કોંગ્રેસના (Congress) સમયમાં મોટેરા સ્ટેડિયમનું (Motera Stadium) નામ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડવામાં આવ્યું હતું. આજે તે બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ કરવાની ગુસ્તાખી કરવામાં આવી છે, જે ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહીં લે, તેવું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda) જણાવ્યું હતું. ચાવડાએ વધુમાં કહ્યું હતું કે પહેલા એરપોર્ટનું નામ બદલવાની કોશિશ કરવામાં આવી, હવે સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલા સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જે સમગ્ર ગુજરાતનું અપમાન છે.
સરદાર પટેલના નામે મત માગનાર ભાજપ હવે સરદાર પટેલ સાહેબનું અપમાન કરે છે- હાર્દિક પટેલ
અમદાવાદના મોટેરા ખાતે આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવા બદલ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે વોટ માગનાર ભાજપ આજે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. વિશ્વનું સૌથી મોટુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર વલ્લભભાઇ પટેલનું સ્વાભિમાન વધારનાર ભારતીય જનતા પાર્ટી વારંવાર સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. રાત્રે સૂઈ ગયા હોય અને સવારે ઊઠીએ ત્યારે કદાચ અમદાવાદનું નામ બદલાઈને અમિત શાહ થઈ જાય તો નવાઈ નહીં તેવો કટાક્ષ પણ કર્યો હતો.
ગુજરાતને ખેલકૂદ રમત-ગમત ક્ષેત્રે બે નજરાણાં આપવા અંગે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં મુખ્યમંત્રી
મોટેરા ખાતે 233 એકરમાં નિર્માણ થનારા વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ એન્કલેવને પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ તરીકેની ઓળખ આપવાની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેરાત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આભાર દર્શાવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અમદાવાદમાં ઉદ્દઘાટન થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવાની આ ઘટનાને તેમણે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ઘટના વર્ણવી છે.
વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થવાથી વિશ્વ સ્તરીય ખેલકૂદ પ્રશિક્ષણ સાથે કોમનવેલ્થ, એશિયાડ અને ઓલિમ્પિક જેવી ગેઈમ્સ માટે પણ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે દેશ-દુનિયામાં અવશ્ય ખ્યાતિ પ્રાપ્ત કરશે. આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં ત્રણ હજાર જેટલાં બાળકો વિવિધ રમતોની તાલીમ લઈ શકે તેવી વ્યવસ્થાથી ગુજરાતની ભાવિ પેઢી પણ ખેલકૂદ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકશે તેવી અપેક્ષા વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.