મુંબઇ: આવતી કાલે એટલેકે રવિવારે ભારત (India) અને ઓસ્ટ્રેલીયા (Australia) વચ્ચે વર્લ્ડ કપની (World Cup) ફાઇનલ મેચ રમાશે. સમગ્ર વિશ્વની નજર આ વર્લ્ડ કપ ઉપર છે ત્યારે આઈસીસી (ICC) દ્વારા મેચને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વાર વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું નામ ટ્રોફીની (Trophy) સાથે આકાશમાં (Sky) લખવામાં આવશે. આ સાથે જ વર્લ્ડ કપની પૂર્વ વિજેતા ટીમના કેપ્ટનોનું ખાસ સન્માન કરવામાં આવશે. આ સાથે પ્રીતમના મ્યુઝીક શોનું આયોજન કરવામાં આવ્યુ છે.
મળતી માહિતી મુજબ 1200 ડ્રોન દ્વારા વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમનું નામ ટ્રોફીની સાથે આકાશમાં લખવામાં આવશે. વિજેતાને ટ્રોફી અપાયા બાદ આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અનોખી આતશબાજીથી રંગાઇ જશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ ફાઈનલ મેચને વધુ યાદગાર બનાવવા માટે સૂર્ય કિરણના એરિયલ શો સાથે લેસર શો અને પ્રિતમના મ્યુઝિક શોનું પણ આયોજન કર્યું છે. મહત્વની વાત એ છે કે આ અવસર પર ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટનોને સન્માનિત કરવામાં આવશે અને સ્ટેડિયમમાં તેમની પરેડનુું પણ આયોજન છે.
આ વર્ષે આઈસીસીએ વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમનીનું આયોજન કર્યું નથી. પરંતુ તેણે ફાઈનલને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી નથી. સૂર્ય કિરણના નવ એરક્રાફ્ટ મેચ શરુ થવા પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર અનોખા સ્ટંટ કરશે. આ સ્ટંટ ટમ લીડર વીંગ કમાન્ડર સિધ્ધેશ કાર્તિકના નેતૃત્વમાં આયોજીત કરવામાં આવ્યા છે.
પ્રથમ ઇનીંગના પૂર્ણ થયા વાદ રાત્રિભોજન સમયે ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન્સને ICC બ્લેઝરથી સન્માનિત કરવામાં આવશે. જેમા ક્લાઈવ લોઈડ (વેસ્ટ ઈન્ડિઝ), કપિલ દેવ (ભારત), એલન બોર્ડર (ઓસ્ટ્રેલિયા), અર્જુન રણતુંગા (શ્રીલંકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), મહેન્દ્ર સિંહ ધોની. (ભારત), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ)ને સન્માનિત કરવામાં આવશે. સાથે જ તેમની પરેડ પણ યોજાશે. પરંતુ આ પરેડમાં ઈમરાન ખાન, સ્ટીવ વો, માઈકલ ક્લાર્કની ભાગીદારી હજુ નક્કી થઈ નથી.
સાથે જ પ્રીતમના મ્યુઝિક ગ્રુપ દ્વારા ‘દિલ જશ્ન બોલે‘ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન કેસરિયા, લહેરા દો, જીતેગા-જીતેગા જેવા ગીતો સાંભળવા મળશે. બીજી ઇનીંગના ડ્રિંક્સ બ્રેક દરમિયાન લેસર શોનું આયોજન કરવામાં આવ્યું છે. અંતે આકાશમાં ડ્રોન દ્વારા વિજેતા ટીમનુ નામ જાહેર કરવામાં આવશે. આમ, વર્લ્ડ કપનો અંત આખા વિશ્વ માટે અવિસ્મરણીય રહેશે.