને અન્ય વિશેષ ભિન્નતાને કારણે અલગ ઓળખના અધિકારી બનતાં તેને ક્યારેક વ્યક્તિગત નામો અપાય છે ખરાં, પણ ગાય અને ભેંસ, જેવાં પાલતુ પ્રાણીઓમાં શિંગડાં અને કલર જ્યારે ઘોડા અને ગધેડા જેવાં પ્રાણીઓમાં કદ, કલર અને તેની લાક્ષણિકતાઓના આધારે ક્યારેક નામકરણ થાય છે ખરાં! મનુષ્ય એક વિશિષ્ટ અને વિચારશીલ પ્રાણી છે.

તેની બધી લાક્ષણિકતાઓને તપાસીએ તો દરેક વ્યકિત એક અલગ નામાભિધાન માટે સક્ષમ લાયકાત ધરાવે છે. પૂરું વિશ્વ એ બાબતે સંમત છે અને તેથી જ તો પૂરા વિશ્વમાં વર્ષો જૂની ગડમથલના અંતે જે બાબત સ્થિત થઇ તેમાં એક એવું વૈશ્વિક ઐક્ય ઉભર્યું જેમાં દરેક વ્યકિતને એક નામ, એને મળેલી એના માતા કે પિતાની ઓળખ અને એના કબિલાની વિશિષ્ટ ઓળખ સમી એક અટક. આ કોઇ પ્રાદેશિક ઘટના નથી તેથી જ તેના પર અખિલ અને બૃહદ ખ્યાલમાં સંશોધન થવું જોઇએ. આદિકાળથી ચાલી આવેલી રીતભાતો અને પરંપરાઓ પશ્ચાત્ ઉભરેલી અને પ્રવાહિત થયેલી આ પરંપરા ન કેવળ પ્રદેશ પરંતુ સમગ્ર વિશ્વને સ્પર્શે છે એટલે વધુ વિચારણીય છે.
વલસાડ પ્રા. કિરણ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નૈતિક લોકોની પસંદગીમાં શિક્ષકની ભૂમિકા
હું સૂચવું છું કે આપણી પાસે નૈતિક શિક્ષકો હોવા જોઈએ. જેઓ ભારત સરકારોના નૈતિક ગુપ્તચર એજન્ટો તરીકે કામ કરતા હોવા જોઈએ. જેના દ્વારા તેઓ ઉચ્ચ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને સારાં નૈતિક મૂલ્યો અને અન્ય સારા ગુણો ધરાવતા સારા વિદ્યાર્થીઓને ઓળખી શકે અને આવી માનવસંપત્તિ અથવા યુવા ધન વિશે આપણી સરકારને જાણ કરી શકે. આપણી સરકાર મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટ, ડીએમઆઇટી ટેસ્ટ, જ્યોતિષશાસ્ત્ર, અંકશાસ્ત્ર, પ્રાણિક હીલિંગ, બોડી લેંગ્વેજ, સાયકોલોજી જેવી વિવિધ વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા તેમના વ્યક્તિત્વને જાણવા માટે વધુ પગલું લઈ શકે છે અને તેમને અને તેમના પરિવારને વધુ તાલીમ આપવા માટે વિશ્વાસમાં લઈ શકે છે જેથી તેઓ તેમના વ્યક્તિત્વ અનુસાર ભારત સરકારના વિવિધ વિભાગો સાથે કામ કરી શકે અને ખાનગી કંપનીઓમાં કામ કરવાને બદલે અથવા વિદેશ જવાને બદલે આપણા રાષ્ટ્રના વિકાસમાં તેમનું મહત્તમ યોગદાન આપી શકે.
સુરત- પ્રો. સ્નેહલ જે.ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top